જીવન પરિચય સ્વામી વિવેકાનંદ
શિક્ષણ
શિક્ષણ એટલે કેળવણી અને કેળવે તે
કેળવણી. નરેન્દ્રના ચારિત્ર્ય ઘડતરમાં આ કેળવણીનો ફાળો મહામૂલો છે. કેળવણીના પહેલા
પાઠો હંમેશાં માતા જ આપે છે. નરેન્દ્રને અંગ્રેજી શબ્દો અને બંગાળી લિપિ એની માતાએ
જ શીખવ્યાં હતાં. એમના જ ખોળામાં બેસીને એણે રામાયણ અને મહાભારતની કથાઓનું શ્રવણ
કરેલું. ભવિષ્યમાં નરેન્દ્રએ જે અદ્ભુત ઉત્સાહ અને શૌર્ય દર્શાવ્યાં એ માટે તેઓ
માતા ભુવનેશ્વરી દેવીના ઓશિંગણ છે.
નરેન્દ્રનું શાળેય શિક્ષણ બંગાળના
સુપ્રસિદ્ધ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ‘મેટ્રોપોલિટન ઈન્સ્ટિટ્યૂશન' નામની
સંસ્થામાં શરૂ થયું. નરેન્દ્રની અસાધારણ બુદ્ધિ પ્રતિભાથી શિક્ષકો અને સહાધ્યાયીઓ
તેના પર આફરીન હતા. નરેન્દ્ર રામાયણ-મહાભારત અને પુરાણકથાઓના પ્રસંગો કહીને સૌને
આનંદ આપતો. નરેન્દ્ર સત્ય બોલવામાં સહેજ પણ ખચકાટ રાખતો નહીં. તેમના આ સ્વભાવને કારણે
શાળામાં પણ તેમને એક-બે વાર સજા ભોગવવી પડી હતી.
નરેન્દ્રની ઉંમર વધી તેમ તેમની જીવન પ્રત્યેની ગંભીરતા પણ વધવા લાગી. અભ્યાસ ઉપરાંત બીજા વિષયોનાં પુસ્તકો વાંચવાનો તેમને ભારે શોખ હતો. કોઈપણ વિષય ઉપર મિત્રોમાં ચર્ચા ચાલે ત્યારે વાદ-વિવાદમાં નરેન્દ્રની બુદ્ધિ ઔર ખીલી ઊઠતી. જુઠાબોલા અને અપ્રામાણિક છોકરાઓની સોબત નરેન્દ્રને બિલકુલ ગમતી ન હતી. ઈ.સ. ૧૮૭૭ માં તેમના પિતાને ધંધા અર્થે મધ્યપ્રદેશના રાયપુર ગામે જવાનું થયું.
નરેન્દ્ર તથા બીજા કુટુંબીઓ પાછળથી આવે તેમ
નક્કી થયું. આ મુસાફરીમાં અમુક સફર બળદગાડીમાં કરવી પડતી. આ સમયે વિંધ્યાચળનાં
જંગલોનું અદ્દભુત સૃષ્ટિસૌંદર્ય જોઇને નરેન્દ્રને સૌ પ્રથમ ભાવસમાધિનો અનુભવ થયો.
રાયપુરમાં બે વર્ષ ગાળ્યા બાદ શ્રી વિશ્વનાથ દત્ત કુટુંબ સાથે કોલકાતા પાછા આવ્યા.
બે વર્ષની ગેરહાજરી છતાં શિક્ષકોના અપાર પ્રેમને કારણે નરેન્દ્રને ઉપલા વર્ગમાં
પ્રવેશ મળ્યો. નરેન્દ્રએ પણ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ માત્ર એક જ વર્ષમાં પૂરો
કર્યો, ઉપરાંત પ્રાવેશિક પરીક્ષા પણ પ્રથમ વર્ગમાં પાસ કરી.
ઈ.સ. ૧૮૮૦, જાન્યુઆરીથી નરેન્દ્રનાથે
પ્રેસીડેન્સી કૉલેજમાં અને થોડા સમય પછી સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યો.
કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ બ્રહ્મચર્યનું કડકપણે પાલન કરતા. આ દરમિયાન તેમની
તબિયત કથળતાં હવાફેર માટે ગયા જવું પડ્યું. ગયાથી પરત આવ્યા ત્યારે કૉલેજના બીજા
વર્ષની પરીક્ષા આડે માત્ર બે માસ રહ્યા હતા છતાં પણ તેમણે એ પરીક્ષા પાસ કરી.
કૉલેજકાળ દરમિયાન જ તેઓએ પ્રૉફેસર વિલિયમ હેસ્ટી પાસે શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે
સાંભળ્યું.
એ સમયે બંગાળમાં રાજા રામમોહનરાયે સ્થાપેલી બ્રહ્મોસમાજ નામની સંસ્થાનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો હતો. કેશવચંદ્ર અને દેવેન્દ્રનાથ ઠાકુર તેના અગ્રણીઓ હતા. હિન્દુધર્મની જૂની માન્યતાઓનો આ સમાજે વિરોધ ઉઠાવ્યો હતો. બાળલગ્નનો વિરોધ, સ્ત્રી કેળવણી અને બીજા કેટલાક સમાજ સુધારાનાં કામો બ્રહ્મોસમાજે ઉપાડ્યાં હતાં. નરેન્દ્રનાથ પણ બ્રહ્મોસમાજ તરફ આકર્ષાયા હતા.
આધ્યાત્મિક જીવન ગાળવાની નરેન્દ્રનાથની ઝંખના એ દિવસોમાં બળવત્તર બનતી જતી હતી.
પિતાજીના લગ્નના આગ્રહને પણ તેઓ વશ થયા નહિ. બ્રહ્મોસમાજનું વાતાવરણ થોડો સમય તો
નરેન્દ્રનાથને ગમ્યું, પણ ત્યાગ અને વૈરાગ્ય વિના ઈશ્વરદર્શન ન થઈ શકે એમ તેમને
લાગ્યું. એ સમયે નરેન્દ્રનાથના માનસપટ પર સંસારીનું અને સંન્યાસીનું ; એક ભોગ અને
બીજું ત્યાગ; એમ બે અલગ ચિત્રો ઊપસી આવતાં. અંતે, સંસારીનું ચિત્ર ઝાંખુ બની
અદૃશ્ય થઈ ગયું અને સંન્યાસીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું.
નરેન્દ્રનાથની ઈશ્વરદર્શનની ઝંખના
તીવ્ર બનતાં નરેન્દ્રનાથ મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર પાસે ગયા. આ ઉપરાંત બીજા
વિદ્વાનોને પણ મળ્યા. પરંતુ તેમની આ ઝંખના સંતોષવામાં બધા જ વિદ્વાનો ઊણા ઉતર્યા.
આમ, કૉલેજકાળ દરમિયાન જ નરેન્દ્રમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાયાં.
read જન્મ અને બાળપણ
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment