header

(૭૭) બેગમ અને બીરબલ,Begum and Birbal

 

(૭૭) બેગમ અને બીરબલ

 


                જ્યાં બીરબલની ન્યાય પ્રિયતાથી આખી પ્રજા પ્રસન્ન રહેતી હતી ત્યાં એની ઉન્નતિ જોઈને ઘણા દરબારી ઈર્ષાથી બળી જતા હતા.

 

,             આવા ઈર્ષાળુ દરબારીઓએ ભેગા થઈને વિચાર્યું કે બીરબલને એકવાર તો નીચું જોવડાવવું જ. એ બધા મળીને બંડી બેગમ પાસે ગયા અને બીરબલ વિષે એવી ખરાબ વાતો કરી કે બેગમનું માથું ફરી ગયું પછી એ લોકો એ કહ્યું - “અમે લોકો બીરબલને હટાવીને તમારા ભાઈને મંત્રી બનાવવા ઈચ્છીએ છીએ. જો તમે ઈચ્છો તો બાદશાહને કહીને એવું કરાવી શકો છો.

 

                બેગમ આ વાત સાંભળીને ઘણી ખુશ થઈ. એણે વચન આપ્યું કે એ ગમે તેમ કરીને બાદશાહ પાસે આ કામ કરાવશે.

 

                બેગમ તો તરત જ રિસાઈ ગઈ અને કોપ ભવનમાં જઈને બેસી ગઈ. જ્યારે બાદશાહને જાણ થઈ કે બેગમ રિસાણી છે ત્યારે બાદશાહના ગભરાટનો પાર ન રહ્યો. બિચારો બાદશાહ તો દોડતો દોડતો ગયો કોપભવનમાં અને બેગમને નારાજીનું કારણ  પૂછ્યું. બેગમે આંખોમાં આંસુ લાવીને કહ્યું - ‘તમારા પ્રધાન મંત્રીના પદ પર એક કાફર કામ કરી રહ્યો છે એ ઠીક નથી. એ જગ્યા પર મારા ભાઈની નિમણુંક કરો.

 

                બાદશાહે કહ્યું - ‘પણ આપણે એને કારણ વગર કાઢી ન શકીએ. એ રાજનો વફાદાર માણસ છે......'

 

                બેગમ કહ્યું - “તમે બાદશાહ છો... તમને કારણ શોધતા શું વાર લાગે? ગમે તે કારણ શોધીને કાઢી મૂકો. તમને કોઈ યુક્તિ ન સુઝતી હોય તો હું દેખાડું.તમે જઈને બીરબલને કહો કે બેગમ રિસાઈ ગઈ છે. જો તું એને મનાવે તો તું સાચો, નહીંતર તને કાઢી મુકવાનો....'

 

                 સારું....' બાદશાહ બોલ્યા - “પણ જોજે ક્યાંય તું પણ એના ચક્કરમાં ન આવી જતી. એ ભલભલાને પીગાળી નાખે એવો છે.....”

 

            વાહ, હું શાની એના ચક્કરમાં આવું?” બેગમ ગર્વથી બોલી.

 

            બાદશાહ તો ગયા બીરબલ પાસે જઈને કહ્યું કે તું ગમે તેમ કરીને બેગમને મનાવી લાવ, નહીંતર તારી ખેર નથી.

 

            બીરબલ ઘણો ચાલાક હતો. પોતે બેગમની આંખમાં કણની જેમ ખટકે છે એ વાત બીરબલ જાણતો હતો. તેથી એ સમજી ગયો કે આ કાવતરુ બેગમે જ ઘડ્યું છે. એણ એ પોતાના એક વફાદાર સેવકને બધુ સમજાવી દીધું પછી ગયો જનાબ ખાનામાં. જઈને બેગમને મનાવવા લાગ્યો. હજુ વાત ચાલતી હતી ત્યાંજ પેલો સેવક આવ્યો અને બીરબલના કાનમાં ધીરેથી કાંઈક કહ્યું.

            બીરબલ એકદમ ચોંકી ઉઠયો હોય એમ બોલ્યો - “ઓહ, તો વાત અહીં સુધી પહોંચી છે....”

 

            સેવકના ગયા પછી બેગમે બીરબલને પૂછ્યું - “બાદશાહે એવી તે શું વાત કહેવડાવી છે કે કાનમાં કહેવી પડે ?”

 

        બીરબલ મોં બગાડતા બોલ્યો - “જુઓ બેગમ સાહિબ, મારું નામ ન આપતા. વાત ઘણી ખાનગી છે પણ હું તમારો હિતેચ્છુ છું એટલે કહું છું. બાદશાહ તમારા પર એકદમ નારાજ થઈ ગયા છે. હમણાં જ તેઓએ સેવક સાથે કહેવડાવ્યું છે કે મારે નવી બેગમ શોધવા જવાનું છે.'

 

             આ વાત સાંભળતા જ બેગમ ગભરાઈ ગઈ. એણે વિચાર્યું કે હું વારંવાર બાદશાહ પાસે બીરબલની નીંદા કરતી રહું છું એટલે તેઓ મારા પર નારાજ થઈ ગયા છે. જો હું ઝડપથી બાદશાહને મનાવી નહીં લઉ તો મારું પતું કપાઈ જશે અને મારો કાંટો નીકળી જશે.

 

            આમ વિચારીને બેગમ તો બીરબલને હાથ જોડીને કહેવા લાગી- “મારા પર દયા કર બીરબલ, હમણાં તું નવી બેગમ શોધવા ન જતો, હું હમણાં જ બાદશાહને મનાવી લઉ છું.”

 

            “સારું...' બીરબલ ઉપકાર કરતો હોય એમ બોલ્યો.

 

            બેગમ તો તરત પાલખીમાં બેસીને બાદશાહ પાસે ગઈ, અને જઈને બાદશાહના પગ પકડીને રડવા લાગી - ખુદાવંદ, હવે હું બીરબલ વિષે તમને કાંઈ જ નહીં કહું. તમે મને ક્ષમા કરી દો, બીજી બેગમ ન લાવો.”

 

            બાદશાહતો આ જોઈને વિસ્મયમાં ડુબી ગયો. તરત બોલ્યોતું પણ બીરબલની વાતમાં આવી જ ગઈને.....! બહુ જલ્દી તે તારું વચન તોડી નાંખ્યું.' બેગમ કહ્યું - ‘ના હું બીરબલની વાતમાં જરાપણ નથી આવી. તમે મને માફ કરી દો....”

 

            બાદશાહ સમજી ગયા. ખડખડાટ હસી પડતા બોલ્યા - બીજી બેગમ લાવવાનો મારો કોઈ જ વિચાર નથી. બીરબલે તને ભડકાવી દીધી છે.”

 

            હવે તો બેગમ પણ બધું સમજી ગઈ પણ હવે શું થાય? એ પણ બીરબલની બુદ્ધિને માની ગઈ. એ દિવસથી બીરબલની ઇજ્જત ઘણી જ વધી ગઈ. આ ઘટનાથી જે છુપા શત્રુઓ હતા એના મોં કાળા થઈ ગયા.


read (૭૬) હાજર - જવાબ





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ