header

(૫૮) ખીચડી પાકે તો આવું ,(58) I will come when the khichdi is ripe

 

(૫૮) ખીચડી પાકે તો આવું

 


              દિલ્હીમાં કાતિલ ઠંડી પડી રહી હતી. એવી ઠંડી કે હાડકા ગળવા માંડે, દાંત કડેડાટી બોલાવવા માટે. આવી સુસવાટા મારતી ઠંડીમાં બાદશાહે બીરબલને પૂછયું “બીરબલ, આવી ભયંકર ઠંડીમાં કોઈ માણસ આખી રાત હોજના ઠંડા પાણીમાં માત્ર એક વસ્ત્ર ભેર ઊભો રહે ખરો ?”

 

            ત્યારે બીરબલ બોલ્યો - “જહાંપનાહ ! ધનની લાલચ ઘણી મોટી છે. ઈનામની લાલચે કદાચ કોઈ ઉભુ રહેવા તૈયાર થાય પણ ખરું.' બાદશાહે તો તરત આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ માણસ મહેલની સામે આવેલા હોજમાં, આખી રાત માત્ર એક વસ્ત્ર ભેર ઉભો રહેશે તેને રાજ તરફથી એક હજાર સોનામહોર ઈનામમાં મળશે.

 

            ઈનામ ઘણું મોટું હતું. લાલચ પણ જબરી હતી. પણ હાથે કરીને મરવા કોણ તૈયાર થાય? મર્યા પછી ગમે તેટલું મોટું ઈનામ મળે તોય શું કામનું? શિયાળો એવો જામ્યો હતો અને ઠંડી હવા એવા સુસવાટા મારતી હતી કે જાણે આખી રાત બરફ વરસતો હોય એવું જ લાગતું. એમાંય વળી ઠંડા પાણીમાં ઉભા રહેવાનું. પગ ઝબોળવાની હિંમત ન ચાલે એવા પાણીમાં ગળાડુબ ઉભા રહીને મરવા કોણ તૈયાર થાય ?

 

            તો પણ ગરીબી અને ભુખ બહુ ભયંકર ચીજ છે. આ બે વસ્તુ એવી છે કે એ માણસ પાસે ગમે તે કામ કરાવે છે. ગરીબ માણસને પોતાના પ્રાણની પણ પરવા હોતી નથી. થોડા ઘણાં પૈસા મળતા હોય તો એ મોતના મુખમાં સુઈ જવા પણ તૈયાર થઈ  જાય છે.

              ઈનામની લાલચે ગામનો એક ધોબી આખી રાત હોજના ઠંડા પાણીમાં, માત્ર એક વસ્ત્રભેર ગળાડુબ ઉભો રહેવા તૈયાર થયો. એ અતી ગરીબ હતો. પેટ પુરતુ ખાવાય ન મળતું ત્યાં પુરતા વસ્ત્રો તો બિચારો ક્યાંથી પહેરી શકે ? પાઈનીયે પેદાશ નહોતી અને અધુરામાં પુરુ પાંચ પાંચ છોકરા હતા. ઘણીવાર તો બધાને ભુખ્યા પેટે સુઈ જવું પડતું. અન્ન અને દાંતને એવું વેર કે ઘણીવાર ધોબી ગળે ફાંસો ખાઈ લેવાનો વિચાર કરતો.

 

            આ ગરીબ ધોબીએ રાજાનો ઢંઢેરો સાંભળ્યો ત્યારે વિચાર કર્યો કે આમેય હું અધમુઓ તો છું જ. જે જીંદગી જીવું છું એ કૂતરા કરતાંય બદતર છે. હોજના ઠંડા પાણીમાં હું ઊભો રહું અને ધારો કે મરી જાઉં તો પણ કાંઈ અફસોસ તો છે જ નહીં. પણ જો ભગવાનની દયાથી હું જીવતો રહી જાઉ તો એક હજાર સોનામહોર ઈનામમાં મળશે અને મારી આખી જીંદગીનું દાળદર દૂર થઈ જશે.પછી મારા છોકરાને ભુખ્યા સુવું નહીં પડે. હું પણ ભરપેટ ખાઈ શકીશ અને મારા આખા કુટુંબનું સારી રીતે ગુજરાત ચાલશે.

 

            ધોબી તો ગયો દરબારમાં અને બાદશાહને કહ્યું કે હું આખી રાત હોજના ઠંડા પાણીમાં ઉભો રહીશ.

 

            સાંજ પડી. દિવસ આથમ્યો શરત પ્રમાણે ધોબી માત્ર લંગોટી ભેર હોજમાં ઉતર્યો અને પાણી ગળા સુધી આવે એટલે ઉડે જઈને ઉભો રહ્યો. ઠંડી કાતીલ હતી. દાંત કડકડતા હતા પણ ધોબી હિંમત રાખીને છેક સવાર સુધી ઉભો રહ્યો અને સવારે દરબારમાં ગયો. બાદશાહને નમન કરીને કહ્યું - હે નામદાર! હું આખી રાત હોજના ઠંડા પાણીમાં માત્ર એકવસ્ત્રભેર ઉભો રહ્યો છું. માટે મને મારું ઈનામ આપો એટલે હું મારા ઘેર જાઉ અને મારા સંતાનોને પેટ ભરીને મીઠાઈ ખવડાવું.”

 

            બાદશાહે શરત પ્રમાણે ઈનામ આપવાની તૈયારી કરી ત્યાં બાદશાહનો ખાસ હજામ બોલી ઊઠયો - ‘હજૂર, આ માણસની વાત સાચી છે કે ખોટી એની તપાસ તો કરાવો. આ માણસ આખી રાત હોજના ઠંડા પાણીમાં રહ્યો છે એ વાતની કોઈ સાબિતી ખરી?”

 

            બાદશાહને પણ હજામની વાત ગળે ઉતરીગઈ. એટલે બાદશાહે ધોબી પાસે સાબિતી માગી.

 

            ત્યારે ધોબીએ જવાબ આપતા કહ્યું - “જહાંપનાહ! આપના મહેલની છત પર સળગતા એક દીપક સામે જોઈને મેં આખી રાત પસાર કરી છે. તમારા મહેલમાં આખી રાત દીવો બળતો હતો. તમે તપાસ કરો અને જો મારી વાત સાચી નીકળે તો મને ઈનામ આપો.'

 

                આ સાંભળી બાદશાહ કાંઈ બોલે એ પહેલા પેલો ઈર્ષાળુ હજામ બોલી ઉઠયો -“હજૂર! આ માણસ હવે ઈનામને પાત્ર ઠરતો નથી. આ માણસે તમને છેતર્યા છે. આ માણસને ઈનામ નહીં પણ દંડ મળવો જોઈએ.”

 

            દંડનું નામ પડતાં જ ધોબી તો ગભરાઈ ગયો. બાદશાહ પણ ગુંચવણમાં પડી જતા હજામને પૂછવા લાગ્યો તું કઈ રીતે કહે છે કે હવે આ માણસ ઈનામને પાત્ર ઠરતો નથી.

 

            ત્યારે હજામ ખંધુ હસતા બોલ્યો -

 

            સરકાર, આ ધોબી આખી રાત હોજના ઠંડા પાણીમાં ઉભો રહી શક્યો કારણ કે આપના મહેલમાં બળતા દીપકની ગરમી આધોબીને સતત મળ્યા કરતી હતી. જો એ દીવાની ગરમી આ ધોબીને ન મળી હોત તો એ હોજના ઠંડા પાણીમાં જ મરી જાત અને કોતો ઘર ભેગો થઈ જાત...!

 

            ધોબી તો હજામની આ વાત સાંભળી કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો અને યાચના ભરી આંખે બાદશાહ સામે તાકી રહ્યો. હજામની વાત બાદશાહના ગળે બરાબર ઉતરી ગઈ હોય એવું લાગ્યું.

 

            બાદશાહ ધોબીને કહેવા લાગ્યા - તે શરત વિરુદ્ધ મહેલમાં બળતા દીપકની ગરમી લઈને રાજની આજ્ઞા ઉથાપી છે માટે તને દંડ થવો જોઈએ પરંતુ તારી ગરીબાઈ પર દયા આવવાથી હું તને દઉ છું. મારે ઘેર ચાલ્યો જા. ફરી કદી મને છેતરવાની કોશિશ કરી તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.”

 

            ધોબી તો બિચારો નિરાશ થઈ ગયો. આંખમાં આંસુ આવી ગયાં. આખી રાત મોતના મુખમાં ઊભો રહ્યો તોય ફળ કાંઈ ન મળવાથી એ પોતાના ભમરાળા ભાગ્યને દોષ દેતો ઘેર ગયો.

 

            ઘેર ધોબણ આતુર નજરે પતીની વાટ જોતી હતી. હમણાં પતી આવશે, અને હજાર સોનામહોર લાવશે. પછી ભીખ નહીં માગવી પડે. મેવા-મિઠાઈ ખાવા મળશે. આવા સપના જોતી હતી પણ પતીનો રડમસ ચહેરો જોઈ એના પેટમાં ફાળ પડી. એ અધીરા અવાજે પૂછવા લાગી -

 

            ‘તમે આમ ઉદાસ કેમ છો ? રાજાએ હજાર સોનામહોર આપી એ ક્યાં છે? રસ્તામાં પડી નથી ગઈને ?

 

            બાદશાહે ઈનામ આપવાની ના પાડી દીધી. બોલતા બોલતા ધોબી રડી પડયો અને રડતા રડતા બધી વાત કરી.

             આખી વાત જાણ્યા પછી ધોબણ બોલી - આ તો બાદશાહનો અન્યાય કહેવાય. તમે તત્કાળ બીરબલ પાસે જાવ અને વિગતવાર વાત કરો. એ ઘણો બુદ્ધિશાળી માણસ છે.જરૂર એવો કોઈ ઉપાય શોધી કાઢશે કે રાજાને ઈનામ આપવું જ પડે.”

 

            ધોબીએ પણ બીરબલની બુદ્ધિનાં ઘણાં વખાણ સાંભળ્યા હતા એટલે પત્નીની વાત માનીને એ બીરબલ પાસે ગયો. બીરબલ પૂજા કરીને હજુ હમણાં જ ઉઠયો હતો. ધોબીની આંખમાં આંસુ જોઈ બીરબલે પૂછયું - “હે ભાઈ ! તું કેમ ઉદાસ છે અને શા માટે રડી રહ્યો છે? તું તારા દુઃખની વાત મને જણાવ. મારાથી બનશે તો હું તને જરૂર મદદ કરીશ.”

 

            ધોબીએ રડતા રડતા બધી વાત કરી. બીરબલે ધ્યાનથી આખી વાત સાંભળી પછી ધોબીની પીઠ થાબડીને કહેવા લાગ્યો

 

            હવે તું બધી ચિંતા છોડી દે નિરાંતે ઘેર જા. ઘેર જઈને સુઈ જા. આખી રાત તું જાગ્યો છે. તને હજાર સોનામહોર મળી ગઈ સમજ. બાદશાહ પાસેથી તને ઈનામ ન અપાવું તો મારું નામ બીરબલ નહીં....”

 

            બીરબલના આ શબ્દો સાંભળી ધોબીમાં ઘણી હિંમત આવી ગઈ અને એ હરખાતો હરખાતો ઘેર ગયો.

 

            આ બાજુ દરબાર ભરાવાનો સમય થયો.સૌ દરબારી આવી ગયા. સેનાપતિઓ પણ આવી ગયા પણ બીરબલ ન આવ્યો. રોજ તો બીરબલ સમયસર આવી જતો પણ આજ બધા આવી ગયા પણ એક બીરબર ન આવ્યો તેથી બાદશાહ અકળાવા લાગ્યા. બીરબલ વગર બાદશાહને જરાય ન ગમે. બીરબલ વગર વાતનો રંગ ન જામે. બીરબલના હાજર જવાબ સાંભળ્યા વગરબાદશાહને ચેન ન પડે.

 

            અર્ધી ઘડી વીતી ગઈ. બાદશાહ કાગના ડોળે બીરબલની વાટ જોઈ રહ્યા છે પણ જ્યારે બીરબલ ન જ આવ્યો ત્યારે બાદશાહને ચિંતા થવા લાગી. જાત જાતની શંકા-કુશંકા સળવળવા લાગી - બીરબલ કેમ નહીં આવ્યો હોય? શું માંદો પડી ગયો હશે? એના સગા - સંબંધીમાં કોઈનું મરણ થયું હશે? નક્કી કાંઈક બન્યું હશે. ખાસ કારણ વગર બીરબલ ગેરહાજર રહે નહીં. મારે તપાસ તો કરવી જ જોઈએ.

 

            તરત બાદશાહે એક સેવકને બીરબલના ઘર તરફ રવાના કર્યો અને કહ્યું કે બીરબલને તત્કાળ દરબારમાં હાજર થવાનો સંદેશ આપી આવ.

 

            સેવક તો ગયો બીરબલના ઘેર પણ થોડીવારે એકલો જ પાછો આવ્યો. બીરબલ એની સાથે ન હતો.

 

            સેવકને એકલો પાછો ફરેલો જોતાં જ બાદશાહ પૂછવા લાગ્યો - “બીરબલ ક્યાં છે? એ કેમ ન આવ્યો?”

 

            ત્યારે સેવક કહેવા લાગ્યો - “જહાંપનાહ ! તમારા હુકમ પ્રમાણે મેં બીરબલના ઘેર જઈને કહ્યું કે બાદશાહ તમને યાદ કરી રહ્યા છે માટે તત્કાળ મારી સાથે દરબારમાં ચાલો પણ બીરબલે આવવાની ના પાડી અને કહ્યું કે મેં ખીચડી રાંધવા મુકી છે. ખીચડી રંધાઈ જાય પછી આવીશ. ચુલે ખીચડી મુકીને જો હું બહાર જાઉ તો મારી ખીચડી બળી જાય.'

 

            બીરબલના આવા જવાબથી બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને થયું કે આવો જવાબ બીરબલ અમસ્તો ન આપે. નક્કી આ જવાબની પાછળ બીરબલનો કાંઈક આશય હોવો જોઈએઅને બીરબલ જાતે ખીચડી રાંધવા મુકે એ વાત માની જ ન શકાય. એક ઘડી પછી બાદશાહે ફરી અનુચરને મોકલ્યો અને કહ્યું કે બીરબલને તત્કાળ દરબારમાં બોલાવી લાવ.

 

            થોડીવારે સેવક એકલો પાછો ફર્યો અને કહેવા લાગ્યો જહાંપનાહ, બીરબલ કહે છે કે ખીચડી હજુ પાકી નથી. પાકે પછી આવું.

 

                હવે બાદશાહને ખાત્રી થઈ ગઈ કે નક્કી દાળમાં કાંઈક કાળું છે. માટે જાતે તપાસ કર્યા વિના સમજ નહીં પડે.

 

            તરત બાદશાહ આઠ - દસ દરબારીઓ સાથે બીરબલના ઘર તરફ રવાના થયો. જઈને જોયું તો અચંબાનો પાર ન રહ્યો. બીરબલે ત્રણ લાંબા વાંસની ઘોડી બનાવી છે. ત્યાં એક હાંડલી બાંધી છે અને નીચે આગ પેટાવી છે. થોડેક તાપ છે અને બીરબલ એમાં લાકડા નાખી ફૂંક મારી રહ્યો છે. બાદશાહને આવેલા જોતા બીરબલ ઊભો થઈ ગયો “પધારો જહાંપનાહ.” .

 

            બાદશાહ હસતા હસતા બોલ્યા- “તું આ શું કરે છે બીરબલ?” ખીચડી પકાવું છું હજુર....” બીરબલ ભોળાભાવે બોલ્યો. બીરબલના આ જવાબથી બાદશાહને વધુ હસવું આવ્યું અને એ કહેવા લાગ્યા- “એક વાંસની ટોચે બાંધેલી હાંડલીમાં તે ખીચડી ઓરી છે અને નીચે આગ પેટાવી છે. એના તાપથી તે ખીચડી પાકતી હશે ? તું આખુ વર્ષ રાહ જોઈશ તોય તારી ખીચડી પાકવાની નથી.” -

 

            ‘હજુર ! ભલે ગમે તે કહો પણ મારી ખીચડી પાકી જશે એ વાતની મને ખાત્રી છે? - બીરબલ બોલ્યો.

               શું ધૂળ પાકી જશે? તે નીચે બે - ચાર લાકડા સળગાવ્યાં છે એનો તાપ હાંડલી સુધી પહોંચે ખરો? નક્કી આજ તે કાંતો ભાંગ પીધી છે કાંતો તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. તું આટલો બુદ્ધિશાળી હોવા છતાં આવી સામાન્ય વાત નથી સમજતો? આ તાપ હાંડલી સુધી ન પહોંચે.”

 

            બાદશાહ આટલું બોલ્યા એટલે બીરબલને મોકો મળી ગયો એ તરત બોલી ઉઠયો - “તાપ કેમ ન પહોંચે? જો આપના મહેલની છત પર બળતા નાનકડા દીવડાનો તાપ હોજમાં ગળાડૂબ પાણીમાં ઉભેલા ધોબીને પહોંચતો હોય તો મેં પેટાવેલી આગનો તાપ વાંસ પર બાંધેલી હાંડલી સુધી કેમ ન પહોંચે?

 

            બીરબલનો આ જવાબ સાંભળતાં જ બાદશાહને પેલો ધોબી યાદ આવી ગયો અને બાદશાહની ભોંઠપનો પાર ન રહ્યો. બાદશાહની નજરો જમીન ખોતરવા લાગી.

 

            દરબારમાં જઈને બાદશાહે તરત પેલા ધોબીને બોલાવ્યો અને હોજના ઠંડા પાણીમાં માત્ર લંગોટી ભેર ઉભા રહેવા બદલ એક હજાર સોનામહોરનું ઈનામ આપ્યું ઉપરથી પાઘડી પણ બંધાવી.

 

            ત્યારે ધોબી બીરબલના પગમાં પડી ગયો અને ગદ્ગદ્ અવાજે કહેવા લાગ્યો “સરકાર! તમારા લીધે જ મને ઈનામ મળ્યું છે.”

 

            જવાબમાં બીરબલ મંદ મંદ હસતો રહ્યો.



read  (૫૭) આળસુનો પીર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ