header

સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, પિતાનું નિધન અને કુટુંબની નિર્ધનતા,Death of father and poverty of family

 

પિતાનું નિધન અને કુટુંબની નિર્ધનતા



   સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,

        ઈ.સ. ૧૮૮૪ માં નરેન્દ્રનાથે બી.એ.ની પરીક્ષા આપી. એ વખતે એમના પિતા હયાત હતા, પરંતુ પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં જ એમનું અવસાન થયું. વિશ્વનાથ દત્તનું ઓચિંતું અવસાન થવાથી કુટુંબની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ. કારણકે વિશ્વનાથ પોતાની ઉદારતાને કારણે આવક કરતાં ખર્ચ વિશેષ કરતા હતા. લેણદારો બારણાં ખખડાવવા લાગ્યા. 

      

  જેમના ઉપર વિશ્વનાથે અનેક ઉપકારો કરેલા એવા સંબંધીઓ પણ દુશ્મનાવટ બતાવવા લાગ્યા. સુખચેનની જિંદગીમાંથી દત્ત કુટુંબ એકાએક સખત ગરીબીમાં આવી પડ્યું અને કેટલીક વાર તો ભૂખમરો વેઠવાની સ્થિતિ પણ ઊભી થતી. આ દરમિયાન એક પિતરાઈ ભાઈએ તેમના મકાન ઉપર પોતાનો હક્ક લગાડ્યો. નરેન્દ્રનાથે પણ તેની સામે નમતું ન જોખ્યું અને કોર્ટમાં કેસ ચાલ્યો. આખરે, નરેન્દ્રની જીત થઈ અને મકાન બચી ગયું.

 

        નરેન્દ્ર ધોમધખતા તડકામાં ઉઘાડે પગે નોકરીની શોધમાં ભટકવા લાગ્યો. કેટલીકવાર જમ્યા વગર રખડવું પડતું. પરંતુ દરેક ઠેકાણેથી તેમને જાકારો મળતો. જીવનની એ કઠિન વાસ્તવિકતાથી નરેન્દ્રને ખાતરી થઈ કે આ દુનિયામાં નિઃસ્વાર્થ સહાનુભૂતિ બહુ વિરલ વસ્તુ છે.

        

 તેમને લાગવા લાગ્યું કે આ જગત કોઈક શેતાનની રચના છે. આખરે નરેન્દ્રને એક વકીલની ઑફિસમાં થોડું કામ મળ્યું, પરંતુ તે કુટુંબના ભરણપોષણ માટે પૂરતું ન હતું. આ સ્થિતિમાં નરેન્દ્રને પોતાની આ મૂંઝવણ રામકૃષ્ણ આગળ રજૂ કરવાનો વિચાર આવ્યો.

 

        નરેન્દ્રનાથે દક્ષિણેશ્વર જઈ પોતાની આ મૂંઝવણ રામકૃષ્ણને જણાવી. રામકૃષ્ણે તેમને મા જગદંબા પાસે વરદાન માગવા જણાવ્યું. પરંતુ, મા જગદંબા પાસે ત્રણ ત્રણ વખત જવા છતાં પણ નરેન્દ્ર આ વરદાન માગી શક્યા નહિ. નરેન્દ્ર સમજી ગયા કે આની પાછળ રામકૃષ્ણનો જ હાથ છે. 

       

 આથી તેમણે રામકૃષ્ણ પાસે જ આશીર્વાદ માગ્યા. શરૂઆતમાં આનાકાની બાદ આખરે રામકૃષ્ણે એવું વરદાન આપ્યું કે, “તારાં કુટુંબીજનોને કદી સાદાં અન્નવસ્ત્રની મુશ્કેલી નહિ પડે.’’ પૂજ્ય ગુરુદેવ પાસેથી આ વરદાન મળતાં નરેન્દ્રના ઘરની સાધારણ સ્થિતિ ધીમે ધીમે સુધરવા માંડી. પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ભલામણથી એક શાળામાં નરેન્દ્રનાથને શિક્ષકની જગ્યા મળી અને એ રીતે નિર્વાહનું સાધન મળી ગયું.



read  સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, શિક્ષણ






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ