(૯૨) બુંદ સે બિગડી
“સુગરી બિગરી બેગહી, બગરી
ફીર સુધરે ના દૂધ ફાટે કાંજી પરે, સો ફીર દૂધ બને ના”
એક વખતની વાત છે. અકબર બાદશાહ રંગ મહેલમાં
રંગરાગમાં ગુલતાન બની આનંદ માણી રહ્યા હતા. આમંત્રિત અમીર ઉમરાવોને વધુ. આનંદિત
કરવા બાદશાહે ઇરાની અત્તરની શીશી કાઢી અને જયાં બધાને અત્તર છાંટવા ગયા ત્યાં શીશી
હાથમાંથી પડી ગઈ અને થોડું અત્તર ઢોળાઈ ગયું. કોઇની નજર ન પડે એ રીતે બાદશાહ
ગાલીચા પરથી અત્તર લેવા વાંકા વળ્યા પણ અત્તર તો ગાલીચામાં ચુસાઈ ગયુ હતુ તેથી
હાથમાં ન આવ્યું.
આ વખતે બાદશાહની બાજુમાં
બેઠેલો બીરબલ આ બધું જોઇ રહ્યો હતો. તેથી બાદશાહ મનમાં વિચાર કરવા લાગ્યો કે મારા
જેવો સમ્રાટ પણ આવી નજીવી વસ્તુ માટે આટલો બધો લોભ રાખે છે એ વાત જો બીરબલ જાણી
જશે તો વખત આવ્યે મારી હાંસી ઉડાવશે.
આમ વિચારીને બાદશાહે બીજા
દિવસે પોતાની ઉદારતા દેખાડવા માટે એક યુક્તિ કરી. મહેલની સામે જે પાણીનો હોજ હતો એ
આખો ખાલી કરાવી નાખ્યા પછી આખો હોજ અત્તરથી ભરાવી શહેરના તમામ અગ્રણ્યોને બોલાવીને
કહ્યું--તમારે જોઇએ એટલું અત્તર આ હોજમાંથી લઇ જાવ. સૌને છૂટ છે.’
આ સાંભળી લોકો બાદશાહની
ઉદારતાના વખાણ કરતા, અત્તરના ઘડા ભરીને લઈ જવા લાગ્યા. આ વખતે બીરબલ પણ ત્યાં હાજર
હતો. બીરબલને જોઇ બાદશાહ બોલ્યો-- કેમ બીરબલ ! કેવી મજા ઉડી રહી છે ! કેવો આનંદ
મચી રહ્યો છે ! તું કાંઇક તો બોલ....!
ત્યારે બીરબલે મોં
મલકાવીને કહ્યું- હજૂર! મારા બોલવા પર ગુસ્સે ન થતા પણ જે બુંદથી ગઇએ હોજથી સુધરતી
નથી તેનો આપ વિચાર કરજો.”
બીરબલના આવા વચન સાંભળી
બાદશાહ સમસમી ગયો અને મનોમન બોલ્યો કે બીરબલે હલકાઈ બતાવીને મારું માન ઉતારી
નાખ્યું પણ જો હું એનો જાહેરમાં તિરસ્કાર કરીશ તો મારો ફજેતો થશે. માટે અત્યારે
ચુપ રહેવામાં જ માલ છે. વખત આવ્યું જ જોઇ લેવાશે.
બાદશાહે બે-ચાર દિવસ જવા
દીધા પછી અનુચર સાથે કહેવડાવી દીધું કે મારો હુકમ ન થાય ત્યાં સુધી બીરબલે
દરબારમાં ન આવવું. બીરબલ સમજી ગયો કે પોતે સાચી વાત કહી તેથી બાદશાહને ખોટું લાગી
ગયું છે. માટે હમણાં તો નગર છોડીને ચાલ્યા જવું જ હિતાવહ છે.
આમ વિચારીને બીરબલ તો
દિલ્હી છોડીને એક ગામડામાં ચાલ્યો ગયો. ત્યાં એક ખેડુતના ઘેર ગુપ્ત વેશે રહેવા
લાગ્યો.
આ બાજુ બીરબલ વગર
બાદશાહને અકળામણ થવા લાગી. બીરબલ વગર દરબારમાં અંધારું થઈ ગયું. બીરબલ વગર સત્ય
કોણ કહે? બીરબલ વગર રાજ ખટપટના નિવેડા કોણ લાવે? કંટાળીને બાદશાહે બીરબલની બહુ
તપાસ કરાવી પણ કયાંય બીરબલનો પત્તો ન
લાગ્યો. ત્યારે બાદશાહ વિચાર કરવા . લાગ્યો કે બીરબલ તો મારા રાજયનો ઝળકતો તારો
છે. એ ગુમ થઈ જશે તો મારા રાજયમાં અંધકાર છવાઇ જશે. આ ફેલાતા અંધકારને પ્રકાશમય
કરનાર બીરબલ રૂપી તારાને શોધી કાઢવામાં જ ભુષણ છે. આમ વિચારીને બાદશાહે બીરબલને
શોધવા ગામે ગામ માણસો મોકલ્યા પણ ક્યાંય બીરબલનો પત્તો ન લાગતા બાદશાહ નિરાશ થઇ
ગયો.
બીરબલ રિસાઇને નગર છોડીને
ચાલ્યો ગયો છે એ વાત ફેલાતા નગરલોક પણ ખેદ પામવા લાગ્યા. આ વાત ફેલાતી ફેલાતી છેક
બાદશાહ ઉપર વેરભાવ રાખનાર અને મોકો મળે તો તેનું રાજ છીનવી લેવાનો ઇરાદો રાખનાર
દુશ્મન રાજાઓના કાને ગઇ. આમાં સૌથી મોટો દુશ્મન તુર્કસ્તાનનો શાહ હતો. એણે તત્કાળ
બીજા મળતિયા રાજાઓને ભેગા કરીને કહ્યું - “જ્યાં સુધી બુદ્ધિમાન બીરબલ હતો ત્યાં
સુધી આપણે ફાવતા ન હતા. હવે જો બીરબલની ગેરહાજરીમાં આપણે એકઠા થઈને હલ્લો કરીએ તો
દિલ્હી હાથ કરવામાં કોઈ જ વાંધો નહીં આવે.”
ત્યારે બીજો રાજા બોલ્યો
- પણ, બીજો બીરબલ જેવો પ્રધાન દિલ્હીમાં નહીં હોય એની શું ખાત્રી? જો એવો કોઈ
પ્રધાન હોય અને જે એ બાદશાહને યોગ્ય સલાહ આપે તો આપણી હાલત કફોડી થઈ જાય માટે
પહેલા ખાત્રી કરવી જોઈએ...
ત્યારે તુર્કસ્નાતનો શાહ
હસતા હસતા બોલ્યો - ‘દિલ્હીમાં બીજો કોઈ બુદ્ધિશાળી માણસ છે કે નહીં એ વાતની
ખાત્રી કરવા હું આજે જ મારો એક દૂત દિલ્હી રવાના કરું છું. તેની સાથે હું એક
સંદેશો મોકલાવું છું. મેં સંદેશ લખી આપ્યો છે કે ચાર મહીનાની અંદર એક ઘડો અક્કલથી
ભરીને મોકલાવી દેજો અને જો મોકલી શકે તો તો માની લેવાનું કે દિલ્હીમાં બીજો કોઈ
બુદ્ધિશાળી છે અને ન મોકલી શકે તો હલ્લો કરવાનો.”
આ યુક્તિથી બધા રાજાઓ
આનંદમાં આવી ગયા.
તુર્કસ્તાનનો દૂત દિલ્હી
આવ્યો અને અકબર બાદશાહને પત્ર આપ્યો. પત્ર વાંચી બાદશાહ વિચાર કરવા લાગ્યા કે
બીરબલની ગેરહાજરી જાણી મારા દુશ્મનો મારું રાજ પડાવી લેવા અધીરા થઈ ગયા છે. પણ
બીરબલ વગર આનો ઉકેલ કોઈ શોધી શકે તેમ નથી.તેથી નક્કી મારે કર્યા કરમ ભોગવવા પડશે.
આ તો હાથના કર્યા હૈયે વાગ્યા એમાં બીજાને શું દોષ દેવો? હવે તો ગમે તેમ કરીને
બીરબલને શોધવો જ પડશે.
બાદશાહે બીરબલને શોધવા એક
યુક્તિ કરી. ગામે ગામના મુખી પર એક હુકમ મોકલ્યો કે અમારા માણસ સાથે એક બકરો
મોકલ્યો છે. તેને રોજ પાંચ ગણું ઘાસ ખાવા આપવું પણ તેનું વજન સહેજ પણ વધ્યું હશે
તો એ ગામના મુખીનું ઘાણીએ ઘાલીને તેલ કાઢવામાં આવશે.
બાદશાહે તો ગામે ગામના
મુખી પર એક એક બકરો મોકલી દીધો. જે ગામમાં બીરબલ હતો એ ગામનો મુખી ચિંતામાં પડી
ગયો. બીરબલને આ વાતની ખબર પડતાં જ એ મુખી પાસેગયો અને કહ્યું - “નિરાશ થવાની જરૂર
નથી. તારા પર આવેલું સંકટ દૂર કરવું એ મારો ધર્મ છે.તમે મને આશરો આપ્યો છે માટે
હું જરૂર એનો બદલો વાળીશ. આ મુશીબતમાંથી છૂટવું હોય તો હું કહું તેમ કરો. તમારા
ગામના બાગમાં વાઘનું પિંજરું છે ત્યાં આ બકરાને બાંધો અને એની સામે ઘાસનો ઢગલો
કરો. બકરો પેટ ભરીને ખાશે પણ તેનું વજન નહીં વધે.'
મુખી એ તો તરત બીરબલના કહ્યા પ્રમાણે કર્યું. પંદર દિવસ પછી રાજના માણસે આવી
બકરાનું વજન કર્યું તો જરા પણ વધેલું ન હતું. બાદશાહે આ વાત જાણી ત્યારે એને
ખાત્રી થઈ ગઈ કે બીરબલ આ ગામમાં જ છે. મુખીને બોલાવીને પૂછ્યું કે તને આ યુક્તિ
કોણે દેખાડી? ભોળા મુખીએ તરત જણાવી દીધું કે અમારા ગામમાં એક મહેમાન આવ્યા છે એણે
આ શિખવ્યું.
બાદશાહ જાતે રાજ રસાલા
સાથે બીરબલને તેડવા ગયો અને આગ્રહ કરીને દરબારમાં તેડી લાવ્યા પછી તુર્કસ્તાનના
શાહે મોકલેલો પત્ર બીરબલના હાથમાં આપતા કહ્યું – “ઘડો ભરીને અક્કલ મોકલવાની છે.'
બીરબલે તરત એક નોકરને
કુંભારવાડે મોકલ્યો અને એક ઘડો મંગાવ્યો.પછી તેમાં એક તુંબડાના વેલાને વળગેલુ
નાનું તુંબડુ ગોઠવી દીધું.તુંબડુ તો રોજે રોજ વધતુ વધતું ગયું. તેથી ઘડો તુંબડાથી
ભરાઈ ગયો અને એટલે તુંબડું તોડી લીધું બાદશાહને કહ્યું - “અક્કલનો ઘડો ભરાઈ ગયો છે
નામદાર. માટે તુર્કસ્તાન મોકલી દો. સાથે પત્ર લખો કે આપની શરત પ્રમાણે ઘડો ભરીને
અક્કલ કાઢી લઈ ઘડો પાછો મોકલાવી દેશો જો એમ કરવામાં ઘડો કે અક્કલ તુટી તો અક્કલની
કિંમત બે કરોડ રૂપિયા છે તે તમારી પાસેથી લડાઈ કરી વસુલ કરવામાં આવશે. .
દૂત તો તુંબડુ ભરેલો ઘડો
લઈ તુર્કસ્તાન પાછો ગયો.પત્ર વાંચી શાહે દરબારમાં જાહેરાત કરી પણ કોઈ અક્કલના
ઘડાને ખાલી ન કરી શક્યું.તેથી શાહને ખાત્રી થઈ ગઈ કે અકબરના દરબારમાં હજુ બીરબલ છે
માટે લડાઈ કરવાનો કોઈ ફાયદો નથી. વળી અક્કલ કાઢી લઈને ઘડો પાછો મોકલવાનું પણ શક્ય
ન હતું તેથી બધા રાજાઓએ સરખા ભાગે પૈસા કાઢી રૂપિયા બે કરોડ ભેગા કર્યા
અને દિલ્હી બાદશાહની તિજોરી છલકાઈ ગઈ અને બિરબલને પણ ઈનામ મળ્યું.
read (૯૧) અજબ સવાલ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment