header

(૫૪) બેગમોની મુસીબત, Begum's trouble

 

(૫૪) બેગમોની મુસીબત

 


એક દિવસ બાદશાહ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એમણે એક ગ્રામીણ સ્ત્રીને જોઈ. જે માથે લાકડાનો ભારો ઉપાડીને જઈ રહી હતી. અચાનક એણે ભારો ફેંકી દીધો અને એક ઝાડીમાં ગઈ. ત્યાં એણે એક છોકરાને જન્મ આપ્યો. જન્મ આપીને તરત છોકરાને ઝોળીમાં નાખી માથે ભારો ઉપાડીને ચાલતી થઈ.

 

બાદશાહ આ બધું જોઈ રહ્યો હતો. એની નવાઈનો પાર ન રહ્યો. એણે મનમાં વિચાર્યું કે સ્ત્રીઓ તો બધી સરખી જ હોય છે. તો મારી બેગમો પ્રસુતીમાં આટલા બધા નખરા શાની દેખાડે છે. આમ વિચારીને બાદશાહે તો બેગમોની તમામ સુખ સગવડો બંધ કરાવી દીધી. ત્યાં સુધી કે મહેલની બધી દાસીઓને પણ કાઢી મુકી. બિચારી બેગમો તો આકુળ - વ્યાકુળ થઈ ગઈ. હવે બધા જકામ જાતે કરવા પડતા. મહેલની સાફ સુફી કરવી પડતી. રસોઈ બનાવવી પડતી. વળી બાદશાહની સેવામાં ખડે પગે હાજર રહેવાનું એ તો જુદું.

 

બેગમોના ના કેદમ આવી ગયો. આખરે બધી બેગમો ભેગી થઈ અને વિચાર કરવા લાગી કે આ મુસીબતમાંથી છુટકારો કઈ રીતે મેળવવો ? આખરે બીરબલને બોલાવીને બધી વાત કરવી. બીરબલ ચોક્કસ કોઈ ઉપાય શોધી કાઢશે. આમ વિચારી બેગમોએ બીરબલને બોલાવ્યો અને બધી વાત કરી.

 

બીરબલે બધી વાત સાંભળી પછી સૌથી મોટી બેગમના કાનમાં એક વાત કહી અને ત્યાંથી રવાના થઈ ગયો.

 

બીરબલની યુક્તીથી બેગમોના આનંદનો પાર ન રહ્યો. તરત શાહીબાગના માળીને બોલાવીને હુકમ આપી દીધો કે આજથી બાગના બધા જ ફૂલ છોડને પાણી પાવાનું બંધ કરી દો.

 

માળી બિચારો શું કરે? બેગમના હુકમનો અનાદર કરવાની એનામાં હિંમત ન હતી. એણે તો બાગના ફૂલ - છોડને પાણી બંધ કરી દીધું. થોડા દિવસમાં બાગ ઉજજડ થઈ ગયો. ફૂલો કરમાઈ ગયા. પાંદડા સુકાઈને ખરી ગયા.

 

એક દિવસ બાદશાહ અને બીરબલ બાગમાં ફરવા આવ્યા. બાગની આવી દુર્દશા જોઈને બાદશાહના રોષનો પાર ન રહ્યો. તરત માળીને બોલાવીને પૂછ્યું - બાગ આવો કેમ થઈ ગયો છે?”

 

બિચારો માળી તો થર થર ધ્રુજવા લાગ્યો. હાથ જોડીને બોલ્યો - “જહાંપનાહ, બેગમનો , હુકમ છે કે ફૂલ -છોડ ને પાણી ન પાવું....”

 

બાદશાહ તો રોષથી પગ પછાડતા મહેલમાં ગયો અને બેગમોને બોલાવીને માળીને એવો હુકમ આપવાનું કારણ પૂછયું

તો મોટી બેગમ બોલી - “નામદાર, જંગલમાં કોઈ માળી ફૂલોના છોડને કે વૃક્ષોને પાણી પાતો નથી કે સંભાળ રાખતો નથી છતાં ત્યાં ફૂલો ખીલે છે તો પછી બાગના છોડની ખોટી નજાકત અને સેવા શા માટે કરવી ?' બાદશાહને શિકારવાળા દિવસની ઘટના યાદ આવી ગઈ. તેઓ સમજી ગયા કે ગામડાની સ્ત્રી અને બેગમમાં ઘણો ફર્ક છે. તરત એમણે પોતાના હુકમ પર ઘેરું દુઃખ પ્રગટ કર્યું, અને બેગમોના આરામના તમામ સાધન પહેલા કરતા પણ વધારી દીધા.


Read (૫૩) હાથીનો સોદો









ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ