header

(૯૦) શબ્દનો અર્થ,meaning of the word

 

(૯૦) શબ્દનો અર્થ

 


                એક વખતની વાત છે. દિલ્હીપતિ, મોગલવંશ ભૂષણ નેકનામી અકબર બાદશાહના દરબારમાં એક ફકીર આવ્યો. એ વખતે બીરબલ હાજર ન હતો. ફકીરે મક્કા-મદીનાથી સબજા રૂપે લાવેલા થોડા લીલા પાંદડા બાદશાહને ભેટ આપ્યાં. એ જ વખતે એક બંગાળી બ્રાહ્મણ પણ ત્યાં આવ્યો. એ ઘણી જ પવિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણે કામનાદેવીની પ્રસાદીરૂપે પ્રાપ્ત થયેલા થોડા ચોખા અને વિભુતી બાદશાહને ભેટ ધર્યા. પછી ફકીર અને બ્રાહ્મણ બાદશાહ પાસેથી કોઈ ભેટ મળશે એવી આશા એ હાથ જોડીને ઊભા રહ્યા.

 

                બાદશાહે પહેલા બ્રાહ્મણની ભેટ તરફ નજર કરી અને કાજીને પૂછ્યું-“આ શું વસ્તુઓ છે ?” કાજી તરત બોલ્યો કે નામદાર, ચોખા અને રાખ છે.

 

                બાદશાહે ફરી કાજીને પૂછયું- “શું આ ચીજો મંગળ સુચક છે?'કાજી ઘણો દ્વેષીલો હતો. બાદશાહ હિન્દુઓને ઇનામ અકરામ આપે તો એના પેટમાં તેલ રેડાતું. તેથી એ બોલ્યો-- “જહાંપનાહ, રાજપાટ ભસ્મીભુત થવા જેવી અમંગળ સુચક આ બંને વસ્તુઓ છે. તમારે રાખવી હોય તો રાખો.”

 

                કાજીના આવા વચનો સાંભળી બાદશાહના રોષનો પાર ન રહ્યો. એણે બ્રાહ્મણને ઇનામ આપવાના બદલે ધક્કા મરાવીને બહાર કાઢી મુક્યો. બ્રાહ્મણ તો રડતો રડતો ચાલ્યો ગયો. પછી બાદશાહે ફકીરે ભેટમાં મુકેલા લીલા પાંદડા તરફ નજર કરી કાજીને પૂછયું-“આ સાંઇ મોલાએ જે ભેટ ધરી છે, એનો શું થાય છે? ગુઢ અર્થ

 

                કાજીએ સ્વધર્મી અને સ્વજાત ફકીરના પક્ષમાં કહ્યું. “આ સાંઇ સાહેબ મક્કા શરીફથી આવે છે અને નેક દુવા રૂપ આ સંપન્ન ભેટ ધરી સુચવે છે કે માલિકના માનીતા લીલા રંગવાળા પાંદડાઓની જેમ, સદા લીલા લહેર રહે.

 

                આવો મંગળ આશીર્વાદ જાણી બાદશાહ ઘણો પ્રસન્ન થયો અને ફકીરને સવાસો રૂપિયાનું ઇનામ આપ્યું. ફકીર તો દુવાઓ આપીને ચાલ્યો ગયો.

 

                આ બાજુ નિરાશ થયેલા બંગાળી બ્રાહ્મણને રસ્તામાં બીરબલનો ભેટો થયો. એને રડતો જોઈ બીરબલે બધી વાત પૂછી. બ્રાહ્મણ બધી વાત કરી. એટલે બીરબલે કહ્યું કે તું મારા ઘેર જઈ આરામ કર. તને હું ઇનામ અપાવીશ.

                બીરબલ તો દરબારમાં આવ્યો અને પોતાના આસન પર બેઠો. બાદશાહે વાત કરી કે આજે એક બ્રાહ્મણને ધક્કા મરાવીને કાઢયો અને એક ફકીરને સવાસો રૂપિયા ઇનામમાં આપ્યા.

 

                ત્યારે બીરબલે બોલ્યો-“જો નામદાર, બંગાળી બ્રાહ્મણનું અપમાન કરાયું એ યોગ્ય નથી થયું. જેણે આપનું રાજય નિરંતર કાયમ રહે એવા શુભ આર્શિવાદ રૂપ કામનાદેવીનો પ્રસાદ આપને ભેટ ધર્યો હતો, તેને આપે ધક્કા મરાવીને દરબારની બહાર કાઢી મુકયો. આશા લઈને આવેલા યાત્રાળુને નિરાશ કરવો”પૃથ્વીપતિને યોગ્ય ન ગણાય.

 

                બીરબલના આવા વચન સાંભળી બાદશાબહ ગુસ્સાથી બોલ્યો-“મારુ બુરું ઇચ્છયું એ માટે મેં એને યોગ્ય દંડ આપેલો છે અને ફકીરે મને પ્યારી વસ્તુ આપી એટલા માટે મેં એને ઇનામ આપ્યું છે. મેં જે કર્યું છે એ સમજી વિચારીને કહ્યું છે.

 

                બીરબલે કહ્યું- “જહાંપનાહ, જે અર્થ આપ સમજયા છો તે ઉલટો છે. બંગાળી બ્રાહ્મણે આપનું અશુભ ચિંતવ્યું જ નથી. એણે ચોખા ભેટ ધરીને એમ સુચવ્યું છે કે આપના રાજયમાં “અક્ષતે હીત ધનધાન્યથી વૃદ્ધિ થાઓ અને રાષ્ટ્રનો અર્થ એવો છે કે આપના શત્રુઓ ભસ્મ થાઓ. આવો અર્થ આર્યશાસ્ત્રોના નિયમ પ્રમાણે થાય છે. એણે કામનાદેવીને પ્રસન્ન કરી એ બે વસ્તુ પ્રાપ્ત કરેલી હતી. અને તે મહાન મંગલદાયી જાણીને આપને સમર્પણ કરી છતાં તેનો આપે અતિ અનાદર કર્યો અને ફકીરે સબજા, અર્થાત સબ એટલે સર્વ અને જા એટલે જતુ રહે, એટલે કે સર્વનાશ થાઓ એવુ બુરૂ વાંચ્છયું તેને આપે સરપાવ આપ્યો એ કેટલી બધી સમજ ફેર ગણાય.

 

                આવો અર્થ સાંભળી બાદશાહને ખાત્રી થઈ ગઈ કે બીરબલ  કહે એજ વાત સાચી છે. કાજીએ મને અપયશ અપાવવા માટે અળવે રસ્તે દોરવ્યો છે. આમ વિચારી બાદશાહે આદર આપીને બ્રાહ્મણને બોલાવી લીધો. પોતાની ભૂલની માફી માગી એક હજાર સોના મહોર આપી ખુશ કર્યો.

 

                બ્રાહ્મણ બીરબલનો આભાર માની પોતાના દેશ તરફ રવાના થયો.


read (૮૯) મીઠી મશ્કરી




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ