(૬૬) કોનું સારું ?
બાદશાહ અકબર દરબારમાં પધાર્યા. દરબાર ખચોખચ
ભરાયો હતો. રાજ કામકાજથી પરવાર્યા પછી બાદશાહે જ્ઞાન ચર્ચા છેડી - “હું તમને બધાને
પાંચ પ્રશ્નો પૂછું છું. બીરબલ આજે આવ્યો નથી એટલે જવાબ તમારામાંથી જ કોઈક આપશે તો
મને ઘણો આનંદ થશે અને બીરબલની બુદ્ધિનો ગર્વ પણ થોડો ઉતરી જશે. સવાલો આ પ્રમાણે
છે: ૧. ફૂલ કોનું સારૂં? ૨.દૂધ કોનું સારૂં? ૩. મિઠાશ કોની સારી? ૪. પાન કોનું
સારૂં? ૫. રાજા કયો સારો ?
બાદશાહના આ પાંચ પ્રશ્નો
સાંભળી દરબારીઓમાં મતભેદ પેદા થઈ ગયો. કોઈએ કહ્યું કે ગુલાબનું ફૂલ સારૂં તો કોઈએ
કહ્યું કે કમળના ફૂલ જેવું એકેય ફૂલ નહીં. આમ બધાએ જુદા જુદા ફુલોના નામ જણાવ્યા.
દૂધ માટે પણ એમ જ થયું.
કોઈએ કહ્યું કે ગાયનું દૂધ સારૂં. કોઈએ કહ્યું કે ભેસનું સારૂં, તો વળી કોઈએ
કહ્યું કે સારામાં સારું દૂધ તો બકરીનું કારણ કે એ પચવામાં અત્યંત હલકું છે.
ત્રીજા પ્રશ્નના જવાબમાં
પણ મતભેદ ઉભા થયા. કોઈએ કહ્યું કે મીઠાશ તો શેરડીની. કોઈ કહે મીઠાશ તો ગોળની. તો
કોઈ કહે મિઠાસ તો પકવાનની જ. શ્રેષ્ઠ પાનમાં કોઈએ કહ્યું કે કેળનું પાન પૂજામાં
વપરાય છે. માટે એ પાન સારૂં છે. કોઈએ વળી કહ્યું કે લીંબડાનું પાન દવામાં વપરાય છે
તેથી એ જ પાન સારું છે.
રાજા કયો સારો? એ
પ્રશ્નના જવાબમાં એક ખુશામદ ખોરે કહ્યું કે સૌથી સારા રાજા તો આપણાં બાદશાહ. બસ
પછી તો બધાએ એક અવાજે આ જવાબ વધાવી લીધો,
બાદશાહને આ લોકોની સ્વામી
ભક્તિ પર પ્રસન્નતા તો થઈ, પરંતુ પોતાના પ્રશ્નોના યોગ્ય જવાબ ન મળતા એમને સંતોષ ન
થયો.
દરબારમાં બીરબલની
ગેરહાજરી બાદશાહને ખટકી કારણ કે બાદશાહને ખાત્રી હતી કે બીરબલ જ આ પ્રશ્નોના સાચા
જવાબ આપી શકે.
બીજા દિવસે બીરબલ
દરબારમાં આવ્યો અને પોતાના સ્થાન પર જઈને અદબથી બેસી ગયો. બાદશાહે તો તરત એ પાંચે
પ્રશ્નો પૂછી નાખ્યા પછી કહ્યું કે મારે આ પ્રશ્નોના સાચા જવાબ જોઈએ,
બીરબલે જે જવાબ આપ્યા તે
આ પ્રમાણે હતા.
1. ફૂલ કપાસનું સારું છે.
જેનાથી આખી દુનિયા ઢંકાય છે, મતલબ કે કપાસમાંથી વસ્ત્રો બને છે અને એ વસ્ત્રો
બધાની એબ ઢાંકે છે.
૨. દૂધ માતાનું સૌથી સારું છે. એનાથી જ માણસનું શરીર બને છે.
૩. મિઠાશ જીભની સારી કારણ કે જીભ મીઠી હોય
તો ક્યાંય પણ માણસ પોતાની જગ્યા બનાવી શકે છે.
૪. પાનમાં નાગરવેલનું પાન
સારું. નોકર યા કોઈ પણ વફાદાર સેવક એ પાનનું બીડું ઉઠાવીને પોતાનું પ્રણ પૂર્ણ કરે
છે. ૫. રાજાઓમાં ઈન્દ્ર સર્વશ્રેષ્ઠ છે. કારણ કે એની આજ્ઞાથી જ પાણી વરસે છે.
જેનાથી સંસારમાં ખેતી થાય છે અને દુનિયાને ધન ધાન્ય મળે છે અને તમામ પ્રાણીઓનું
પાલન-પોષણ થાય છે.
બાદશાહ અને દરબારી
બીરબલના જવાબ સાંભળી ઘણાં ખુશ થયા.
read (૬૫) બસ ત્યારથી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment