header

(૫૧) જમીન છોડીને આસમાનમાં, (51) Leaving the ground in the sky

 

(૫૧) જમીન છોડીને આસમાનમાં

 


પહેલાના જમાનામાં બાદશાહો અને નવાબો પોતાના મહેલમાં હીજડાઓ રાખતા.તેઓ ખોજાઓ તરીકે ઓળખાતા. આ ખોજાઓ બાદશાહનું મનોરંજન કરતા. અકબરે પણ ઘણા ખોજાઓને પોતાના મહેલમાં રાખ્યા હતા.

 

એકવાર એવું બન્યું કે બાદશાહ ખોજાઓ પર ગુસ્સે થઈ ગયા અને બધા જ ખોજાઓને રાજ્ય છોડીને ચાલ્યા જવાનો હુકમ આપી દીધો. સાથે સાથે એમ પણ કહ્યું કે જો એમણે પંદર દિવસમાં રાજ્ય ન છોડયું તો એ તમામને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે. આમ કહીને બધાજ ખોજાઓને કાઢી મુક્યા.

 

બિચારી ખોજા ક્યાંય બહાર ન જઈ શક્યા. દિલ્હીમાં જ રહી ગયા પણ પકડાઈ જાય તો ફાંસીનો ડર હતો એટલે તેઓ છુપાઈને રહેવા લાગ્યા.

 

આ રીતે થોડા દિવસ તો વીતી ગયા પણ કાંઈ હંમેશા થોડું છુપાઈને રહેવાય? કંટાળીને બધા ખોજા બીરબલ પાસે ગયા અને બધી વાત કરી. બીરબલે બધી વાત સાંભળીને એક યુક્તિ જણાવી અને કહ્યું કે મારા કહ્યા પ્રમાણે કરો તો જરૂર બાદશાહ તમારો અપરાધ માફ કરી દેશે.

 

બીજા દિવસે બાદશાહની સવારી નિકળી. એક જગ્યાએ પહોંચીને બાદશાહે જોયું કે દેશ નિકાલની સજા પામેલા તમામ ખોજાઓ વૃક્ષ પર ચડીને ઉભા છે. પોતાના હુકમનો અનાદર થયેલો જોઈ બાદશાહને ઘણો ક્રોધ

આવ્યો.

 

મેં તમને દેશ નિકાલની સજા કરી હતી છતાં તમે હજુ અહીં જ છો? નક્કી તમારું મોત આવ્યું છે.”

 

બધા ખોજાઓએ હાથ જોડીને જવાબ આપ્યો - “નેક નામદાર, ગરીબ પરવર, અમે આટલા દિવસ ચારે તરફ ફરી આવ્યા પણ બધી જ જગ્યાએ તમારું જ રાજ હતું. એટલે અમે ચારે તરફ ફરવા છતાં પણ તમારા રાજ્યની બહાર ન જઈ શક્યા. હવે જમીન છોડીને આકાશ તરફ જઈ રહ્યા છીએ. આ સીડી છે....”

 

બાદશાહ આ સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને ખોજાઓને માફ કરી દીધા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ જવાબ બીરબલે શિખવ્યો છે. એટલે બાદશાહે બીરબલને પણ ઈનામ આપ્યું.


Read (૫૦) જોડાના માર્યા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ