કપિલદેવ રામલાલ નિખંજ
(જ. ૬ જાન્યુઆરી, ૧૯૫૯, ચંડીગઢ)
ભારતીય ક્રિકેટનો ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર ખેલાડી અને સુકાની.
હરિયાણાના ચંડીગઢમાં રહેતા અને લાકડાંની વખારનો ધંધો કરતા રામલાલ નિખંજના કુટુંબનો કોઈ સભ્ય ક્યારેય ક્રિકેટ રમ્યો નહોતો; પરંતુ ચંડીગઢની ડી.એ.વી. સ્કૂલમાં અભ્યાસ કરતા કપિલદેવને ૧૯૭૧માં દેશપ્રેમ આઝાદના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ મળી અને હરિયાણાનો આ ખેલાડી ક્રિકેટ વિશ્વમાં ‘હરિયાણા હરિકેન’ (ઝંઝાવાત) અથવા તો ‘હરિયાણા એક્સપ્રેસ’ તરીકે જાણીતો બન્યો.
જમણા હાથે આક્રમક બૅટિંગ અને મધ્યમ ઝડપી ગોલંદાજી કરતા આ ઑલરાઉન્ડર ખેલાડીએ ૧૯૭૫ના નવેમ્બરમાં રણજી ટ્રૉફી સ્પર્ધામાં હરિયાણા તરફથી પંજાબ સામે ખેલીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પોતાની પહેલી જ મૅચમાં પંજાબની છ વિકેટ ઝડપીને એણે હરિયાણાને વિજયી બનાવ્યું.
એ પછી ૧૯૭૮ની ૧૬મી ઑક્ટોબરે પાકિસ્તાન સામેની ફૈઝલાબાદની ટેસ્ટમૅચથી કપિલદેવે ટેસ્ટપ્રવેશ કર્યો. સુકાની બિશન બેદીએ એને બે દિવસ પૂર્વે ટીમમાં થયેલી એની પસંદગીની વાત કરી હતી, તેથી કપિલદેવ બે રાત સૂઈ શક્યો નહોતો ! ભારતને ઘણા લાંબા સમય બાદ કપિલદેવ જેવો ઝડપી ગોલંદાજ મળ્યો અને એના ઇનસ્વિંગર અને આઉટસ્વિંગર થતા દડા ખેલવા મુશ્કેલ બનતા.
નિયંત્રિત ઝડપ તથા બૉલની
દિશા અને ઝડપમાં પરિવર્તન કરવાની અસાધારણ કાબેલિયતે કપિલદેવને ભારતનો શ્રેષ્ઠ
ગોલંદાજ બનાવ્યો. મોજીલા સ્વભાવથી જોરદાર ફટકા લગાવવાની કુદરતી બક્ષિસ ધરાવતા
કપિલદેવની બૅટિંગ જોવા માટે ક્રિકેટચાહકોને આતુરતા રહેતી.
ઑક્ટોબર, ૧૯૭૮થી માર્ચ, ૧૯૯૪ સુધી કુલ ૧૩૧ ટેસ્ટ રમી ચૂકેલા કપિલદેવે એની કારકિર્દીમાં ૫૨૪૮ રન કર્યા અને ૪૩૪ વિકેટો ઝડપી. આ દરમિયાન સતત ૧૬ વર્ષ સુધી કપિલદેવે ઉત્કૃષ્ટ પૂર શારીરિક ફિટનેસ દાખવી. વિશ્વમાં ૪૦૦૦ રન ક૨ના૨ અને ૪૦૦ વિકેટ લેનાર કપિલદેવ એકમાત્ર ક્રિકેટર છે.
કપિલદેવે એની ૧૦૦મી વિકેટ ૨૧ વર્ષ અને ૨૫ દિવસે લીધી અને એ પછી બે દિવસ બાદ ૧૦૦૦
રન પૂરા કર્યા અને એ રીતે એ વિશ્વનો ૧૦૦ વિકેટ અને ૧૦૦૦ ટેસ્ટરન કરનારો સૌથી યુવાન
ખેલાડી (એક વર્ષ ને ૧૦૮ દિવસે) બન્યો. એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૨૫
મૅચોમાં ૨૫૩ વિકેટો ઝડપનારો કપિલદેવ ક્રિકેટજગતમાં બસો વિકેટો ઝડપનારો વિશ્વનો
સૌપ્રથમ ગોલંદાજ બન્યો.
૨૫ જૂન, ૧૯૮૩ ને શનિવારનો એ દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ ગણાય. આ દિવસે ક્રિકેટનું કાશી ગણાતા ઈંગ્લેન્ડમાં આવેલા લૉર્ડ્ઝના મેદાન પર ભારતે વિશ્વકપની અંતિમ સ્પર્ધામાં વેસ્ટ ઇન્ડિઝને ૪૧ ૨ને પરાજય આપીને યાદગાર વિજય મેળવ્યો. આમાં કપિલદેવના સુકાનીપદનો ઘણો મહત્ત્વનો ફાળો હતો. આના કારણે ક્રિકેટવિશ્વમાં ભારતને આગવી પ્રતિષ્ઠા મળી અને ભારતીય ક્રિકેટે એ પછી વધુ વિકાસ સાધ્યો.
૧૯૯૪ની ૮મી ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરાના ગુજરાત સ્ટેડિયમમાં શ્રીલંકાના ડાબોડી બૅટ્સમૅન હશાન તિલકરત્નેની વિકેટ લઈને કપિલદેવે સર રિચર્ડ હેડલીના ૪૩૧ ટેસ્ટવિકેટના વિશ્વવિક્રમને આંબીને ૪૩૨મી ટેસ્ટવિકેટ ઝડપી.
ગોલંદાજીમાં કપિલદેવે ૧૨,૮૬૭ રન આપીને ૨૭,૭૪૦ દડામાં ૧૩૧ ટેસ્ટમાં ૨૯.૬૪ રનની સરેરાશથી ૪૩૪ વિકેટો મેળવી. એક દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ ૨૩ વખત અને એક મૅચમાં દસ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ બે વખત મેળવી. કપિલદેવને અર્જુન ઍવૉર્ડ (૧૯૭૯–૮૦), ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ (૧૯૮૨) અને ‘પદ્મભૂષણ’ (૧૯૯૧), ‘વિસ્ડન ક્રિકેટર ઑવ્ ધ ઇયર' (૧૯૮૩) અને ‘વિસ્ડન ઇંડિયન ક્રિકેટ ઑવ્ ધ સેન્ચ્યુરી’ (૨૦૦૨) તેમ જ ૨૦૧૦માં આઇ.સી.સી. ક્રિકેટ રોલ ઑફ ફેઇમમાં કપિલદેવને સ્થાન મળ્યું.
નિવૃત્તિ પછી કપિલદેવે કોચિંગની કામગીરી બજાવી. હાલ
ગોલ્ફની રમતમાં રસ લેવા ઉપરાંત કપિલદેવે અંગ્રેજીમાં આત્મકથાના ત્રણ ગ્રંથો આપ્યા
છે : ‘ગૉડ્ઝ ડિક્રી’ (૧૯૮૫), ‘ક્રિકેટ માયૂ સ્ટાઇલ' (૧૯૮૭) અને ‘સ્ટ્રેઇટ ફ્રૉમ ધ
હાર્ટ’ (૨૦૦૪).
અમલા પરીખ
બાળ વિશ્વકોષ
downlod pdf click here
read કાકાસાહેબ કાલેલકર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment