માયાવતીમાં અદ્વૈતાશ્રમની સ્થાપના
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
બેલુરમઠમાં આવ્યા પછી નાદુરસ્ત તબિયત હોવા છતાં સ્વામીજીનો ઉત્સાહ તો ચરમસીમાએ જ હતો. ધાર્મિક વાર્તાલાપો, પ્રશ્નોત્તરીના વર્ગો અને શાસ્ત્રવાચન પરનાં એમના વિવેચનો પુનઃ કાર્યરત થઈ ગયાં. આ દરમિયાન થોડાક જ અરસામાં સ્વામી તુરીયાનંદ અને સ્વામીજીના અન્ય શિષ્યો પણ કલકત્તા આવી પહોંચ્યા. આ સમયગાળામાં જ સ્વામીજીની પ્રેરણાથી ભગિની નિવેદિતાએ એક શાળાની સ્થાપના કરી. જે આજે ‘નિવેદિતા કન્યા શાળા'ના નામથી પ્રસિદ્ધ છે.
ઈ.સ.૧૮૯૮ની ૯મી ડિસેમ્બરે
શ્રીરામકૃષ્ણ મઠની વિધિવત સ્થાપના થઈ. ઘણા માસ પહેલાં (માર્ચ, ૧૮૯૮) મઠ માટે જમીન ખરીદાઈ
ત્યારે તેનો ઉત્સવ થઈ ગયો હતો. મઠની પ્રતિષ્ઠાનો વિધિ સ્વામીજીએ પોતે જ કર્યો. ઈ.સ.
૧૮૯૯ ની જાન્યુઆરીની બીજી તારીખથી સ્વામીજી અને અન્ય સંન્યાસીઓએ અત્યારે જેને ‘બેલુર
મઠ’ કહેવાય છે તે પાવન ભૂમિ પર રહેવાનું શરૂ
કર્યુ. આ સમયગાળામાં સ્વામીજીને દમનો વ્યાધિ પીડી રહ્યો હતો. આથી ડૉ. દત્ત અને અન્ય
ડૉકટરોએ જાહેર કર્યું કે સ્વામીજીએ હવે વધુ સાવચેત રહેવું પડશે. વધુ પડતુ ધ્યાન ધરવાને
કારણે સ્વામીજીની ડાબી આખંમાં એક ઠેકાણે લોહીનું ટપકું જામી ગયું હતું. આથી એમને સમાધિમાં
વધુ પડતા ડૂબી જતા અટકાવવા ગુરુભાઈઓ સતત પ્રયત્નશીલ રહેતા.
આ અરસામાં જ સ્વામીજીને પ્રિય એવી એક પ્રવૃત્તિ શરૂ થઈ. ૧૪ જાન્યુઆરી, ૧૮૯૯ ના દિવસથી મઠના મુખપત્ર તરીકે ‘ઉદ્બોધન’ નામનું એક બંગાળી પખવાડિક બહાર પડ્યું. ભારતના લોકોની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે એમાં રચનાત્મક વિચારો રજૂ થતા. સ્વામી ત્રિગુણાતીતે આ પખવાડિક યોજનાને સફળ બનાવવા માટે જવાબદારી સ્વીકારી, હિમાલયના પ્રદેશમાં આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઈચ્છા હજુ અધૂરી હતી. યુરોપિયન શિષ્યો રહી શકે એ માટે સાતેક હજાર ફૂટ ઊંચે હોય એવુ કોઈ સુયોગ્ય સ્થળ તેઓ શોધી રહ્યા હતા.
આખરે મિસ્ટર
અને મિસિસ સેવિયરે એક સ્થળ પર પોતાની પસંદગી ઉતારી. અલમોડાથી ૫૦ માઈલ દૂર આવેલું, ૬૩૦૦
ફૂટની ઊંચાઈએ આવેલું, ‘માયાવતી’ નામનું આ સ્થળ ગાઢ
જંગલોથી ભરપૂર હતું. ત્યાંથી હિમાચ્છાદિત શિખરોનાં ભવ્ય દર્શન થતાં. ઈ.સ. ૧૮૯૯ ની ૧૯મી
માર્ચે એ સુરમ્ય સ્થળે ‘અદ્વૈતાશ્રમ’ ની સ્થાપના થઈ અને
‘પ્રબુદ્ધ ભારત’નું પ્રકાશન પણ ત્યાંથી
જ કરવાની વ્યવસ્થા થઈ. આ અદ્વૈતાશ્રમમાં અદ્વૈત તત્ત્વની જ આરાધના કરવામાં આવે છે.
કોઈપણ મૂર્તિ, ચિત્ર કે પ્રતીકની ત્યાં પૂજા થતી નથી.
‘પ્રબુદ્ધ ભારત’, ‘બ્રહ્મવાદિન’ અને ‘ઉદબોધન' એ ત્રણેય માસિકો હવે શ્રીરામકૃષ્ણના
સંદેશ અને સ્વામીજીના વિચારોની સુવાસ ભારતમાં અને ભારતની બહાર ફેલાવી રહ્યા હતા. આ
અરસામાં જ સ્વામી અભયાનંદ પશ્ચિમમાં ‘અદ્વૈત સોસાયટી'ની સ્થાપના કરી. આમ, સ્વામી વિવેકાનંદે
વાવેલું બીજ હવે ફાલીફૂલીને વટવૃક્ષ બનવા જઈ રહ્યું હતું.
Read અમરનાથની યાત્રાએ....
download pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment