(૧૧૮) ફારસનો બાદશાહ
બીરબલની બુદ્ધિ, ચતુરાઈ
અને હાજર જવાબી પણાના કિસ્સા દૂર દૂર સુધી પ્રખ્યાત હતા. આ ખ્યાતિ છેક ફારસના
બાદશાહના કાન સુધી પહોંચી. એટલે બાદશાહને વિચાર આવ્યો કે આવા બુદ્ધિશાળી માણસને
એકવાર તો નજરે નિહાળવો જ જોઈએ.
ફારસના બાદશાહ અકબરને
સંદેશ મોકલ્યો કે એકવાર બીરબલને ફારસ મોકલો. આ
સંદેશ લઈને ફારસનો દૂત ઘણા દિવસ પછી દિલ્હી પહોંચ્યો અને અકબર બાદશાહને ઘણી જ અદબ
પૂર્વક કુર્નિસ બજાવી ફારસના શાહે મોકલાવેલો પત્ર આપ્યો.
અકબર બાદશાહ ફારસના શાહનો
પત્ર વાંચી ઘણા ખુશ થયા અને બીરબલને ભવ્ય રાજ રસાલા, ઠાઠ માઠથી ફારસ તરફ ૨વાના
કર્યો.
ફારસ પહોંચીને બીરબલે
શહેરની બહાર એક બાગમાં ઉતારો કર્યો. અને એક દૂતને કહ્યું કે જા તારા બાદશાહને ખબર
આપ કે બીરબલ આવી ગયો છે.
દૂત તો ગયો દરબારમાં અને
બીરબલના આગમનના સમાચાર આપ્યા. સાથે કહ્યું કે તમે એને દરબારમાં હાજર થવાની રજા આપો
એની રાહ જોવાય છે. ત્યારે શાહે વિચાર્યું કે બીરબલની બુદ્ધિના કિસ્સા તો ઘણા જ
સાંભળ્યા. હવે એકવાર એની કસોટી જાતે પણ કરવી જોઈએ. શાહે તો તરત પોતાના તમામ
અધિકારીઓને પોતાના જેવા જ વસ્ત્રો અને આભુષણો પહેરાવીને દરબારમાં બેસાડ્યા પછી
પોતે પણ અધિકારીઓની વચ્ચે બેઠો અને બીરબલને હાજર થવાની રજા આપી.
દૂતે આવીને બીરબલને
જણાવ્યું કે બાદશાહ દરબારમાં બોલાવે છે. એટલે બીરબલ એકલો શાહને મળવા રાજ ભવનમાં
આવ્યો પણ ત્યાં તો વિચિત્ર દૃશ્ય જોયું. તમામ દરબારીઓ એક જ સરખા વસ્ત્રો અને
આભૂષણોમાં સજ્જ થઈને બેઠા હતા.
બીરબલ તો એક તરફથી બધાને
જોતા ધીરે ધીરે બાદશાહ પાસે પહોંચ્યો અને અદબથી સલામ ભરીને એક તરફ ઉભો રહી ગયો.
બાદશાહે ખુશ થઈને બીરબલને પોતાની પાસે બેસાડ્યો. ખુબજ સરભરા કર્યા પછી એને
પૂછયું- “બીરબલ, તું એ વાત કઈ રીતે જાણી ગયો કે હું જ ફારસનો બાદશાહ છું?”
બીરબલે હસીને જવાબ દીધો-
“ગરીબ પરવર, તમારી નજર બધા પર હતી અને બધાની નજર તમારા પર હતી. એટલે મેં તમને
સરળતાથી ઓળખી લીધા.”
ફારસના બાદશાહે બીરબલની
બુદ્ધિની ખુબ પ્રશંસા કરી અને બીરબલને અવનવી ભેટોથી નવાજ્યો.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment