header

દરજીડો, tailorbird

 

દરજીડો


 

પાન સીવીને માળા બનાવતું એક ગાયક પક્ષી.

 

                    આ પક્ષી ચકલી જેવડું હોય છે. તેની પીઠ અને પાંખો પર લીલો અને પેટ પર સફેદ રંગ હોય છે. તેની પૂંછડીમાં બે પીંછાં ઊભાં દેખાય છે. નર અને માદા દેખાવે સરખાં હોય છે. દરજીડાની ચાંચ માળો સીવવા માટે સોયનું કામ કરે છે.

 

                    દરજીડો જંગલમાં અને શહેરમાં જોવા મળે છે. તે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં વસે છે.

 

                    આ પક્ષી જોડમાં ફરે છે. તેનો મુખ્ય આહાર જીવાત અને તેનાં ઈંડાં તથા પુષ્પોનો રસ હોય છે. તેનો સ્વર મીઠો હોય છે. ‘ટ્વિટ, ટ્વિટ, ટ્વિટ’ કે ‘પ્રીત, પ્રીત, પ્રીત’ જેવા બુલંદ અવાજો તે કરે છે.

 

                    આ પક્ષી છોડ કે વેલામાં બે કે ત્રણ પહોળાં પાંદડાં લઈ તેની ધારો દોરા કે રેસાથી સીવીને નાળચા જેવા ઘાટનો માળો બનાવે છે. તે માળામાં વાળ, મૃદુ રેસા, રૂ વગેરેથી પોચી પથારી જેવું બનાવે છે, માળા પર પાન વડે ઢાંકણ જેવી વ્યવ પણ કરે છે; તેથી ટાઢ, તાપ અને વરસાદથી તેનાં બચ્ચાંને રક્ષણ મળે છે. 


                    દરજીડાની માદા માળામાં ૩થી ૪ ઈંડાં મૂકે છે, જો માણસ તેના માળાને અડે તો તે માળો ત્યજીને તે બીજો માળો બનાવે છે. આ પક્ષી સ્વભાવે શરમાળ અને નરમ હોય છે. તે રેસા અને દોરાની શોધમાં ઘરના વરંડામાં પણ આવી જાય છે. નર અને માદા બંને માળો બનાવવામાં અને બચ્ચાંને માટે ખોરાક શોધવામાં સાથે હોય છે. 


                    ઈંડાં સેવવાનું કાર્ય દરજીડાની માદા કરે છે. પાનમાંથી બનાવેલ તેનો માળો ઝાડ-વેલમાં ભળી જાય છે અને તેથી જલદીથી બીજાં ભક્ષક પક્ષીઓની નજરે ચડતો નથી.

 









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ