9.ભક્ત અને ભગવાન
અકબર બાદશાહ અને બીરબલ
નવરા પડે એટલે બીરબલ અલક-મલકની વાતો કરી બાદશાહને ખુશ કરે, હસાવે, ક્યારેક બાદશાહ
કોઈ વિચિત્ર સવાલ પૂછે તો હાજર જવાબી બીરબલ તરત ખુલાસો કરે.
એક દિવસની વાત છે.
બાદશાહ અને બીરબલ બને
વાતોના વડા કરતા બેઠા છે. એટલામાં બાદશાહને કાંઈક યાદ આવી ગયું એટલે એ ગંભીર ચહેરે કહેવા લાગ્યો - બીરબલ, આ તમારો હિન્દુધર્મ પણ સાવ
વિચિત્ર છે. એની એક વાત તો મને જરા પણ સમજાતી નથી. તું જો ખુલાસો કરે તો મને કાંઈક
સમજ પડે...
નામદાર.....' બીરબલ
બોલ્યો - હું તો હિન્દુધર્મનો નિષ્ણાંત છું. અવશ્ય તમારી શંકા દૂર કરીશ. અમારા
ધર્મની મહાનતાની તો વાત થાય તેમ નથી....'
ત્યારે બાદશાહ મૂછમાં
હસતા બોલ્યો - ‘તમારા શાસ્ત્રો કહે છે કે તમારા ભગવાન સર્વ શક્તિમાન છે. જગતમાં
બધું જ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ થાય છે. ધારો કે ભગવાન ઈચ્છે કે અમુક વસ્તુ બળીને
ભસ્મ થઈ જાય તો એ વસ્તુ તરત ભસ્મ થાય છે. વૃક્ષના પાંદડા પણ ભગવાનની ઈચ્છાથી જ
હાલે છે. સાગરની લહેરો પણ ભગવાનનો જ કાબુ છે. તે છતાં એક એ વાત મને નથી સમજાતી કે
ભક્તને બચાવવા ભગવાન જાતે કેમ દોડી જાય છે ? શું સર્વ શક્તિમાન ગણાતા ભગવાન પોતાની
ઈચ્છા શક્તિથી ભક્તને કોઈ મુશ્કેલીમાંથી કે સંકટમાંથી ઉગારી ન શકે? ભગવાન એવી
સ્થિતિમાં જાતે શા માટે દોડી આવે છે? અને ભગવાનના સેવકોનો તો પાર નથી, મોટા મોટા
દેવ પણ ભગવાનના સેવક છે. ભગવાન પોતાના સેવકને કેમ આદેશ નથી આપતા કે જાવ મારો ફલાણો
ભક્ત મુશ્કેલીમાં મુકાયો છે, ફલાણા ભક્ત પર સંકટના વાદળ ઘેરાય છે તો એને ઉગારો.
સેવકને ફરમાન કરવાના બદલે ભગવાન જાતે શા માટે દોડી જાય છે. આ વાતનો જો તું ખુલાસો
કરે અને મારા ગળે ઉતરે એવો ખુલાસો કરે તો હું માનું કે હિન્દુધર્મ મહાન છે.”
બાદશાહની વાત સાંભળી
બીરબલ પણ વિચારમાં પડી ગયો. વાત મુદ્દાની હતી પણ મુંઝાય તો એ બીરબલ શાનો? તરત બોલ્યો - બાદશાહ,..તમારી શંકાનું સમાધાન થાય એવો ખુલાસો
શોધવા માટે મારે અઢાર પુરાણ વાંચવા પડશે. માટે મને થોડો સમય આપો. સમય આવ્યે હું
જાતે ખુલાસો કરીશ....”
બાદશાહને થયું કે બીરબલ
ખરો સપડાયો છે. આવી શંકાનું સમાધાન શોધવા માટે તો ભગવાન પાસે જવું પડે. તે છતાં બાદશાહએ
બીરબલને છ મહીનાનો સમય આપ્યો.
બીરબલ તો ત્યાંથી ગયો એક
શિલ્પી પાસે અને કહ્યું કે માં માગી કિંમત લો અને મને બાદશાહના શાહજાદા જેવું જ એક
મીણનું પૂતળુ બનાવી દો.
થોડા દિવસમાં પૂતળુ તૈયાર
થઈ ગયું. બીરબલ એ પુતળુ લઈને આવ્યો બાદશાહના નોકર પાસે. ઘડીભર તો નોકર પણ પૂતળાને
સાચો શાહજાદો માનીને હેબતાઈ ગયો. કલાકારે પોતાની તમામ કલા નિચોવીને આબે હુબ પુતળુ
બનાવ્યું હતું. જોનાર એક વખત તો થાપ ખાઈ જ જાય અને એમ જ માની લે કે એ બાદશાહનો
પ્રાણ પ્રિય શાહજાદો જ છે. વળી બીરબલે પૂતળાને વસ્ત્રો અને અલંકારો પણ શાહજાદા
જેવા જ પહેરાવ્યા હતા.
આ નોકર શાહજાદાને
સાચવવાનું કામ કરતો હતો.એ શાહજાદાને રમાડતો, ફરવા લઈ જતો, ક્યારેક શહેરમાં પણ લઈ
જતો અને જીવની જેમ શાહજાદાને સાચવતો. બાદશાહને પણ નોકર પર પૂરો વિશ્વાસ હતો.
બીરબલે પૂતળુ નોકરને આપતા
કહ્યું - “તારે એક ખાસ કામ કરવાનું છે. હું અને બાદશાહ બન્ને રોજના નિયમ પ્રમાણે
બગીચામાં ફરવા આવીશું ત્યારે તારે પણ આ પૂતળાને તેડીને બગીચામાં આવવાનું અને
બગીચામાં જે હોજ છે એની પાળ પર તારે આ પૂતળાને રમાડતો હોય એ રીતે બેસવાનું પછી
અચાનક પુતળું હાથમાંથી પડી ગયું હોય એમ પુતળાને હોજમાં ફેંકી દેવાનું. પછી . ચીસ પાડવાની - “અરે ! દોડો દોડો... શાહજાદા પાણીમાં પડી
ગયા... દોડો.. કોઈ તેને બહાર કાઢો.”
બીરબલે આવું જોખમી કામ
સોંપ્યું એટલે નોકર ડરી ગયો. રખેને બાદશાહના રોષનો ભોગ બનવું પડે તો? પણ બીરબલે
ખાત્રી આપે કે તેને કાંઈ નહીં થાય. બીરબલે બધી જવાબદારી લીધી એટલે નોકર આ કામ કરવા
તૈયાર થયો.
સાંજના સમયે બીરબલ બાદશાહ
પાસે જઈને કહેવા લાગ્યો‘નેક નામદાર ! સાંજ ઘણી રળિયામણી છે, અત્યારે જો તમને ફુરસદ
હોય તો ચાલો બગીચામાં ફરવા જઈએ. આખો દિવસ રાજનું કામ કરી કરીને તમે થાકી ગયા હશો.
બગીચામાં ફરવાથી તમારું દિમાગ પણ તાજગી અનુભવશે. હવે પણ કેવી ઠંડી છે....”
બાદશાહ તો તરત તૈયાર થતા
બોલ્યો - ‘તું મારું કેટલું ધ્યાન રાખે છે બીરબલ.... સાચે જ રાજના કામનો ઘણો થાક
લાગ્યો છે. બગીચામાં લટાર મારવાથી અને તારી રમૂજ ભરી વાતોથી મારો થાક પળવારમાં
ઉતરી જાય છે.”
બીરબલ અને બાદશાહ બને
બગીચા તરફ ગયા. સાથે બાદશાહના ખાસ અનુચરો અને અંગરક્ષકો પણ હતા. થોડીવારે પેલો
નોકર દેખાયો. પુતળુ એણે કાંખમાં તેડયું હતું અને એ સાચા શાહજાદાને રમાડતો હોય એવી
અદાથી હોજ તરફ જઈ રહ્યો હતો. બાદશાહ અને બીરબલ બન્નેએ નોકરને જોયો. બાદશાહ તો ઘણા
જ સંતોષથી બોલ્યા
બીરબલ! મારો આ સૌથી
વફાદાર નોકર છે. શાહજાદાને સગો દિકરો હોય એ રીતે સાચવે છે.”
“ હા નામદાર !
ભાગ્યશાળીને જ આવો નોકર મળે, બીરબલ પણ ઠાવકું મોં રાખીને બોલ્યો –
આમ વાતો ચાલતી હતી ત્યાં
જ ધડાકો સભળાયો. બિરબલ તરત
બોલી ઉઠયો - “અરે આ ધબાકો શાનો થયો?”
બાદશાહે હોજ તરફ જોયું તો
નોકર જોરજોરથી બુમો પાડી રહ્યો ‘અરે ! દોડો દોડો..... શાહજાદા પાણીમાં પડી ગયા
છે... કોઈ એને બહાર તો કાઢો....'
નોકરની બુમ સાંભળતાં જ
બાદશાહે હોજ તરફ દોટ મૂકી. ઉઘાડા પગે દોડયા. મોજડી પહેરવા પણ ન રહ્યા. દોડતા દોડતા
જ પૂછ્યું “શું થયું ?”
નોકર થર થર ધ્રુજતા
બોલ્યો - “બાદશાહ સલામત ! શાહજાદા હોજમાં પડી ગયા છે.... અ રે રે ! હવે શું થશે?
કોઈ બીજા સેવકને બોલાવો, જે હોજમાં પડીને ડુબતા શાહજાદાને બચાવે....”
પણ બાદશાહે તો નોકરને સાદ
કર્યા વગર જ હોજમાં ભુસકો માર્યો અને પેલા પુતળાને બહાર કાઢ્યું.
ઘડીભર તો બાદશાહ પણ થાપ
ખાઈ ગયા. એમ જ માની લીધું કે આ શાહજાદો છે.જેવા બાદશાહ હોજના કિનારે આવ્યા કે
બીરબલ બોલી ઉઠયો. - જ
“નેક નામદાર ! તમે જાતે
આવી તસ્દી શા માટે લીધી ? ખમાં ખમા કરતા સેંકડો નોકર છે. એમને બોલાવ્યા હોત તો તેઓ
પાંપણના પલકારે તમારા પુત્રને બહાર કાઢી લેત. તમે તો આખા હિન્દુસ્તાનના સમ્રાટ
છો.તમારે જાતે આમ હોજમાં પડતું મુકાતું હશે? તમારે તો સેવકોને હુકમ કરવાનો હોય...”
બીરબલના આવા શબ્દો સાંભળી
બાદશાહ ખીજથી બોલ્યાઆટલી બધી બુદ્ધિ અને સમજણ ભગવાને તને આપી છે છતાં તું સાવ બોઘા
જેવી વાત કરે છે. પાણીમાં મારો પોતાનો પુત્ર ડુબતો હતો, નોકરનો કે
સેવકન નહીં. મારો પુત્ર મને જેટલો વહાલો હોય એટલો નોકર - ચાકરને વહાલો ન હોય. આથી
એને બચાવવા માટે જાતે જ હોજમાં પડવું જોઈએ....”
જહાંપનાહ..' બીરબલ નમ્ર
અવાજે બોલ્યો - “અમારા ભગવાનની પણ એજ વાત છે. ભગવાનને મન તેનો ભક્ત પુત્ર સમાન છે.
એટલે કોઈ પણ ભક્ત જ્યારે સંકટમાં આવી પડે ત્યારે પોતાના સેવકોને મોકલવાના બદલે
ભગવાન જાતે જ દોડી આવે છે.તમારા પ્રિય પુત્રને બચાવવા તમે જેમ જાતે દોડયા એમ
પોતાના પ્રિય ભક્તને બચાવા ભગવાન જાતે જ દોડે છે. મને ખાત્રી છે કે હવે તમારી
શંકાનું સમાધાન થઈ ગયું હશે.....”
‘વાહ....' બાદશાહ બોલી
ઉઠયા - “તારી બુદ્ધિને ધન્ય છે બીરબલ....”
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment