(૧૦૬) સૌથી પ્યારી ચીજ
બાદશાહની મુખ્ય બેગમ ઘણી
ઉધડ અને અભિમાની બની ગઈ હતી. સ્વભાવ એવો ચીઢીયો થઈ ગયો હતો કે વાત વાતમાં બાદશાહને
પણ સંભળાવી દેતી. એકવાર બાદશાહની એવી ગંદી મજાક કરી કે બાદશાહના ક્રોધનો પાર ન
રહ્યો અને તરત બેગમને કહી દીધું-“સવારનો સૂરજ ઉગે એ પહેલા, આ મહેલ છોડીને તારા
પિયર ચાલી જજે.' બિચારી બેગમના તો મોતીયા મરી ગયા. ઘણું રડી કકળી આજીજી કરી,
બાદશાહના પગ પકડ્યા પણ બાદશાહ એકના બે ન થયા અને જો પોતાના હુકમનો અનાદર થશે તો ધડથી
માથું જુદું કરાશે' એમ કહીને દરબારમાં ચાલ્યા ગયા, પાછું વળીને જોયું પણ નહીં.
બેગમ તો રડવા લાગી. રડતા
રડતા એને બીરબલ યાદ આવ્યો. આમ તો બીરબલ એને દીઠા ડોળેય ગમતો ન હતો પણ મુસીબતમાંથી
બીરબલ સિવાય બીજું કોઈ છોડાવી શકે તેમ ન હતું. એટલે તરત એક દાસી સાથે બીરબલને
કહેવડાવ્યું કે તુરંત જ મળી જાય.
બીરબલ આવ્યો એટલે
બાદશાહના હુકમની વાત કરી અને કહ્યું કે જીંદગીમાં ફરી કદી આવી ભુલ નહી કરું. બસ
એકવાર આમાંથી છોડાવ.
બીરબલને દયા આવી ગઈ. એણે
બેગમને યુક્તિ દેખાડી દીધી. બેગમ તો રાજી રાજી થઈ ગઈ.
બપોરે બાદશાહ દરબારમાંથી
પાછા આવ્યા ત્યારે બેગમ પોતાનો બધો સામાન બાંધીને બેઠી હતી. બાદશાહનો રોષ જરા પણ
ઓછો થયો ન હતો એટલે બેગમ સામે નજર પણ ન કરી. પરંતુ બેગમ આજીજી ભર્યા અવાજે બોલી -
હે ખુદાવંદ, આજે હું તમારા હુકમનું પાલન કરવા હંમેશના માટે તમને છોડીને જઈ રહી
છું. હે માલિક મને મારી સૌથી પ્યારી ચીજ સાથે લઈ જવાની છૂટ આપો.
બાદશાહે વિચાર્યું કે આવી
છૂટ આપવામાં કોઈ વાંધો નથી. બહુ બહુ તો ઝર-ઝવેરાત કે ઘરેણા લઈ જશે, લઈ લઈને કેટલું
લઈ જશે. બાદશાહે તો રજા આપી કે તને ગમે એ ચીઝ લઈ જા. એટલે બેગમ બોલી-એમ નહીં, મને
વચન આપો કે મારી સૌથી પ્યારી ચીજ તમે મારી પાસેથી છીનવી નહીં લો.”
બાદશાહે તો વચન આપી દીધું. એટલે બેગમ જતા જતા બોલી- હે ખુદાવંદ ! હું તો હવે
જઈ રહી છું, ફરી કદી મળવાની નથી એટલે મારી ઈચ્છા છે કે જતા જતા મારા હાથે તમને
શરાબનો એક જામ પીવડાવું.
થોડી આનાકાની પછી બાદશાહ
માની ગયો. બેગમે તો પહેલેથી જ બેહોશીની દવા ભેળવેલો શરાબનો પ્યાલો તૈયાર રાખ્યો
હતો. એ પ્યાલો પીતા જ બાદશાહ બેભાન થઈ ગયો. બેગમે તો પોતાના સર સામાન સાથે
બાદશાહને પણ રથમાં નાખ્યો અને પિયર રવાના થઈ. અર્ધા રસ્તે બાદશાહ ભાનમાં આવ્યો.
જોયું તો પોતે રથમાં જઈ રહ્યો છે. રોષથી બેગમને પૂછવા લાગ્યો-“મને ક્યાં લઈ જાય
છે?”
બેગમ બોલીઃ “હે માલિક તમે
વચને બંધાઈ ચુક્યા છો કે મારી સૌથી પ્યારી ચીજ મારી પાસેથી છીનવી નહીં લો. મને
સૌથી પ્યારા તમે છો, માટે તમને સાથે લઈ જાઉ છું.” :
આ જવાબથી બાદશાહનો રોષ
ઓગળી ગયો અને કહેવા લાગ્યા કે આ યુક્તિ તારી નથી. નક્કી બીરબલના આ કરતુત છે.
ત્યારે બેગમે સાચી વાત કહી દીધી. બાદશાહે ખુશ થઈને રથ પાછો વળાવ્યો. મહેલમાં આવીને
બેગમે બીરબલને ઇનામ આપ્યું.
read (૧૦૫) રાણા પ્રતાપનું પ્રમાણપત્ર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment