header

ઇનામનો ભાગીદાર (Reward partner)

 

૧. ઇનામનો ભાગીદાર




 આ એ સમયની વાત છે , જ્યારે બીરબલ અકબર બાદશાહના દરબારમાં નહોતો રહેતો . ત્યારે બીરબલ એક ગામડામાં રહેતો હતો .

 અને રોજ રોજ વાતો સાંભળતો કે અકબર બાદશાહ તો ઘણા ઉદાર છે . એનો દરબાર હંમેશા પંડિત , કવિઓ અને કલાકાર થી ઉભરાતો રહે છે .

વળી દૂર દૂર થી ઘણા વિદ્વાનો બાદશાહના દરબાર માં આવે છે અને બાદશાહને ખુશ કરીને ઇનામ મેળવે છે . આવી વાતો સાંભળીને એકવાર બીરબલને વિચાર આવ્યો કે લાવ ને હું પણ એકવાર બાદશાહના દરબારમાં જઇને નસીબ અજમાવું .

કદાચ બાદશાહ મારી બુદ્ધિ અને હાજર જવાબીથી ખુશ થઇ જાય તો આખી જીંદગી નું દાળદર ફીટી જાય . આમ વિચારીને બીરબલે તો દિલ્હીનો રસ્તો પકડયો અને આવ્યો દિલ્હી .

બાદશાહનો ભવ્ય મહેલ જોઇને એની આંખો અંજાઇ ગઇ . દરવાજા પાસે એક મુછોવાળો દરવાન ઉઘાડી તલવારે પહેરો ભરે છે , એ દરવાને બીરબલને જોતાં જ પૂછ્યું - ‘ અલ્યા ગમાર , આમ પૂછયા વગર ક્યાં દોડયો જાય છે ? શું છે તારુ નામ ? કયું છે તારું ગામ ? શા માટે આવ્યો છે ? ’

 બીરબલે તો નમ્ર અવાજે પોતાના નામ - ઠામ જણાવ્યા પછી વિંનતી કરતા કહ્યું કે બાદશાહને મળવા આવ્યો છું . અંદર જવા દો તો તમારી મોટી મહેરબાની . પણ આ તો બાદશાહનો દરવાન .

એમ તે કાંઇ અંદર જવા દે ખરો ? તરત મૂછે વળ દેતા બોલ્યો - ‘ મારું નામ અલ્લાબક્ષ દરવાન છે .

 મને ખુશ કર્યા વગર હું કોઇને અંદર જવા દેતો નથી . પહેલા મને જરા રાજી કર , પછી જ હું તને અંદર જવા દઉં ... '

 બીરબલ વિચારમાં પડી ગયો . એ સમજી ગયો કે આ લાંચિયો દરવાન લાંચ લીધા વગર અંદર જવા દેશે નહીં . અને જો અંદર ન જવાય તો ધરમ ધક્કો થાય .

એણે તો દરવાન ને ખુબ વિંનતી કરી . આજીજી કરી અને કહ્યું કે હું ઘણો ગરીબ માણસ છું . ઘણે દૂરથી પગે ચાલીને આવ્યો છું . હાલ તો મારી પાસે કાંઇ છે નહીં . ’ પણ દરવાન જરાય ન પીગળ્યો .

એણે તો એક જ વાત પકડી રાખી કે પહેલા મને ખુશ કર પછી અંદર જવા દઉં . ત્યારે બીરબલ બોલ્યો - ‘ જો ભાઇ ! હાલ તો હું સાવ ફકકડ છું .

એટલે તને કાંઇ આપી શકું તેમ નથી પણ હું અહીં બાદશાહને ખુશ કરવા આવ્યો છું . જો બાદશાહ મારા પર ખુશ થશે અને મને કાંઇ ઇનામ આપશે તો હું તને વચન આપું છું કે અર્ધું ઇનામ તને આપીશ ...

દરવાને વિચાર કર્યો કે આમ પણ આ લુખ્ખા પાસે થી કાંઇ મળે તેમ નથી માટે તેને અંદર જવા દઉ . કદાચ બાદશાહ ખુશ થઇને મોટું ઇનામ આપે તો મારું પણ ભાગ્ય ફરી જાય .

 એટલે એણે તો બીરબલને અંદર જવા દીધો પણ સખ્ત અવાજે કહ્યું - ‘ અંદર તો જવા દઉં છું પણ જો જે વળતી વખતે તે વચન ન પાળ્યું તો તારી ખેર નથી ...

 બીરબલે તો સોગંદ ખાધા અને અંદર ગયો . પહેલી જ વખત દરબારમાં પગ મુકતો હતો તો પણ જરાય ગભરાયા વગર એણે પોતાની બુદ્ધિ ચાતુરીની એવી એવી વાતો કરી કે આખો દરબાર ખુશ થઇ ગયો .

 અકબર તો એની બુદ્ધિ પર આફ્રિન થઇ ગયો અને કહ્યું - ‘ મન માં આવે એ માગી લે ’ .

ત્યારે બીરબલ ઘણી જ નમ્રતાથી બોલ્યો - ‘ ગરીબ પરવર ! તમે ખુશ થયા એજ મારે મન મારું ઇનામ છે . બીજું મારે કાંઇ નથી જોઇતું ... ’

 પણ અકબર તો બેહદ ખુશ થઇ ગયો હતો . આ યુવાન મોંઢે માગે એ આપવાની એને તીવ્ર ઇચ્છા હતી . તેથી એ બોલ્યો - ‘ મારા દરબારમાંથી આમ ખાલી હાથે ન જવાય .

 તારી ઇચ્છા હોય એ માગ ' બાદશાહે ખુબ આગ્રહ કર્યો ત્યારે બીરબલ હળવેથી બોલ્યો ‘ નેક નામદાર , જો તમે ખરેખર મારા પર ખુશ થયા હો તો મને સો ફટકા મારવાનો હુકમ કરો ... ’

બીરબલની આવી વિચિત્ર માગણી સાંભળીને આખો દરબાર આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો . ઘણાને તો એમ જ લાગ્યું કે આ બુદ્ધિશાળી દેખાતા યુવાનનું ખશી ગયું છે .

બીજું કોઇ હોય તો ધન - દોલત માગે ? અકબર બાદશાહ પણ બીરબલને સમજાવવા લાગ્યો - ‘ યુવાન આવું તે કાંઇ મગાતુ હશે ? ફટકા તો અપરાધીને મળે ... બીજું કાંઇક માગ ... ’

ત્યારે બીરબલ નમ્રતાથી બોલ્યો - ‘ આલમપનાહ ! મેં તો પહેલા જ ના પાડી કે મારે કાંઇ ઇનામ નથી જોઇતું પણ તમે અતિ આગ્રહ કર્યો એટલે મારી જે ઇચ્છા હતી એ મેં માગ્યું .

આપવું હોય તો આપો , ન આપો તો તમારી મરજી , ’ સૈનિકે તો બાદશાહની આજ્ઞા મુજબ હળવે હળવે ફટકા મારવાનું શરું કર્યું જ્યાં પચાસ ફટકા થયા ત્યાં બીરબલે સૈનિકને અટકાવ્યો

‘ હવે બસ ... મારા એક ભાગીદારને મેં વચન આપ્યું છે કે મને જે ઇનામ મળશે એમાંથી અર્ધું ઇનામ હું એને આપીશ .

આ સાંભળીને બાદશાહને આશ્ચર્યનો વધુ એક આંચકો લાગ્યો . એણે માન્યું કે આ એક તો ગાંડો છે આના જેવો બીજો પણ પાગલ હોવો જોઇએ .

એટલે બાદશાહ બોલ્યા ‘ પણ તારો ભાગીદાર છે ક્યાં ? અહીં તો ક્યાંય દેખાતો નથી ... ’ ત્યારે બીરબલે કહ્યું - ‘ એ મહેલના દરવાજે જ ઉભો છે .

લો હું જાતે જ બોલાવી લાવું ... ’ આમ કહીને બીરબલ તો દરવાનને બોલાવી લાવ્યો . એને બાદશાહ સામે ઉભો રાખીને કહ્યું - ‘ નામદાર , આ મારો ભાગીદાર છે .

 આણે મારી પાસે વચન લીધું છે કે મને જે ઇનામ મળે તેનો અર્ધો ભાગ મારે તેને આપવો . જો હું મારું વચન ન પાળું તો હું બેઇમાન ગણાઉ ... '

- અકબર બાદશાહ તરત સમજી ગયા કે દરવાને લાંચ માગી હશે અને બીરબલે દ ૨ વાનને પાઠ ભણાવવા માટે જ આ વિચિત્ર ઇનામ માગ્યું છે .

 બાદશાહે તરત સૈનિકને હુકમ કર્યો કે લાંચિયા દરવાનને એટલા જોરથી ફટકા મારો કે એની ચામડી ઉતરડી જાય .

 સૈનિકે લાંચિયા દરવાનને પચાસ ફટકા મારીને અધમુઓ કરી નાખ્યો પછી બાદશાહે એને કાઢી મુક્યો અને બીરબલની આ ચતુરાઇ પર ખુશ થઇને એને જમીન - જાગીર આપી પોતાના દરબારમાં જ રાખી લીધો .

 આગળ જતા આ બીરબલે પોતાની ચતુરાઇ થી બાદશાહના નવ રત્નમાં સ્થાન મેળવ્યું .

 

 કીડી બાઈનું ખેતર વાર્તા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ