(૫૬) ખોજાના ત્રણ સવાલ
એક દિવસ બાદશાહ પોતાના
મોઢે ચઢાવેલા ખોજા (હીજડા) સાથે વાત કરી રહ્યા હતા. વાત વાતમાં બાદશાહે બીરબલની
બુદ્ધિના બેહદ વખાણ કર્યા. તેથી ખોજાના પેટમાં તેલ રેડાયું કારણ કે એ પોતાની જાતને
ઘણી જ બુદ્ધિમાન માનતો હતો અને બીરબલની જગ્યા પોતાને મળવી જોઈએ એમ વારંવાર કહેતો.
પરંતુ બીરબલ હોય ત્યાં
સુધી એ શક્ય ન હતું. એટલે ખોજો વાત વાતમાં બીરબલની નિંદા કર્યા કરતો.
આજ બાદશાહના મુખે બીરબલના
વખાણ સાંભળી એ ઈર્ષાથી એવો ભભુકી ઉઠયા અને એવો આવેશમાં આવી ગયો કે મન ફાવે એવું
બકવા લાગ્યો. ત્યાં સુધી કે “બીરબલ સાવ બેકાર માણસ છે.' એમ કહી દીધું.
ત્યારે બાદશાહ બોલ્યો -
‘બીરબલ જેવો બુદ્ધિશાળી, હાજર જવાબી અને વ્યવહાર કુશળ માણસ આપણા દરબારમાં બીજો કોઈ
નથી. એના જેવા જવાબ કોણ આપે છે ?'
જહાંપનાહ....” ખોજો
બોલ્યો-‘તમે નાહક બીરબલને આટલું બધું માન આપી રહ્યા છો. હું જે ત્રણ સવાલ પૂછું
એના જવાબ તમારો બીરબલ આપે તો હું માનું કે એ ખરેખર બુદ્ધિશાળી છે.
બાદશાહ હસતા હસતા બોલ્યા
- “તારા પ્રશ્ર જણાવ. મને ખાતરી છે કે બીરબલ જરુર તારા પ્રશ્નોના જવાબ આપશે.
ખોજાએ પોતાના પ્રશ્નો
જણાવ્યા.
(૧) આકાશમાં તારા કેટલા
છે? (૨) પૃથ્વીનું મધ્યબિંદુ ક્યાં છે? (૩) દુનિયામાં સ્ત્રીઓ કેટલી અને પુરુષો
કેટલા ?
ખોજાના આ ત્રણે પ્રશ્નો
સાંભળીને બાદશાહ ખુશ થઈ ગયા કારણ કે બીરબલની બુદ્ધિની કસોટી કરવાનો મોકો હાથમાં
આવ્યો હતો. બીજા દિવસે બાદશાહે ખોજાના ત્રણે સવાલ બીરબલને પૂછયા અને કહ્યું કે જો
તું આ પ્રશ્નોના જવાબ નહીં આપી શકે તો તારી જગ્યા ખોજાને આપી દેવામાં આવશે.
પ્રશ્નો ખરેખર ઘણા
વિચિત્ર હતા. પણ મુંઝાય તો બીરબલ શાનો? તરત જ એક નોકરને મોકલીને એક ઘેટું
મંગાવ્યું. જયારે ઘેટું આવી ગયું ત્યારે બીરબલે એ ઘેટાને બાદશાહ સામે ઉભુ રાખીને
કહ્યું - “ખોજાના પ્રથમ સવાલનો જવાબ આ રહ્યો. આ ઘેટાના શરીર પર જેટલા વાળ છે એટલા
આકાશમાં તારા છે.
એટલે ખોજા મહાશય આ ઘેટાના
વાળ ગણી લે, એમને આપ મેળે જાણ થઈ જશે કે આકાશમાં કેટલા તારા છે.....”
બાદશાહે ખોજા સામે જોયું.
ખોજો નીચું જોઈ ગયો કારણ કે ઘેટાના વાળ ગણવાની શક્તિ એનામાં ન હતી.
બીજા પ્રશ્નનનાં જવાબમાં
બીરબલે માપવાનો ડોળ કરી થોડીવાર આમ-તેમ પગલા ભર્યા પછી એક જગ્યાએ ખીલો ખોડી દેતા
બોલ્યો - “પૃથ્વીનું મધ્યબિંદુ અહીં છે. જો ખોજા મહાશયને વિશ્વાસ ન હોય તો એ જાતે
જોઈ લે.”
ત્રીજા પ્રશ્નના જવાબમાં
બીરબલે બાદશાહ સામે જોતા કહ્યુંજહાંપનાહ, દુનિયામાં સ્ત્રી અને પુરુષોની સંખ્યા
નક્કી કરવામાં એક મુશ્કેલી છે. કારણ કે આ ખોજાઓએ (હીજડાઓએ) સંખ્યા બગાડી નાખી છે.
આ ખોજાઓ ન તો સ્ત્રીઓની શ્રેણીમાં આવે છે, ન તો પુરુષોની. જો તમે આ બધા ખોજાઓને
ફાંસીએ ચઢાવી દો તો હું તત્કાળ સ્ત્રી - પુરૂષની સંખ્યા ગણી કાઢું. -
આ સાંભળીને ખોજાને પરસેવો
વળી ગયો. બાદશાહ તથા દરબારીઓ ખડખડાટ હસી પડયા. ખોજ તો કાપો તો લોહી ન નીકળે એવો થઈ
ગયો.
બીજા દિવસે બાદશાહે
ખોજાને કહ્યું કે બીરબલની ચતુરાઈ જોઈ લીધી ને? હવે લેવી છે એની જગ્યા?”
ખોજો આ સાંભળીને ભોંઠો
પડી ગયો. ફરી કદી એણે બીરબલની નીંદા ન કરી.
Read (૫૫) ચિંતા અને ચિતા,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment