(૭૮) ઇશ્વર અને બાદશાહ
એક દિવસ બાદશાહ રોજના
નિયમ કરતા દરબારમાં વહેલા પધાર્યા. એ દિવસે બાદશાહના મનમાં ગર્વ પ્રગટ થયો હતો.
બાદશાહ વિચારતા હતા કે જગતમાં મારા જેવું કોઈ છે જ નહીં. દરબારીઓ એક પછી એક આવવા
લાગ્યા. દરેકને બાદશાહ એક જ વાત કહે- “જે જગત નિયંતા ઇશ્વર નથી કરી શકતો, તે હું
કરી શકું છું.”
બાદશાહ એમ કહેવા માગતો
હતો કે ઈશ્વર કરતા પણ મારામાં વધુ શક્તિ છે. જવાબમાં દરબારીઓ મુંઝાઈને ચુપ જ રહેતા
કારણ કે જો કોઈ એમ કહે કે જહાંપનાહ તમે કહો છો એ વાત સાચી છે તો બાદશાહ એમ કહે છે,
સાબિત કરી બતાવો. દાખલા, દલીલ સાથે સાબિત કરી બતાવો અને જો એમ કહે કે તમારી વાત
અયોગ્ય છે, તમારા કરતા ઇશ્વર વધુ બળવાન છે તો બાદશાહને ખોટું લાગે.
આમ દરબારીઓની હાલત સુડી
વચ્ચે સોપારી જેવી થતી. તેથી બધા જ દરબારી કોઈ જ જવાબ આપ્યા વગર પોત પોતાના સ્થાન
પર જઇને બેસી જવા લાગ્યા. થોડીવાર પછી બીરબલ આવ્યો તો બાદશાહે એને પણ એમજ કહ્યું.
બીરબલ સમજી ગયો કે બાદશાહના મનમાં ગર્વ પેદા થયો છે. તેથી એને વિચાર કર્યો કે
બાદશાહને એવો જવાબ આપવો કે ગર્વ પણ ચુર ચુર થઇ જાય અને બાદશાહ ગુસ્સે પણ ન થાય. આમ
વિચારી બીરબલ તત્કાળ બોલ્યો-“જહાંપનાહ, તમે જે કહો છો તે સત્ય છે.”
બાદશાહ તરત બાલ્યો--“એ
સાચું છે તો સાબિત કરી દેખાડ'.
બીરબલ હસતા હસતા બોલ્યો-- “જહાંપનાહ! જો તમે કોઇ મનુષ્ય પર ગુસ્સે થઈ જાઓ તો
તેને દેશનિકાલની સજા કરી શકો છો પણ પરમેશ્વર દેશનિકાલની સજા કરવા શક્તિમાન નથી
કારણ કે સૃષ્ટિ માત્રને રચનાર પરમેશ્વર એક જ છે. એનો અર્થ એ થયો કે આખી સૃષ્ટિનો
ધણી પરમેશ્વર છે, તેથી દરેક સ્થળે એની જ સત્તા છે. એટલે દોષિતને હદ પાર ક્યાં
કરવો? તેથી એ કામ પરમેશ્વરથી થઈ શકતું નથી પણ આપ નામદાર એ કામ કરી શકો છે.
આ સાંભળી બાદશાહનો ગર્વ
ઉતરી જ ગયો અને બીરબલને કડવા છતાં મીઠા વચન કહેવા બદલ ધન્યવાદ આપવા લાગ્યા.
read (૭૭) બેગમ અને બીરબલ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment