header

(૧૦૩) શાહજાદો અને વણિકપુત્ર,Shahjado and Vanikaputra

 

(૧૦૩) શાહજાદો અને વણિકપુત્ર

 


                વાત એમ બની કે શાહજાદાએ એક વણિકના પુત્ર સાથે દોસ્તી બાંધી. થોડા દિવસમાં તો બન્ને એવા ગાઢ મિત્ર બની ગયા કે સાથે જ ઉઠે સાથે જ ખાય-પીવે અને સાથે જ હરે ફરે.

 

            શાહજાદો વાણિયા સાથે દોસ્તી બાંધે એ બાદશાહને જરાપણ ન ગમતું. બાદશાહે શાહજાદાને ખુબ સમજાવ્યો. સામ, દામ, દંડ અને ભેદથી કામ લીધું પણ શાહજાદો તો હઠે ભરાણો. એ તો વાણીયાને મહેલમાં લાવવા લાગ્યો.

 

            આ વાત બીરબલના કાને પહોંચી. એ તો આવ્યો બાદશાહ પાસે અને કહ્યું કે તમે ચિંતા ન કરો. બે-ચાર દિવસમાં હું બન્નેની દોસ્તી તોડાવીશ.

 

            તો તો તારા જેવો ભગવાનેય નહીં...” બાદશાહ બોલ્યો. એક દિવસ શાહજાદો અને વાણીયો બને બાગમાં બેઠા હતા ત્યાં જ બીરબલ ત્યાંથી ઘોડા પર બેસીને નીકળ્યો અને ઇશારાથી શાહજાદાને પાસે બોલાવ્યો. એ નજીક આવ્યો એટલે બીરબલે એના કાન પાસે માં લઈ જઈને કહ્યું “જા...”

 

            આટલું કહીને બીરબલે તો ઘોડો મારી મુક્યો. આ બાજુ વણિક પુત્ર શાહજાદાને પૂછવા લાગ્યો કે બીરબલે તને શું કહ્યું? કાનમાં કઈ વાત કહી ?

 

               શાહજાદાએ જવાબ આપ્યો કે એણે તો કાંઈ પણ નથી કહ્યું. એમ જ બોલાવ્યો હતો. આ સાંભળી વણિક પુત્રએ વિચાર્યું કે અવશ્ય શાહજાદો મારાથી કાંઈક છુપાવી રહ્યો છે. નહીંતર બીરબલે જે કાંઈ કહ્યું એ જરૂર જણાવી દેત.

               આ રીતે બે દિવસ પછી બીરબલે ફરી ઇશારાથી શાહજાદાને પાસે બોલાવ્યો અને એ જ રીતે કાંઈ કહ્યા વગર પાછો મોકલી દીધો.

 

            વણિકપુત્રએ પૂછયું તો શાહજદાએ જવાબ આપ્યો કે આજ પણ બીરબલે મને કાંઈ નથી કહ્યું.

 

            હવે તો વણિક પુત્રના હૃદયમાં પૂર્ણ સંદેહ થઈ ગયો અને એ શાહજાદાથી દૂર દૂર રહેવા લાગ્યો. એના વર્તનથી શાહજાદાને પણ ખોટું લાગ્યું.

 

        થોડા દિવસમાં એ બન્નેની મિત્રતા એકદમ તુટી ગઈ અને બાદશાહે ખુશ થઈને બીરબલને ઇનામ આપ્યું.


read (૧૦૨) સિંહ અને પિંજરુ






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ