header

(૮૪) કોણ અપશુકનિયાળ,Who ominous

 

(૮૪) કોણ અપશુકનિયાળ

 


                દિલ્હીમાં મોતીચંદ નામે એક અતિ દંભી અને વ્યાજખોર વાણિયો રહેતો હતો. લોકો એનાથી એવા ત્રાસી ગયા હતા કે વાત ન પૂછો. એક વખત આ મોતીચંદના લીધે માધવ નામના એક માણસને વેપારમાં ઘણી ખોટ ગઇ. બિચારો માધવ રસ્તે રઝળતો થઈ ગયો એટલે એના મનમાં વેર ભાવના જાગી. એણે નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ વ્યાજખોર વાણીયાનું કાસળ કાઢી નાખવું.

 

                માધવે તો ચોરે ને ચૌટે અફવા ફેલાવવા માંડી કે આ મોતીચંદ ઘણો અપશુકનિયાળ છે. સવારના પહોરમાં જો કોઇ એનું મોટું જુવે તો આખો દિવસ ખાવા નથી મળતું. બસ વાત ફેલવા માંડી. અફવા તો જંગલની આગ જેવી છે. ઘડીમાં ફેલાઇ જાય. ઉડતી ઉડતી આ વાત બાદશાહના કાને પહોંચી એટલે બાદશાહને થયું કે આ વાત સાચી છે કે ખોટી એનું પારખુ તો કરવું જોઇએ. .

 

                તરત સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે મોતીચંદને પકડી લાવો. સૈનિકો તો મોતીચંદને પકડી લાવ્યા અને એવી જગ્યાએ બેસાડયો કે જેથી સવારના પહોરમાં રાજાની પહેલી નજર એના પર જ પડે.

                 

                બીજા દિવસે બાદશાહ ઉઠયા. ઝરુખામાં આવ્યા તો મોતીચંદ પર નજર પડી. પ્રાતઃ કાર્ય પતાવી રાજા દરબારમાં ગયા. ત્યાથી આવીને જમવા બેઠા. થાળી પીરસાઈ. જયાં કોળિયો મોં માં મુકવા ગયા ત્યાં થાળીમાં ગરોળી પડી. બાદશાહને સુગ ચડી. તેથી જમ્યા વગર જ ઉભા થઇ ગયા. બીજીવાર રસોઇ બનાવાઇ અને જયાં બાદશાહ જમવા બેસવાની તૈયારી કરે છે ત્યાં એક અગત્યનું કામ આવી પડયું. તેથી દરબારમાં જવું પડયું. સાંજે માંડ કામ પત્યું.

 

                આ વાતથી બાદશાહને ખાત્રી થઇ ગઇ કે મોતીચંદ અપશુકનિયાળ છે એ વાત તો સાવ સાચી. પોતે સવારના પહોરમાં એનું મોઢું જોયું તેથીજ આખો દિવસ ખાવા ન મળ્યું. માટે આવા પાપીનો નાશ કરી નાખવો જોઇએ.

 

                બાદશાહે તો તરત જલ્લદોને બોલાવ્યા અને મોતીચંદને ફાંસીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો. જલ્લાદો મોતીચંદને લઇ જવા લાગ્યા. મોતીચંદ તો પોક મુકીને રડતો જાય છે. રસ્તામાં બીરબલ મળ્યો. વાણીયાને રડતો જોઇ બધી વાત પૂછી. વાત જાણ્યા પછી બીરબલને દયા આવી ગઇ તેથી એ બોલ્યોછે.

 

                “હે વાણિક! જો તું હવે પછીનું જીવન ધર્મકાર્યમાં વીતાવે તો હું તને બચાવી લઉ. તારે અર્ધમનો માર્ગ છોડી દેવાનો….”

 

                મોતીચંદે તો તરત હા પાડી દીધી. મોતનો ભય ભલભલાને ધાર્મિક બનાવી દે છે. મોતીચંદે વચન આપ્યું એટલે બીરબલ એને રસ્તાની એક બાજુ લઇ ગયો અને કહ્યું- “વેવલીની જેમ રડવાનું બંધ કર અને ધ્યાનથી મારી વાત સાંભળ. આ જલ્લાદો તને ફાંસીએ ચઢાવતી વખતે પૂછશે કે તારી છેલ્લી ઇચ્છા શું છે? ત્યારે તારે એટલું કહેવાનું કે મારું મોઢું જોવાથી માણસોને ખાવાનું મળતુ નથી પણ રાજાનું મોં જોતા મને આજે ફાંસીની સજા થઈ છે, માટે મારે એટલું જ જાહેર કરવું છે કે કોઈ માણસ સવારના પહોરમાં બાદશાહનું મોં ન જુવે, નહિતર મારા જેવી દશા થશે.”

 

                આટલું શિખવીને બીરબલ તો ચાલતો થયો. જલ્લાદો મોતીચંદને ફાંસીના માંચડે લઇ ગયા અને એની છેલ્લી ઇચ્છા પૂછી. મોતીચંદે તો જે બીરબલે શિખવ્યું હતું એ કહી દીધું. જલ્લાદો વિચારમાં પડી ગયા. એક જલ્લાદ દોડતો દોડતો બાદશાહ પાસે ગયો અને બધી વાત કરી.

 

                આ વાત સાંભળતા જ બાદશાહ અકળાયો. જો આવુ જાહેર થાય તો ફજેતાનો પાર ન રહે. તુર્તજ હુકમ કર્યો કે વાણીયાને મારી પાસે લઇ આવો. જલ્લાદો મોતીચંદને લઈ આવ્યા એટલે બાદશાહે તેને ઇનામ આપીને કહ્યું

 

                હું તારો અપરાધ માફ કરું છું માટે કોઇને આ વાત ન કરતો.”

 

                મોતીચંદ તો રાજી થતો થતો ઘેર ગયો. એના ગયા પછી બાદશાહે જલ્લાદોને પૂછયું કે રસ્તામાં કોઈ સામુ મળ્યું હતું? ત્યારે જલ્લાદો બોલ્યા કે બીરબલ મળ્યો હતો. બાદશાહ તરત સમજી ગયા કે આ બધી કમાલ બીરબલની જ છે. ધન્ય છે એની બુદ્ધિને.


read (૮૩) આંધળા ઝાઝા કે દેખાતા ?






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ