header

(૫૯) ચમારોનો ન્યાય ,(59) Justice of Chamars

 

(૫૯) ચમારોનો ન્યાય

 


            એકવાર વાત વાતમાં બીરબલે બાદશાહ પાસેથી વચન માગી લીધું કે જ્યારે મારાથી કોઈ ભુલ થઈ જાય અને તમે કોઈ સજા આપવા ઈરછો ત્યારે હું જે પંચ પસંદ કરું એ મારો ન્યાય કરે, બાદશાહે બીરબલની વાત માની લીધી. બાદશાહ વચનના પાક્કા હતા એ બીરબલ પણ જાણતો હતો.

 

            એકવાર બન્યું એવું કે બીરબલથી કોઈ ભુલ થઈ ગઈ. બાદશાહે કાયદા પ્રમાણે બીરબલને સજા આપવાનું નક્કી કર્યું. બીરબલ પણ જાણી ગયો કે પોતે વાંકમાં આવ્યો છે. તેથી બાદશાહ સજા આપ્યા વગર છોડશે નહીં.

 

            બાદશાહે તો બીરબલને મહેલમાં બોલાવીને કહ્યું કે તારાથી ફલાણો ગુનો થઈ ગયો છે માટે તને એની સજા થશે. ત્યારે બીરબલે પોતાના વચનની યાદ અપાવી -બાદશાહે વચન આપ્યું હતું કે તારી જાય તે પસંદ કરેલ પંચ જ કરશે, બાદશાહને તો આમાં કોઈ વાંધો ન હોતો.

 

                બીરબલે કહ્યું કે મારો ન્યાય ચમારનું પંચ કરે. ચમારનું પંચ મને જે સજા આપે એ મંજૂર. આ વાત સાંભળી બાદશાહને ઘણી નવાઈ લાગી. ચમાર તે વળી શું ન્યાય કરશે? એના કરતાં વાણીયા - બ્રાહ્મણનું પંચ પસંદ કર્યું હોત તો થોડી ઘણી દયા પણ રાખત.

 

            બાદશાહે તો બીરબલને ઘણો સમજાવ્યો પણ બીરબલે તો એક જ વાત પકડી રાખી કે મારો ન્યાય ચમાર પંચ જ કરે.

 

            બાદશાહે તો પાંચ ચમારને બોલાવ્યા અને બીરબલે જે કર્યો હતો એ વિષે બધી વાત કરી અને પછી ન્યાય આપવાનો હુકમઆપી દીધો.

 

            ચમારને આટલું બધું માન મળ્યું તેથી ચમાર તો કુલાઈ ને જોકળો થઈ ગયા. વળી એમના દિલમાં બદલો લેવાની ભાવના પણ જાગી, પાંચ ચમાર વિચાર કરવા લાગ્યા કે બીરબલ બધાના કામમાં આવ્યો છે પણ આજ સુધી આપણું એકેય કામ કર્યું નથી, માટે આજ બદલો લેવાનો આ મોકો મળ્યો છે ગુમાવવો નહીં. બીરબલને એવો દંડ આપવો કે આખી જીંદગી યાદ રાખે અને હવે પછી આપણા કામ કરે.

 

            પાંચેય ચમાર વિચાર કરવા બેઠા કે શું દંડ કરવો? એકે કહ્યું કે બીરબલનો અપરાધ ઘણો મોટો છે માટે અપરાધના પ્રમાણમાં તો દંડ કરવો જ. સાત વીસુને માથે દશ રૂપિયા દંડ કરો (૧૫૦ રૂપિયા) એટલે જીંદગીની ખો ભુલી જાય. ફરી કદી અપરાધનું નામ ન લે.

 

            આ સાંભળતાં જ બીજો બોલી ઉઠયો - “અધ..ધ..... ધ..ધ.... આટલો મોટો તે દંડ કરાય? બીચારાની કેડ ભાંગી જશે. એના બૈરા છોકરા રઝળી પડશે. ભુખે ભાંગી પડશે. આપણે આટલા વર્ષમાં પુરા સો રૂપિયા ભેગા કરી શક્યા નથી. ત્યાં એ બિચારો રોકડા દોઢસો લાવશે ક્યા ઝાડેથી? એમ કરો પાંચ વીસુ ને માથે દસ (એકસો દશ) રૂપિયાનો દંડ કરો...”

 

            બિચારાને મારી નાંખવો છે ?' ત્રીજી બોલી ઉઠયો આટલા પૈસા ભેગા કરવા માટે તો બે જનમ લેવા પડે. રોકડા સો રૂપિયા એ કાંઈ નાની રકમ થોડી છે? એમ કરો ત્રણ વીસુ (સાઠ) રૂપિયાનો દંડ કરો. પંચને માથે દશ વધુ કરવા હોય તો છૂટ છે.”

 

            આ સાંભળીને ચોથા ચમારે માથું ધુણાવ્યું - “આ રકમ પણઘણી વધારે કહેવાય. આટલા પૈસા ભેગા કરતા કરતા તો બીરબલના નાકે દમ આવી જશે. આમાં થોડો ઘટાડો કરો. બે વસુનો દંડ કરો. પંચ ઈચ્છે તો સાથે દશ રૂપિયાનો વધારો કરે.”

 

            આમ લાંબી ચર્ચા કર્યા પછી પાંચ ચમારોએ નક્કી કર્યું કે બીરબલનો અપરાધ ઘણો મોટો છે તેથી રૂપિયા પચાસનો દંડ કરવો. સાથે સાથે બાદશાહને પંચે વિનંતી પણ કરી કે આટલા પૈસા ભેગા કરતા કરતા બીરબલને લેવા ના દેવા થઈ જશે. તેથી દંડ વસુલ કરવામાં સપ્તાઈ ન કરવી.

 

            બાદશાહ તો તાજુબ થઈ ગયો. પચાસ રૂપિયાનો દંડ તો બીરબલ માટે સાવ સામાન્ય હતો. હવે બાદશાહને સમજ પડી કે બીરબલે શામાટે પંચ તરીકે ગરીબ ચમારોને પસંદ કર્યા. અમારો ઘણા ગરીબ હતા. આખુ વર્ષ કાળી મજૂરી કરે તો પણ વર્ષે માંડ બે રૂપિયા બચાવી શકતા. એટલે એમની દૃષ્ટિએ તો પચાસ રૂપિયા ઘણી મોટી રકમ હતી.

 

            બાદશાહે બીરબલ પાસેથી દંડના પચાસ રૂપિયા પણ ન લીધા ઊલ્ટો બાદશાહ તો એની બુદ્ધિના વખાણ કરવા લાગ્યો. બીરબલે સાબિત કરી દીધું હતું કે માણસ પોતાની હેસિયત પ્રમાણે જ દરેક વસ્તુને નિહાળે છે.



read (૫૮) ખીચડી પાકે તો આવું



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ