header

(૫૭) આળસુનો પીર,The lazy peer

 

(૫૭) આળસુનો પીર

 


એક દિવસ બાદશાહને ખબર મળ્યા કે બે આળસું બેકાર રહેવાના કારણે ભુખે મરી ગયા. બીજા જ દિવસે બાદશાહે ઘોષણા કરાવી કે રાજમાં જેટલા પણ આળસુ હોય એ બધાને રાજ તરફથી ભોજન અને વસ્ત્ર મળશે. બસ પછી તો ટોળા જામવા લાગ્યા. બેઠા બેઠા ખાવા મળે પછી વાંધો શું?

 

ધીરે ધીરે આળસુઓની સંખ્યા વધવા લાગી અને થોડા દિવસમાં તો ત્રણ હજાર આળસું ભેગા થઈ ગયા. બાદશાહને ચિંતા થવા લાગી. સવાર સાંજ ત્રણ હજાર માણસને બેઠા બેઠા ખવડાવાનું પોષાય કેમ?

 

બાદશાહે તો બીરબલને બોલાવીને બધી વાત કરી અને કાંઈક ઉપાય શોધી કાઢવા જણાવ્યું તો બીરબલ બોલ્યો - આમાં જેટલા સાચા આળસું હોય એને રાખો બાકીના ને કાઢી મુકો....”

 

‘પણ સાચા આળસુઓને ઓળખવા કઈ રીતે? આળસુના કપાળમાં કાંઈ છાપ થોડી હોય છે કે ખબર પડે.' બાદશાહ બોલ્યો.

 

‘એનો ઉપાય હું કરીશ. સાંજે આવજો મારી સાથે.” કહીને બીરબલ રવાના થયો. સીધો જ ગયો મદારીના ડેરામાં અને દશ સાપના કરંડીયા લીધા.

 

સાંજે બાદશાહ અને બીરબલ આળસુઓને જ્યાં રાખ્યા હતા એ મકાનમાં આવ્યા અને કરંડિયામાં પુરેલા દશ દશ સાપ છોડી દીધા. સાપને જોતા જ ભાગા ભાગી થઈ. બધા જીવ બચાવવા મકાન છોડીને ભાગવા લાગ્યા. છેલ્લે ચાર જણા રહ્યા

એ પોત પોતાની પથારીમાં પડયા રહ્યા.

 

‘આ ચાર સાચા આળસું છે, કરી લો ખાત્રી.' બીરબલ બોલ્યો. એટલે બાદશાહ એ ચારેની પાસે જઈને પૂછવા લાગ્યા. મકાનમાં સાપ આંટા મારે છે, છતાં તમે ભાગતા કેમ નથી?” તો ચારે આળસુ બોલ્યા - ‘અમને કોઈ પથારીમાંથી ઉભા કરે તો અમે ભાગી એને ?'

 

આ સાંભળીને બાદશાહને હસવું આવી ગયું પણ ગંભીરતા જાળવી બીરબલ સાથે બહાર આવ્યા અને બીરબલને કહ્યું - ‘આ ચાર સાચા આળસું છે એ વાત તો સાચી પણ આમાં આળસુનો પીર કયો ?'

 

‘હમણાં શોધી આપૂ તમારી નજરે જ જોઈ લો. બીરબલ બોલ્યો અને જઈને ઘાસલેટનો ડબ્બો લઈ આવ્યો. મકાનને ઘાસલેટ છાંટીને આગ ચાંપી દીધી પછી બાદશાહ ને કહ્યું - હવે તમાશો જુઓ.’

 

બાદશાહ અને બીરબલ તમાશો જોવા લાગ્યા.

 

ચારે આળસુ એક ખંડમાં ગાદલા પાથરીને પડયા છે. આગ લાગેલી જોતાં જ એક ઉભો થઈને ભાગ્યો એટલે બીજો હસી પડતા બોલ્યો- ‘આ ખોટો આળશુ હતો હજુ તો આગ બારણે પણ નથી આ આવી ત્યાં તો ભાગી ગયો. બીજો આળસુ આગ બારણે આવી ત્યારે ભાગ્યો. ત્રીજો આગ છેક પાથરેલા ગાદલા સુધી આવી અને ગાદલુ બળવા લાગ્યું ત્યારે ભાગ્યો. જ્યારે ચોથો ગાદલું બળી ગયું તો પણ ઉભો ન થયો. ત્યારે બીરબલ બોલ્યો - “આ મરી ગયો એ આળસુનો પીર.”


Read (૫૬) ખોજાના ત્રણ સવાલ,






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ