header

(૨૦) બીરબલનો ન્યાય,(20) Justice of Birbal

 

(૨૦) બીરબલનો ન્યાય

 


અકબર બાદશાહના દરબારમાં ન્યાયાધીશની જગ્યા ખાલી પડતા બાદશાહે બીરબલને ન્યાયાધીશ બનાવવાનું નક્કી કર્યું પણ બેગમને આ વાત જરાય ન ગમી કારણ કે બેગમની ઈચ્છા પોતાના ભાઈને ન્યાયાધીશ બનાવવાની હતી. બેગમે તો હઠ પકડી કે મારા ભાઈને ન્યાયાધીશ બનાવો નહીંતર તમારી સાથે અબોલા, અકબર બાદશાહે વિચાર કર્યો કે આ સ્ત્રી હઠ છે. ગમે તેમ સમજાવો તોય સ્ત્રી હઠ ન મુકે. હવે કરવું શું? જો પોતાના સાળાને ન્યાયાધીશ બનાવે તો સાળો છડે ચોક ન્યાયની નીલામી કરે એવો હતો અને જો ના પાડે તો બેગમને ખોટું લાગે. હવે કરવું શું ?

 

આખરે બાદશાહે યુક્તિ કરી બેગમને કહ્યું કે કોઈને એમને એમ ન્યાયાધીશ ન બનાવી દેવાય.એની તો પહેલા કસોટી કરવામાં આવે, સફળ થાય તો જ ન્યાયાધીશ બનાવાય.

 

બેગમે કહ્યું કે તમારે જેવી કસોટી કરવી હોય એવી કરો, મારો ભાઈ બધી કસોટીમાંથી પાર ઉતરે એવો છે.

 

બાદશાહની આજ્ઞાથી બેગમનો ભાઈ રોજ રાજદરબારમાં આવવા લાગ્યો. એક દિવસની વાત છે. અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા છે. એટલામાં બે બાઈઓ દરબારમાં આવીને લડવા લાગી. હાથ લાંબા કરતી જાયને લડતી જાય. તરત ચોકીદારો દોડી આવ્યા અને બંને બાઈઓને લડતી બંધ કરી.

 

બાદશાહે પૂછયું - ‘તમે બંને કોણ છો ? તમારે જે ફરીયાદ હોય એ જરા પણ ખચકાટ વગર રજુ કરો. તમને અવશ્ય ન્યાય મળશે.

 

ત્યારે એક બાઈ બોલી - “હે બાદશાહ સલામત ! આ મારોપુત્ર છે. આ બાઈ એને મારી પાસેથી છિનવી લેવા માગે છે? ત્યાંજ બીજી બાઈ બોલી - ‘ના... આ મારો પુત્ર છે. મને જ - . મળવો જોઈએ.’

 

બાદશાહે પ્રથમ પોતાના સાળાને ન્યાય કરવા કહ્યું. બાદશાહનો સાળો મૂરખ નો જામ હતો. તરત બોલ્યો - ‘આમાં તે કઈ મોટી વાત છે. બાળકના બે કટકા કરીને બંનેને એક એક આપી દો.”

 

સાળાના આવા શબ્દો સાંભળી અકબર મૂછમાં હસ્યો. પછી બીરબલને ન્યાય કરવા કહ્યું અને ભાઈનો ન્યાય જોઈ ભોંઠી પડી ગયેલી બેગમ સામે નજર કરી. દરબારીઓ બીરબલનો ન્યાય જોવા આતુર બની ગયા.

 

ચતુર બીરબલ તરત ઉભો થયો અને ચોકીદાર પાસે કાતિલ ઝેરનો કટોરો મંગાવ્યો. પછી એ કટોરો એક બાઈને આપતા કહ્યુંઆ ઝેર આ બાળકને પીવડાવી દો તો મને ખાત્રી થાય કે આ તારો પુત્ર છે.”

 

આ સાંભળીને બાઈ બોલી ઉઠી - ‘ના સરકાર, હું જનેતા છું. તમે કહો તો હું ઝેર પી જાઉં પણ મારા પુત્રને તો કદી ન પાઉં.’

 

‘તારે જો તારો પુત્ર જોઈતો હોય તો એને ઝેર પાવું જ પડશે.” ‘ના સરકાર... એ નહીં બને... મારો પુત્ર મારો રહે કે ન રહે એ જીવતો રહે એટલું બસ છે? બાઈ રડતા રડતા બોલી.

 

બીરબલે ઝેરનો કટોરો બીજી બાઈ ને આપ્યો અને એને પણ એવો જ હુકમ કર્યો તો એ બાઈ હસતા હસતા બોલી - હજૂર જેવો તમારો હુકમ.'

 

બીજી બાઈ જેવી બાળકને ઝેર પાવા લાગી કે તરત પહેલીબાઈએ એના પગ પકડી લીધા અને બાળકને ઝેર ન પાવા આજીજી કરવા લાગી.

 

બીરબલે તરત ચુકાદો આપ્યો - ‘જે બાઈ ઝેર પીવડાવવા તૈયાર થઈ એ જુકી છે. સગી જનેતા હોય એ કોઈ કાળે પુત્રની હત્યા ન કરે. માટે બીજી બાઈને સો ફટકા મારો અને બાળક એની સાચી માને આપી દો.'

 

ચતુર બીરબલની આવી બુદ્ધિ પર બધા આફિન થઈ ગયા. અને બીરબલની ચતુરાઈના ચાર મોઢે વખાણ કરવા લાગ્યા ત્યારે બેગમ રિસાઈને મહેલમાં ચાલી ગઈ.

 

બાદશાહે બેગમને ખુબ સમજાવી પણ એ એકની બે થાય તો એ બેગમ શાની? પોતાના ભાઈને હજુ એક તક આપવા બાદશાહને વિનંતી કરી ત્યારે બાદશાહ બોલ્યો - “સારું હજુ એને એક તક આપીશ.' આ વાત ચાલે છે ત્યાં નાનો શાહજાદો આવીને બાદશાહની દાઢી ખેંચવા લાગ્યો અને ગેલ કરવા લાગ્યો.

 

આ વાતને થોડા દિવસ વીતી ગયા. પછી એક દિવસ બાદશાહે દરબારમાં જાહેરાત કરી – “કાલે એક જણ મારી પાસે દોડી આવ્યો, અને મારી દાઢી ખેંચવા લાગ્યો.બોલો એને શું સજા કરવી ?'

 

બાદશાહનો સાળો તો તરત બોલી ઉઠયો - ‘બાદશાહ સલામતની દાઢી ખેંચનારના હાથ કાપી નાખવા જોઈએ. એનું માથું ધડથી જુદુ કરી નાખવું જોઈએ.’

 

પછી બાદશાહે બીરબલ સામે જોયું. બીરબલે વિચાર કર્યો કે આખા હિંદુસ્તાનના માલિક એવા બાદશાહની દાઢી ખેંચવાની હિંમત તો કોઈ ન કરે, કદાચ કોઈ કરે તો સૈનિકો અને બાદશાહ સુધી પહોંચવા ન દે, વળી બાદશાહ   વાત હસતા હસતા પુસે છે એટલે નક્કી નાના શાહજાદાએ બાદશાહની દાઢી ખેંચી હશે. આમ વિચારીને બીરબલ બોલ્યો - ‘જહાંપનાહ, તમારી દાઢી ખેંચનારને તમારા ખોળામાં બેસાડીને ખુબ હેત કરવું અને એના હાથમાં સોનાના કડા પહેરાવવા.”

 

અકબર બાદશાહ રડી પડયા. તરત શાહજાદાને દરબારમાં બોલાવીને વહાલથી તેડી લીધા પછી પોતાના સાળા સામે જોતા કહ્યું - ‘આ રહ્યો મારી દાઢી ખેંચનાર અપરાધી.... બોલો એના હાથ કાપવા છે કે એના હાથમાં સોનાના કડા પહેરાવવા છે ?' બેગમના ભાઈની ભોંઠપનો પાર ન રહ્યો. આખો દરબાર ચતુર બીરબલની બુદ્ધિના ચાર મોંઢે વખાણ કરવા લાગ્યો. ત્યારબાદ બેગમે કદી બીરબલની ઈર્ષા ન કરી અને કદી પોતાના ભાઈને ઊંચે હોદ્દા પર બેસાડવાની હઠ ન પકડી.

READ (૧૯) બકરાનું દૂધ CLICK HERE


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ