કવી કલાપી
(જ. ૨૬ જાન્યુઆરી, ૧૮૭૪, લાઠી, જિ. અમરેલી; અ. ૯ જૂન, ૧૯૦૦, લાઠી)
લાઠીના રાજવી તથા ગુજરાતી ભાષાના કવિ અને લેખક.
મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. લાઠીના રાજકુટુંબમાં જન્મ. માતાનું નામ રાજબા. પિતા અને મોટા ભાઈના અવસાનને લીધે સગીર વયે જ ગાદીવારસ થયેલા. ઈ. સ. ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લીધેલું. આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક ક્લેશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કરી શકેલા.
આ પછીથી શિક્ષકો રાખીને અંગ્રેજી,
સંસ્કૃત, ફારસી તથા ઉર્દૂનો અભ્યાસ કરેલો. સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરેનું
જ્ઞાન તેમને દરબાર વાજસૂરવાળા, મણિલાલ દ્વિવેદી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ન્હાનાલાલ,
‘કાન્ત’, ‘લલિત’, ‘જટિલ' અને ‘સંચિત’ જેવા મિત્રો પાસેથી મળેલું. ગુજરાતી તથા ઇતર
ભાષાઓના સાહિત્યનાં વાચન-અધ્યયનને લીધે એમની સાહિત્યરુચિ કેળવાયેલી.
ઈ. સ. ૧૮૮૯માં પંદર વર્ષની વયે, તેમનાંલગ્ન
રોહા(કચ્છ)નાં રાજકુમારી રાજબા (રમા) સાથે થયેલાં. એ જ દિવસે કોટડા સાંગાણીનાં
રાજકુમારી આનંદીબા સાથે પણ ખાંડાથી લગ્ન થયેલાં. રમા સાથે આવેલી ખવાસણ મોંઘી
(પાછળથી શોભના) સાથે નિકટતા કેળવાતાં પ્રેમ થયો. તેમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ
મચી ગયો. કલાપીનાં સંખ્યાબંધ કાવ્યોનું પ્રેરણાસ્થાન ૨મા અને શોભના સાથેનો તેમનો
પ્રણય છે. કલાપી રમા અને શોભના બંનેને સ્વીકા૨વા તૈયા૨ હતા; પરંતુ રમાને તે મંજૂર
નહોતું. ઘણા મનોમંથનને અંતે ઈ. સ. ૧૮૯૮માં તેમણે શોભના સાથે લગ્ન કર્યાં.
સગીર-વયે જ ગાદીવારસ ઠરેલા કલાપીને ઈ.
સ. ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું; પણ ઋજુ હૃદય અને સંવેદનશીલ પ્રકૃતિના
આ કવિ રાજધર્મ તો બજાવે છે પણ પોતાની જાતને એમાં બરોબર રીતે ગોઠવી શકતા નથી. તેમને
ગાદી તજી, વનમાં જવાની ઇચ્છા થાય છે; પરંતુ મણિલાલ દ્વિવેદી જેવા ગુરુના ઉપદેશથી
રાજા તરીકેની જવાબદારી સ્વીકારે છે. માત્ર છવ્વીસ વર્ષની વયે, એક જ રાતની ટૂંકી
માંદગીમાં તેમનું અવસાન થયું.
શરૂઆતમાં કલાપી ‘મધુકર’ના ઉપનામથી કવિતા લખતા. મિત્ર ‘જિટલ’ના કહેવાથી ઈ. સ. ૧૮૯૮માં તેમણે ‘કલાપી’ ઉપનામ રાખ્યું ને તે જ નામે પ્રસિદ્ધ થયા. ઈ. સ. ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓ ‘કલાપીનો કેકારવ'માં સંગૃહીત થઈ છે. એમનો આ સંગ્રહ ઈ. સ. ૧૯૦૩માં એમના અવસાન પછી કવિ કાન્તે પ્રકટ કર્યો હતો.
એ પછી એની અનેક આવૃત્તિઓ થઈ છે. ઈ. સ. ૧૮૯૨થી ૧૯૦૦ દરમિયાન તેમણે વિપુલ પ્રમાણમાં કવિતા આપી છે. તેમાંય તેમનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતો ત્યારે ઈ. સ. ૧૮૯૭–૯૮માં તેમણે સૌથી વધારે પ્રમાણમાં નોંધપાત્ર કાવ્યો આપ્યાં છે. તેમની કવિતા ૫૨ ગુજરાતના કવિઓ કાન્ત, બાળાશંકર, મણિલાલ, નરસિંહરાવનો તો એ સાથે જ વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ જેવા પશ્ચિમના કવિઓનો પણ પ્રભાવ છે.
પશ્ચિમના કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો પણ એમણે કર્યાં છે. એમનાં મોટા ભાગનાં કાવ્યોમાં એમની પોતાની સંવેદનાઓ વ્યક્ત થઈ છે. એમાં એમના અનુભવોનો રણકો છે. ‘હૃદયત્રિપુટી' એનું સ્પષ્ટ ઉદાહરણ છે. એમની મોટા ભાગની રચનાઓ આત્મલક્ષી અને ઊર્મિકાવ્યપ્રકારની છે. ઊર્મિની ઉત્કટતા એમની કવિતામાં વિશેષ જોવા મળે છે. પ્રેમ, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને જીવનચિંતન એમની કવિતાના મુખ્ય વિષયો છે.
ગુજરાતી ગઝલને
દૃઢ કરવામાં તેમનો ફાળો પણ નોંધપાત્ર છે. ‘આપની યાદી’, ‘હમારા રાહ’, ‘ત્યાગ’ વગેરે
તેમની સુપ્રસિદ્ધ ગઝલો છે. તીવ્ર સંવેદનશીલતાને કારણે તેમની રચનાઓ યુવાનોમાં ખૂબ
લોકપ્રિય થયેલી. ‘શિકારીને’, ‘મને જોઈને ઊડી જતાં પક્ષીઓને’ જેવાં ઊર્મિકાવ્યો
તેમનું સ્મરણીય પ્રદાન છે. તેમણે ‘ગ્રામ્ય(મ) માતા’, ‘બિલ્વમંગળ’ જેવાં થોડાંક
ખંડકાવ્યો પણ આપ્યાં છે.
મિત્ર ‘જટિલ’ની સહાયથી મહાકાવ્ય લખવાના
પ્રયત્ન તરીકે રચાયેલું તેમનું દીર્ઘકાવ્ય ‘હમીરજી ગોહિલ' જાણીતું છે. સ્કૉટના
‘લેડી ઑવ્ ધ લેઇક’ના સ્વરૂપને આધારે ઈ. સ. ૧૮૯૭માં તેમણે આ લખવાનું શરૂ કર્યું.
ઇતિહાસ-આધારિત આ કૃતિ ચાર સર્ગ પછી અધૂરી રહી છે.
કલાપી મુખ્યત્વે કવિ છે, પણ તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, પત્રો વગેરે રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ઈ. સ. ૧૮૯૨માં અઢાર વર્ષની વયે એમણે કાશ્મીરનો પ્રવાસ કરેલો. આ પ્રવાસનું ‘કાશ્મીરનો પ્રવાસ’ નામે પુસ્તક તે જ વર્ષમાં પ્રકટ થયેલું. તેમાં પ્રકૃતિનાં કેટલાંક સુંદર વર્ણનો પ્રાપ્ત થાય છે. આ પુસ્તક મૂળ તો તેમણે પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્ર રૂપે લખેલું.
અહીંથી તેમનો સાહિત્યિક કારકિર્દીનો આરંભ થયો એમ કહી શકાય. ‘કલાપીના સંવાદો’માં
પ્લેટો અને સ્વીડનબૉર્ગના તત્ત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી
પાત્રો લઈને તેમણે ચાર સંવાદો લખ્યા છે. ‘જેસલ-તોરલ’, ‘ગોપીચંદ-મેનાવતી’,
‘જાલંધર-ગોપીચંદ’ તથા ‘ભર્તૃહરિ અને વિક્રમ’ શીર્ષક ધરાવતા આ સંવાદો વાચકના
ચિત્તમાં રમ્યા કરે તેવા છે. તેમાંય ‘જેસલ-તોરલ'માં તો ખાસ્સું નાટ્યતત્ત્વ છે.
તેમના સંવાદોની છટા આકર્ષક છે. ‘સ્વીડનબૉર્ગનો ધર્મવિચાર' કવિ ‘કાન્ત’ને લખેલો
દીર્ઘ ચિંતનપ્રધાન પત્ર છે.
કલાપીએ પોતાના મિત્રો, સ્નેહીજનો અને
કુટુંબીજનો પર અનેક પત્રો લખેલા. તેમાંથી ‘કલાપીના ૧૪૪ પત્રો' (સંપા. મુનિકુમાર
ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા'(સં. જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં
૫૩૫ પત્રો ગ્રંથસ્થ થયા છે. આમ તેમણે લખેલા ૬૭૯ પત્રો પ્રકટ થયા છે. હજી કેટલાક
પત્રો ગ્રંથસ્થ થવાના બાકી છે. ગુજરાતના પત્રસાહિત્યમાં આ પત્રો મૂલ્યવાન છે. આ
પત્રોમાંથી તેમના નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ‘માલા અને
મુદ્રિકા’ (૧૯૧૨) અને ‘નારીહૃદય’ (૧૯૩૩) એ બે નવલકથાઓ અંગ્રેજી કથાનાં તેમણે
કરેલાં રૂપાંતરો છે.
શ્રદ્ધા ત્રિવેદી
બાળ વિશ્વકોષ
downlod pdf click here
read કનૈયાલાલ મુનશી
0 ટિપ્પણીઓ
Please do not share links in comment