header

બીજુ શું કઢી ?

 

( ૨ ) બીજુ શું કઢી ?




એક વખત બીરબલે પોતાના એક સંબંધીના ઘેર જમવા જવાનું હતું . તેથી બીરબલે બાદશાહ પાસે વહેલા જવાની રજા માગી.બીરબલ દરબાર છોડીને જાય એ બાદશાહને ન ગમતું પણ બીરબલને જમવા ગયા વગર ચાલે તેમ ન હતું .

તેથી બાદશાહને રજા આપવી પડી . બીજા દિવસે બીરબલ દરબારમાં આવ્યો ત્યારે બાદશાહે પૂછ્યું- ‘ બીરબલ , કાલે તું જ્યાં જમવા ગયો હતો ત્યાં શું શું બનાવ્યું હતું ! રસોઈ કેવી બની હતી ! ’

 બીરબલે જવાબમાં કેટલાય પકવાનોના નામ લીધા.બાસુદી , ટોપરાપાક , મોહનથાળ , બરફી વગેરે . હજુ બીરબલ પોતાની વાત પુરી કરે એ પહેલા રાજનો એક બીજો પ્રશ્ન આવી ગયો એટલે વાત ત્યાં જ અટકી ગઈ .

આ વાતને કેટલાય દિવસો વીતી ગયા . એક દિવસ બાદશાહ દરબારમાં બેઠા હતા . બાદશાહને યાદ આવ્યું કે બીરબલે એ દિવસે ભોજન સામગ્રીનું વર્ણન અધુરું છોડી દીધું હતું .

આજ બીરબલની યાદશક્તિની કસોટી કરવાનો ખરો લાગ આવ્યો છે . આમ વિચારી બાદશાહે પૂછ્યું - ‘ બીજું શું ? ’ બીરબલ સમજી ગયો કે એ દિવસે ભોજન સામગ્રીનું નામ જણાવતા જણાવતા બીજું કામ આવી જવાથી વાત અધુરી રહી ગઇ હતી એટલે બાદશાહ એજ વાત આજે પૂછી રહ્યા છે .

બીરબલ તો ઘણો બુદ્ધિશાળી હતો . તેથી તત્કાળ જવાબ દઇ દીધો - ‘ બીજું શું , કઢી ! ’

બસ બીરબલની આ ગજબની યાદશક્તિથી બાદશાહ ઘણાં ખુશ થયા અને પોતાના ગળામાંથી મોતીની માળા ઉતારીને ઇનામમાં આપી દીધી .

 દરબારીઓ સમજી ન શક્યા કે એવી તે શું વાત બની કે બાદશાહે સાચા મોતીની માળા ઇનામમાં આપી દીધી ! ઘણાં એમ વિચારવા લાગ્યા કે બાદશાહને કઢી ઘણી પ્રિય છે .

 અને બીરબલે કઢીનું નામ લીધું એટલે બાદશાહે ખુશ થઇને માળા આપી એટલે દરબારીઓને પણ ઇનામ મેળવવાની લાલચ જાગી .

બીજા દિવસે સૌ એ પોતાના ઘરમાં સ્વાદિષ્ટ કઢી બનાવી . કેટલાકે તો જાત જાતના મસાલા નાખી આંગળા ચાટવા પડે એવી કઢી બનાવી . કેટલાકે તો ખાસ રસોયા પાસે કઢી બનાવરાવી .

 દરબારનો સમય થતાં જ મોટા મોટા દેગડામાં કઢી ભરીને સૌ દરબારમાં આવવા લાગ્યા . જોત જોતામાં તો કઢી ભરેલા દેગડાનો ઢગ ખડકાઇ ગયો .

બાદશાહ તો આટલા બધા દેગડા જોઇને અચંબો પામી ગયા અને દરબારીને પૂછવા લાગ્યા કે આ દેગડાઓમાં છે શું ? શા માટે આ દેગડા લાવ્યા છો ? તો એક દરબારી ઊભો થયો .

હાથ જોડીને કહેવા લાગ્યો ‘ નામદાર , આમાં તમને અતિ પ્રિય એવી કઢી છે . જહાંપનાહ કાલે તમે કઢી શબ્દ પર ખુશ થઇને બીરબલને મોતીની માળા ઇનામમાં આપી દીધી હતી .

તેથી તમને ખુશ કરવા અમે બધા સ્વદિષ્ટ કઢી બનાવીને લાવ્યા છીએ . ’

 દરબારીઓની આવી મૂર્ખતા જોઇ બાદશાહ સમસમી ગયા . એટલા બધા આવેશમાં આવી ગયા કે તમામ દરબારીઓને જેલમાં પુરી દેવાનો હુકમ કરતા બોલ્યા - ‘ તમને ફકત નકલ કરતા આવડે છે .

તમે બીજાની ખુશી નથી જોઇ શકતા માટે તમને બધાને સજા થશે .દરબારીઓ એ જોયું કે હોડ બકતા હાથ બળી રહ્યા છે તો બધા હાથ જોડીને ક્ષમા માગવા લાગ્યા .

 ખુબ જ આજીજી કરી ત્યારે માંડ બાદશાહે માફી આપી અને કહ્યું ‘ તમે બધા પ્રતિજ્ઞા કરો કે સમજયા વિચાર્યા વગર કોઇની નકલ નહીં કરો . ’

દરબારીઓ એ પ્રતિજ્ઞા કરી અને લુલા લમણે ઘર ભેગા થઇ ગયા .


ઇનામનો ભાગીદાર વાર્તા

 

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ