પથદર્શકનો ભેટો
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
નરેન્દ્રનાથની પડોશમાં સુરેન્દ્રનાથ મિત્ર નામે એક ધાર્મિક વૃત્તિવાળા ગૃહસ્થ રહેતા હતા. તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસના ભક્ત હતા. આ ગૃહસ્થના ઘરે રાખેલા ભજનસત્સંગમાં નરેન્દ્રનાથને ગાવાનું આમંત્રણ મળ્યું. શ્રીરામકૃષ્ણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
તેઓ નરેન્દ્રના સુમધુર કંઠે
ગવાયેલા ભજનથી અત્યંત પ્રભાવિત થયા અને ભજનના અંતે સુરેન્દ્રનાથ પાસેથી તેમણે
નરેન્દ્રનાથનો પરિચય મેળવ્યો. સાથે સાથે દક્ષિણેશ્વર આવવા આમંત્રણ પણ આપ્યું.
તેમના કાકા રામચંદ્ર દત્તે પણ નરેન્દ્રનાથને ઈશ્વરદર્શનની ઝંખના સંતોષવા
દક્ષિણેશ્વર જવાનું સૂચન કર્યું. આથી, નરેન્દ્રનાથ તેમના એક બે મિત્રો સાથે
દક્ષિણેશ્વર ગયા.
નવેમ્બર ૧૮૮૧ માં તેમની રામકૃષ્ણ પરમહંસ સાથેની પ્રથમ મુલાકાત તેમની જિંદગીનો સંક્રાંતિકાળ પુરવાર થઈ. આ મુલાકાત વિશે નરેન્દ્રનાથે કહ્યું હતું કે ‘‘તેઓ (રામકૃષ્ણ) માત્ર એક સાધારણ માનવી જેવા દેખાતા હતા, તેમનામાં નોંધપાત્ર કંઈ જણાતું નહોતું. તેઓ સાવ સામાન્ય ભાષાનો ઉપયોગ કરતા હતા.
મેં વિચાર્યુ, શું આ માણસ મહાન શિક્ષક હોઈ શકે ? હું તેમની નજીક ગયો અને તેમને એ સવાલ પૂછ્યો, જે સવાલ હું મારી સમગ્ર જિંદગી દરમિયાન અન્યોને પૂછતો રહ્યો હતો. ‘શું તમે ઈશ્વરમાં માનો છો ? તેમણે હકા૨માં જવાબ આપ્યો. ‘તમે એ પુરવાર કરી શકો, ગુરુદેવ ?’ ‘હા’ ‘કઈ રીતે?’ ‘કારણકે હું તને જોઈ શકું છું, તે જ રીતે તેમને જોઈ શકું છું, એટલું જ કે વધારે તીવ્રતાથી.’ એમનાથી હું એ જ ક્ષણે અભિભૂત થઈ ગયો.
હું તેમની પાસે જવા લાગ્યો, રોજેરોજ અને મેં વાસ્તવમાં જોયું કે
ધર્મ ખરેખર આપી શકાય છે. એક સ્પર્શ, એક નજર તમારું સમગ્ર જીવન બદલી નાંખે છે.’’
આમ, ભવિષ્યમાં અનેક યુવાનોના પથદર્શક
એવા નરેન્દ્રનાથને પોતાના પથદર્શકનો આ રીતે ભેટો થયો.
read સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય, પિતાનું નિધન અને કુટુંબની નિર્ધનતા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment