header

(૭૩) સૌથી મોટું કોણ,the largest angle

 

(૭૩) સૌથી મોટું કોણ

 


                એકવાર બાદશાહ અને બીરબલ નદી કિનારે ફરવા ગયા. બાદશાહે બીરબલને પૂછયું કે જગતમાં સૌથી મોટું કોણ છે?

 

                બીરબલ સમજી ગયો કે વિશાળ રાજ્યના સમ્રાટ હોવાના લીધે બાદશાહના મનમાં ગર્વ જાગ્યો છે, એટલે બાદશાહ આવો સવાલ પૂછી રહ્યા છે. તે છતાં પોતાના મનની ભાવનાઓને પ્રગટ કર્યા વગર બીરબલે તત્કાળ જવાબ આપ્યો -

 

                જહાંપનાહ, જગતમાં સૌથી મોટો તો નાનો બાળક હોય છે.' બાદશાહને આ જવાબથી સંતોષ ન થયો એટલે કહ્યું કે તું સાબીત કરી દેખાડ તો હું માનું.

 

                સમય આપો તો હું જરૂર સાબિત કરી દેખાડું બાદશાહે એક મહીનાનો સમય આપ્યો.

 

                થોડા દિવસ પછી બીરબલ પોતાનો જવાબ સિદ્ધ કરવા માટે પોતાના એક મિત્રના બે વર્ષના બેહદ રૂપાળા છોકરાને લઈને દરબારમાં આવ્યો. છોકરો એવો રૂપાળો અને નિર્દોષ હતો કે અને જોતા વહાલ કરવાનું મન થાય.

 

                બાદશાહે તો છોકરાને જોતાં જ તેડી લીધો અને ખોળામાં બેસાડી વહાલ કરવા લાગ્યા. છોકરાને પણ તોફાન મસ્તી કરવાની મજા પડીગઈ.એ તો બાદશાહની દાઢી ખેંચવા લાગ્યો. એકવાર તો છોકરાએ એટલા જોરથી દાઢી ખેંચી કે બે ત્રણ વાળ તુટી ગયા. એટલે બાદશાહે છોકરો બીરબલના હાથમાં સોંપતા કહ્યું- “આ તો ઘણો તોફાની છે. તું આને અહીં શા માટે લઈ આવ્યો છે?'

 

                બીરબલને લાગ્યું કે બાળકને મોટો સાબીત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. એ તરત બોલ્યો - “દુનિયાના બીજા લોકોથી તમે ભલે ગમે તેટલા મોટા હો પણ આ બે વર્ષનો છોકરો તમારાથી પણ મોટો છે. જો કોઈ બીજો તમારી દાઢી ખેચે તો તમે એને જીવતો રહેવા દો ખરા? જ્યારે આ બાળક ક્યારનો તમારી દાઢી ખેંચી રહ્યો છે છતાં તમે કાંઈ કરી શકતા નથી. એનાથી સિદ્ધ થાય છે કે આ નાનો બાળક તમારાથી પણ મોટો છે.

read (૭૨) ઘટાડવાની રીત







ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ