header

(૧૦૧) બાદશાહનો શિકારનો શોખ,The king's passion for hunting

 

(૧૦૧) બાદશાહનો શિકારનો શોખ

 


                અકબર બાદશાહને શિકારનો ઘણો શોખ હતો. બે ચાર દિવસે એકાદવાર તો અવશ્ય શિકાર કરવા જાય જ. શિકાર કર્યા વગર ચેન ન પડે. જે દિવસે શિકાર કરવા જવાનું હોય એ દિવસે બાદશાહ આનંદમાં હોય. બાદશાહને શિકારની એવી ઘેલછા કે ઘણીવાર તો રાજનું અગત્યનું કામ પડતું મુકીને પણ શિકાર કરવા ચાલ્યા જાય અને આઠ-આઠ દિવસે પાછા આવે.

 

            પહેલા બાદશાહ શિકાર પાછળ આટલા ગાંડા ન હતા પણ પાંચ દશ હજુરિયા એવા મળી કે બાદશાહને શિકાર પાછલ ગાંડા કરી દીધા. પછી તો બાદશાહ હજૂરિયા કહે એટલું જ કરે.

 

            એક દિવસે બાદશાહને વિચાર આવ્યો કે જો જંગલ વધુ મોટું હોય તો પ્રાણીઓ પણ વધે અને શિકાર કરવાની મજા પડી જાય. આવો વિચાર આવતાં જ બાદશાહે સૈનિકોને બોલાવીને હુકમ કર્યો - “જાવ બે ગામડા સાફ કરી નાખો.”

 

            સૈનિકો બાદશાહનું આવું વિચિત્ર ફરમાન સાંભળીને વિચારમાં પડી ગયા. ગામ સાફ કરી નાંખે તો બિચારા માણસો જાય કયાં? પણ બાદશાહ સામે દલીલ તો થાય નહીં. તે છતાં ડરતા ડરતા પૂછ્યું - “જહાંપનાહ! ગામ સાફ કરીને ત્યાં શું કરવાનું છે ?”

 

            બાદશાહ ગર્વથી મો મલકાવતા બોલ્યો - “એ બને ગામ સાફ કરીને હું ત્યાં વિશાળ જંગલ ઊભું કરાવીશ.પછી હું એ જંગલમાં શિકાર કરવા જઈશ.”

               જહાંપના....” સૈનિકો ડરતા ડરતા બોલ્યાં - “ગામો સાફ કરી નંખાશે તો પછી ગામ લોકોનું શું થશે એનો વિચાર કરો. બિચારા ગરીબ અને ભોળા ખેડુતો જ્યાં જઈને રહેશે? એમના ઘર-બારનું શું થશે?”

 

            એની ચિંતા કરવાની જરૂર નથી. હું સમ્રાટ છું. બધી જ જમીનનો માલિક હું છું. તેમનું ભલે ગમે તે થાય, મારે એ જોવું નથી. એ લોકો ગમે ત્યાં જઈને રહે. મારે તો શિકાર કરવા માટે જંગલ જોઈએ. મારા હુકમનો તત્કાળ અમલ નહિ કરાય તો તમારા મસ્તક ધડથી જુદા હશે.”

 

             બિચારા સૈનિકો તો ચિઠ્ઠીના ચાકર, જો હુકમનું પાલન ન કરે તો જીવ જાય. સત્તા સામે શાણપણ શા કામનું?

 

            સૈનિકો તો ગામમાં ગયા. ગામ લોકોએ ખુબ આજીજી કરી. રડયા, કકળયા પણ આ તો બાદશાહનો હુકમ...સૈનિકોએ તો બને ગામ સાફ કરી નાખ્યા અને ત્યાં વિશાળ જંગલ ઊભું કરી દેવાયું.

 

            બાદશાહે આ જંગલ ખાસ શિકાર માટે ઉભું કર્યું હોવાથી ત્યાં બીજું કોઈ પગ પણ ન મુકી શકતું. વળી કોઈ ચોરી-છુપીથી અંદર ન પ્રવેશી જાય એ માટે ચારે બાજુ કાંટાની એક વાડ પણ ઉભી કરવામાં આવી. બાદશાહને એટલી થી પણ સંતોષ ન થયો એટલે ત્યાં સૈનિકોનો પહેરો બેસાડી દીધો.

 

            આ વિશાળ જંગલ ઊભું થયા પછી તો બાદશાહને શિકાર કરવાની મજા પડી ગઈ. સાંજ પડતાં જ બાદશાહ પોતાના હજુરીયાઓ સાથે જંગલમાં જતો અને શિકાર કરતો. હવે શિકાર શોધવાની પણ ઝંઝટ ન હતી તેથી અર્ધી ઘડીમાં તો બાદશાહ શિકાર કરીને પાછો મહેલે પહોંચી જતો.

               બાદશાહના હુકમથી જે બે ગામ સાફ કરી નખાયા હતા એ બે ગામનાં લોકો એક દિવસ બીરબલ પાસે ગયા અને હાથ જોડીને રડતા રડતા કરગરવા લાગ્યા - બીરબલજી, અમે તમારા આશરે આવ્યા છીએ. અમે સાવ ઘરબાર વિના ભટકીએ છીએ. ઉપર આભ છે. અને નીચે ધરતી છે. નેક નામદારે અમારા ઘરબાર તોડી નાખ્યા છે અને ત્યાં શિકાર માટે જંગલ ઉભું કર્યું છે. અમને અમારી જમીને પાછી અપાવો તો તમારો ઉપકાર જીવનભર નહીં ભુલીએ.”

 

             બીરબલને દયા આવી ગઈ. એને લાગ્યું કે સાચે જ બાદશાહે આ ગરીબ માણસોને અન્યાય કર્યો છે. બીરબલે આશ્વાસન આપતા કહ્યું - ‘તમે થોડા દિવસ ધીરજ રાખો. હું તમને તમારા ઘરબાર અને જમીન પાછા અપાવીશ. તમે જરાય ચિંતા ન કરો.”


             બીરબલે આવું આશ્વાસન આપ્યું એટલે દુઃખી ગામ લોકોને રાહત થઈ. બીરબલની બુદ્ધિ પર બધાને ઘણો ભરોંસો હતો.

 

            એક દિવસ બાદશાહ પોતાના હજુરિયાઓ સાથે આ નવા જંગલમાં શિકાર કરવા નીકળ્યો ત્યારે બીરબલે કહ્યું કે મારે પણ સાથે આવવું છે. બાદશાહને તો ઘણો આનંદ થયો. બીરબલ સાથે હોય તો મજા પડે.

 

            આખો રસાલો જંગલમાં પ્રવેશ્યો. ત્યાં એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યું સામ સામે બઝાડ ઊભા હતા. બને ઝાડમાં બખોલ હતી અને બંને બખોલોમાં બે ઘુવડો બેઠા હતા.

 

            બન્ને ઘુવડો પોત પોતની બખોલ માંથી બહાર આવીને એકબીજાના કાન નજીક લાવીને કાંઈક વાત કરતા હતા. વળી થોડીવાર થાય એટલે બને ઉડીને પોત પોતાની બખોલામાં ચાલ્યા જતા. વળી થોડીવારે ઉડીને પાસ પાસે બેસતા અને વાતો કરતા.

             

  આ દૃશ્ય જોઈને બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેની સાથે આવેલા હજૂરિયાઓ પણ અચંબામાં પડી ગયા.

 

            એવામાં બાદશાહની નજર બીરબલ પર પડી. બીરબલને જોતાં જ બાદશાહને વિચાર આવ્યો કે આ બીરબલ પોતાની જાતને બહુ બુદ્ધિશાળી માને છે આજે એની બુદ્ધિની કસોટી કરવાનો ખરો લાભ આવ્યો છે.

 

             આમ બીરબલની પરીક્ષા કરવા માટે બાદશાહે પૂછયું - બીરબલ જરા જો તો ખરો,. આ બન્ને ઘુવડો એકબીજાને ભેટે છે. કંઈક ગુસપુસ કરે છે અને વળી પાછા પોતે પોતાની બખોલમાં ચાલ્યા જાય છે. તેઓ આમ શા માટે કરી રહ્યયા છે. એ મને તો સમજાતું નથી પણ તું ઘણો બુદ્ધિશાળી છે. મારા દરબારમાં ઘણા વિદ્વાન છે પણ એમાં સર્વશ્રેષ્ઠ તું છે. ગમે તેવા જટિલ પ્રશ્નો પણ તું ખુબ સરળતાથી ઉકેલી શકે છે. મેં તો એવી પણ વાત સાંભળી છે કે તું પશુ-પંખીની ભાષા પણ જાણે છે - તેઓ એક બીજાને શું કહે છે તે તું જાણી શકે છે. તેમની ખાસિયતો પણ તારા ધ્યાન બહાર નથી. તો મને કહે છે આ ઘુવડો શું વાત કરે છે?

 

            બીરબલે મનમાં વિચાર કર્યો કે પેલા ગામલોકોને તેમની જમીન અને ઘરબાર પાછા મળી જાય એમ માટે આજ સારો લાગ આવ્યો છે.

 

            બીરબલે તો થોડીવાર જાણે ધ્યાનથી ઘુવડની વાતચીત સાંભળતો હોય એવો ડોળ કર્યો. પછી કહ્યું - “જહાંપનાહ! તમે જે જાણવા માગો છો તે હું કહું તો ખરો પણ એ ખુલાસાથી તમને ખોટું લાગશે.મારા પર રીસ ચઢશે માટે એ વાત જતી કરો તો સારું.”

 

            બીરબલે બરાબર દુખતી રગ દાબી. એ જાણતો હતો કે બાદશાહ ઘણા જ જીદ્દી સ્વભાવના છે. એમાંય જો કયાંયથી ઈનકાર સાંભળવા મળે તો તો બાદશાહ લીધી લપ મુકતાં જ નથી.

 

            બીરબલે ખુલાસો કરવામાં જરાક આનાકાની કરી એટલે બાદશાહ તો ઘુવડની વાત જાણવા માટે એકદમ અધીરા થઈ ગયા અને બોલ્યા - બીરબલ, મને જરા પણ ખોટું નહીં લાગે, તારે હવે આ ખુલાસો કરવો જ પડશે. અત્યાર સુધી મેં તને વિનંતી કરી છે. પણ હવે હું એક બાદશાહ તરીકે તને ફરમાન કરું છું. ઝડપથી બોલ આ બે ઘુવડો શી વાતો કરી રહ્યા છે?”

 

             બીરબલ સમજી ગયો કે બાદશાહ હવે બરાબર લાગમાં આવી ગયા છે. લોખંડ બરાબર ગરમ થઈ ગયું છે, હવે ઘાણ મારી દેવો જોઈએ.

 

            બીરબલ હળવેથી બોલ્યો - “નેક નામદાર! તમારા ફરમાનની અવગણના કરવાની મારામાં હિંમત કે શક્તિ નથી. તમે તો મારા સ્વામી છો. હું તમારો સેવક છું. મારાથી તમારી આજ્ઞા કઈ રીતે ઉથાપાય...”

 

            ‘તો જલ્દી બોલ આનો ખુલાસો શું છે ? “બાદશાહે અઘીરતાથી પૂછયું.

 

            બીરબલ કહેવા લાગ્યો. - “આ બે ઘુવડોમાંથી એક ઘુવડ એક પુત્રનો પિતા છે. બીજા ઘુવડને એક પુત્રી છે. પુત્રીનો પિતા પુત્રના પિતા પાસે આવે છે અને કહે છે કે તમારા પુત્રને મારી પુત્રી સાથે પરણાવો. પુત્રનો પિતા પૂછે છે કે પરણાવાની મારી ના નથી. પણ દહેજમાં શું આપશો? પુત્રીનો પિતાપૂછે છે કે દહેજમાં તમારે શું જોઈએ છે? પુત્રનો પિતા જવાબ આપે છે કે દહેજમાં તારા ચાળીસ જંગલો આપવા પડશે. પુત્રીનો પિતા કહે છે કે એટલા બધા જંગલ કયાંથી આપું? “બસ, એમની વાતચીત પુરી થાય છે ને બેય પોત પોતાની બખોલમાં પાછા ફરે છે.વળી પુત્રીનો પિતા પુત્રના પિતાને વિનવે છે કે અત્યારે તો મારી પાસે એટલા બધા જંગલ નથી. પણ જો ભગવાનની દયા રહેશે તો ચાળીસના બદલે એંસી જંગલ તને પૂરા પાડીશ. પુત્રનો પિતા પૂછે છે કે તું વળી કયાંથી એટલા જંગલો પૂરા પાડી શકવાનો હતો? તારી પાસે એવો શું કોઈ ઇલમ છે કે તું એવા નવા જંગલો ઉભો કરી શકે?

 

            એવો કોઈ ઈલમ તો નથી. પણ આપણા બાદશાહની દયાથી એવા નવા જંગલો ઊભા થવા પામશે” પુત્રીનો પિતા કહે છે.

 

            બાદશાહ પર એવો ભરોંસો તું કઈ રીતે રાખી શકે છે?' પુત્રના પિતાએ પૂછયું. જવાબમાં પુત્રીના પિતાએ કહ્યું કે

 

            બાદશાહને શિકારનું એવું તો વ્યસન વળગ્યું છે કે બેગામ ઉજડ કરીને આ જંગલ વસાવ્યું છે. એટલું જ નહીં પણ એ જંગલમાં ફાલતું માણસો પ્રવેશે નહીં એ માટે સૈનિકોનો બંદોબસ્ત કર્યો છે અને તેની પાછળ લખલૂટ ખર્ચ કરવા માંડયું છે. હવે તું જ વિચાર કર કે બાદશાહ હવે બીજા વધુ ગામડાઓને ઉજ્જડ કરી નવા જંગલો નહીં વસાવે? બાદશાહ એ બાદશાહ, એને વળી ગરીબ ગામલોકોની શી પડી હોય? ગામલોકો ભલે ને ઘરબાર વગર રઝળે એમાં બાદશાહને શું?

 

            બીરબલની વાત પૂરી થઈ એટલે બાદશાહ બોલ્યો ઘુવડો આવી વાત ચીત કરી રહ્યા છે બીરબલ?”

 

            હા નેક, નામદાર...”બીરબલે નમ્ર અવાજે જવાબ આપ્યો. જો કે બીરબલે પેલા ગામલોકોને મદદ કરવા આ આખી વાત ઉપજાવી કાઢી હતી પણ આ વાતે બાદશાહનું હૃદય વીંધી નાખ્યું.

               બીજા જ દિવસે ગામલોકોને બોલાવીને જોઈએ એટલી જમીન આપી. કોઠારોમાંથી બાર મહીનાનું અનાજ આપ્યું. વળી રાજના ખર્ચે નવા મકાનો પણ બાંધી દીધા. એટલું જ નહીં રાજમાં એક ઢંઢેરો પણ પીટાવી દીધો કે બાદશાહ સલામત હવે ગામ ઉજ્જડ કરીને કોઈ નવું જંગલ ઉભું નહીં કરે.

 

            લોકોએ જ્યારે જાણ્યું કે આ બધો પ્રતાપ બીરબલની બુદ્ધિનો છે ત્યારે સમગ્ર પ્રજાએ બીરબલનો ખૂબ આભાર માન્યો અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રધાન હો તો બીરબલ જેવા હજો.



read (૧૦૦) કુલ સંખ્યા





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ