કાકાસાહેબ કાલેલકર
(જ. ૧ ડિસેમ્બર ૧૮૮૫, સાતારા, મહારાષ્ટ્ર; અ. ૨૧ ઑગસ્ટ ૧૯૮૧, નવી દિલ્હી)
ભારતના જાણીતા રાષ્ટ્રસેવક, ચિંતક અને સમર્થ ગુજરાતી લેખક.
તેમનું આખું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. પિતાને સરકારી નોકરી હતી, તેથી વારંવાર બહારગામ જવું પડતું; સાથે બાળક દત્તાત્રેયને પણ લઈ જતા. આથી પ્રકૃતિપ્રેમનાં બીજ તેમનામાં નાનપણથી જ રોપાયાં. વળી ધાર્મિકતા પણ વારસામાં મળી હતી. મરાઠીમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પુણે, શાહપુર, બેલગામ, ધારવાડ વગેરે સ્થળોએથી લઈને ૧૯૦૩માં મૅટ્રિક થયા. ૧૯૦૭માં પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ફિલૉસૉફી વિષય સાથે બી.એ. થયા.
તેમણે ૧૯૦૮માં એલએલ.બી.ની પરીક્ષા આપી. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય થયા. ૧૯૦૯માં ‘રાષ્ટ્રમત' નામના મરાઠી દૈનિકમાં જોડાયા. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં આચાર્ય થયા. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં સ્વામી આનંદ અને અનંતબુવા મઢેકર સાથે હિમાલયની યાત્રાએ ગયા. સાડા ત્રણ હજાર કિમી.ની પગપાળા મુસાફરી કરી.
૧૯૧૫થી શાંતિનિકેતનમાં જોડાયા.
૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. અધ્યાપન ઉપરાંત અહીં જોડણીકોશનું
કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં તેઓ વિદ્યાપીઠના કુલનાયકપદે નિમાયા. ૧૯૩૪માં
વિદ્યાપીઠમાંથી નિવૃત્ત થયા. ૧૯૩૫માં રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહી હિન્દી
ભાષાનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય કર્યું. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિમાં
જોડાયા. તેનું કાર્યાલય ૧૯૫૨ સુધી મુંબઈમાં અને એ પછી એ દિલ્હી ખસેડાયું તેથી
દિલ્હીમાં જીવનના છેલ્લા દિવસ સુધી એ કાર્યમાં વ્યસ્ત રહ્યા. આમ તેમણે વિવિધ
ક્ષેત્રોમાં સેવાઓ આપી. જીવનના છેલ્લા તબક્કામાં તેઓ રાજઘાટ પાસે રહેતા હતા.
તેઓ જ્યારે કૉલેજમાં હતા ત્યારે લોકમાન્યટિળકને મળતા અને દેશસેવા અંગે તેમનું માર્ગદર્શન મેળવતા. કૉલેજના પુસ્તકાલયનો પણ તેમણે ખૂબ ઉપયોગ કરેલો. તેમની જીવન વિશેની સમજ સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા, આનંદ કુમારસ્વામી, અવનીન્દ્રનાથ ઠાકુર તથા હૅવલનાં પુસ્તકોએ ઘડી હતી. રાજકીય ક્રાંતિ સાથે સામાજિક ક્રાંતિ પણ હોવી જોઈએ એમ તેઓ માનતા.
રાષ્ટ્રસેવા અર્થે તેમણે શિક્ષણક્ષેત્ર પસંદ કર્યું અને તેમાં પોતાની સેવાઓ
આપી. તેમણે જીવનમાં દસેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ કરેલો.
૧૯૫૨માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં બૅકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ
તરીકે તેઓ નિમાયેલા. ૧૯૫૯ના ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના તેઓ પ્રમુખ
હતા. ૧૯૬૪માં તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ અને ૧૯૬૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો
પુરસ્કાર મળેલા.
ગુજરાતી ભાષાના તેઓ એક અગ્રગણ્ય
સાહિત્યકાર ગણાયા છે. લલિત ગદ્યના ઉત્તમ સર્જકો અને નિબંધકારોમાં તેમનું સ્થાન છે.
૧૯૧૨માં તેમણે હિમાલયની યાત્રા કરી તેનું બયાન તે વખતે ગૂજરાત વિદ્યાપીઠના
સાપ્તાહિકમાં હપતાવાર છપાતું. ૧૯૨૪માં ‘હિમાલયનો પ્રવાસ’ નામે પુસ્તકાકારે બહાર
પડ્યુંગુજરાતી પ્રવાસસાહિત્યમાં આ પુસ્તક અનન્ય ગણાય છે.
તેમણે ગુજરાતીમાં ૩૬, હિન્દીમાં ૨૭ અને
૧૫ પુસ્તકો લખ્યાં છે. ‘હિમાલયનો પ્રવાસ’ ઉપરાંત ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧),
‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્વીપ મોરેશિયસ અને બીજા ટાપુઓ’ (૧૯૫૨),
‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઉગમણો દેશ – જાપાન' (૧૯૫૮) એ તેમનાં પ્રવાસપુસ્તકો છે.
તેમનાં પ્રવાસપુસ્તકો માત્ર માહિતીમૂલક લેખો ન બનતાં લલિત નિબંધનું રૂપ ધારણ કરે
છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) તેમના શૈશવકાળના પ્રસંગોને રજૂ કરતી સ્મરણકથા છે.
‘બાપુની ઝાંખી' (૧૯૪૬) અને મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથોમાં ગાંધીજીના
જીવનને લગતા પ્રસંગો છે. તેમનું પત્રસાહિત્ય પણ સમૃદ્ધ છે. ‘પ્રાસંગિક પ્રતિસાદ’
(૧૯૭૦) – એ ડાયરીશૈલીની નોંધોનો સંગ્રહ છે.
એમની પાસેથી ઘણું ચિંતનાત્મક લખાણ
મળ્યું છે; જેમાં સંસ્કૃતિ, કલા અને સાહિત્ય વિશે ઘણી વિચારણા રજૂ થઈ છે. ‘ઓતરાતી
દીવાલો' (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ' (૧૯૩૬), ‘જીવનનો આનંદ’
(૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), (૧૯૫૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ' (૧૯૪૪),
‘જીવનલીલા’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ'
(૧૯૭૦) વગેરે ગ્રંથોમાં તેમનું જુદા જુદા વિષયો અંગેનું ચિંતન રજૂ થયું છે. તેમનું
મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.
તેમના સાહિત્યમાં પ્રકૃતિ જીવંત રૂપે નિરૂપાઈ છે. તેમની શૈલી પ્રાસાદિક, સરળ અને વિશદ છે. તેમના ગદ્યમાં ગાંભીર્ય છે હળવાશ પણ છે, આલંકારિકતા છે ને સાદગી પણ છે. સંસ્કૃતમયતા છે ને તળપદાપણું પણ છે. ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને યોગ્ય રીતે જ ‘કવિતા’ કહ્યું છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ગદ્યના વિકાસમાં તેમનું પ્રદાન મહત્ત્વનું છે.
તેમનું ગુજરાતી
ભાષા પરનું પ્રભુત્વ પણ અદ્ભુત હતું. આથી તેમને ગાંધીજીએ ‘સવાઈ ગુજરાતી' કહ્યા છે.
ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના તેઓ સમર્થ પ્રવાસલેખક, અગ્રગણ્ય નિબંધકાર અને
સર્જક ગદ્યકાર છે.
શ્રદ્ધા ત્રિવેદી
બાળ વિશ્વકોષ
download pdf click here
read કવી કલાપી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment