કેશવરામ કાશીરામ શાસ્ત્રી
(જ. ૨૮ જુલાઈ, ૧૯૦૫, માંગરોળ, જિ. જૂનાગઢ; અ. ૯ સપ્ટેમ્બર, ૨૦૦૬, અમદાવાદ)
ગુજરાતના જાણીતા વિદ્વાન.
તેમણે સંશોધન-સંપાદન, વિવેચન, સર્જન, અનુવાદ જેવાં અનેક ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમની કુળની અટક ‘બાંભણિયા’. ‘ગર્ગ જોશી’, ‘ગાગ્ય’, ‘વિદુર’, ‘સાહિત્યવત્સલ’ એ તેમનાં ઉપનામો હતાં. તેમનો ઉછેર ચુસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું હતું. ૧૯૨૨માં મૅટ્રિક. દરમિયાન પિતાજી કાશીરામ પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન કર્યું. ૧૯૨૩માં માંગરોળ નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી માંગરોળની પિતાશ્રીની સંસ્કૃત પાઠશાળામાં ખંડ સમયના શાસ્ત્રી તરીકે અને કૉરોનેશનહાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે અગિયાર વર્ષ સુધી ઉચ્ચ વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતીના વિષયમાં અધ્યાપન કર્યું.
આ સમય દરમિયાન તેમની સંશોધકવૃત્તિ તેમને ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના અભ્યાસ તરફ ખેંચી ગઈ. તેમણે અનેક લેખો લખ્યા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૩૬ના જાન્યુઆરીમાં તેઓ અમદાવાદમાં સ્થિર થવા આવ્યા. ૧૯૩૭, એપ્રિલથી ગુજરાત વર્નાક્યુલ૨ સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માં સંશોધક તરીકે તેમની નિમણૂક થઈ. એ પછી તેમણે અનેક ગ્રંથો આપવા માંડ્યા. ૧૯૩૯થી અનુસ્નાતક-વર્ગમાં ગુજરાતી ક્ષેત્રે અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શીખવવા લાગ્યા. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટીએ એમને એમ.એ.ના વર્ગ લેવાની માન્યતા આપી. ૧૯૪૬થી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી. ૧૯૫૧થી ગુજરાત યુનિવર્સિટીમાં તેમની ચાલુ રહી. ૧૯૫૫માં ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ના માર્ગદર્શન માટે માન્યતા આપી.
એમના હાથ
નીચે ૧૫થી વધુ શિષ્યો પીએચ.ડી. થયા. વચ્ચે થોડો સમય તેમણે લા. દ. ભારતીય સંસ્કૃતિ
વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય કર્યું. તે પછી તેઓ ભો. જે. વિદ્યાભવન સાથે જીવનના
અંતિમ તબક્કા સુધી સંકળાયેલા રહ્યા. ૧૯૬૧થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ શાખાના
તેઓ માનાર્હ નિયામક હતા. તેઓ ‘અનુગ્રહ’ના તંત્રી હતા અને ‘પ્રજાબંધુ' સાથે
સંકળાયેલા હતા. ગુજરાત સાહિત્યસભાના પ્રારંભમાં મંત્રી, પછી ઉપપ્રમુખ અને છેલ્લે
ઘણાં વર્ષો સુધી પ્રમુખ રહેલા. વિશ્વ હિન્દુ પરિષદના તેઓ
પ્રદેશપ્રમુખ હતા.
એમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ સંસ્કૃત ગ્રંથોનાં સંપાદન અને અનુવાદથી થયો હતો; પણ તેમનું મહત્ત્વનું કાર્ય જૂની ગુજરાતીના ગ્રંથોના સંપાદનનું તથા ગુજરાતી હસ્તપ્રતોના આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનનું હતું. એમણે ગુજરાતી ભાષાવ્યાકરણ અને કોશના સંદર્ભમાં વિશેષ પ્રદાન કર્યું છે. ૨૫૦થી વધુ ગ્રંથો તેમની પાસેથી મળ્યા છે. તેમણે ૧,૦૦૦થી વધુ લેખો અને ૩૦૦થી વધુ સંશોધનમૂલક લેખો આપ્યા છે.
તેમની પાસેથી ‘સંશોધનને માર્ગે’ (૧૯૪૮), : એક અધ્યયન' (૧૯૫૮), ‘વસંતવિલાસ : એક અધ્યયન’ (૧૯૫૮), ‘ત્રણજ્યોતિર્ધરો : અખો, શામળ ને દયારામ’ (૧૯૭૩), ‘ભીમ અને કેશવદાસ’ (૧૯૮૧) વગેરે બારેક જેટલા વિવેચનગ્રંથો મળ્યા છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ-વિષયક દસેક પુસ્તકો મળ્યાં છે; દા.ત., ‘અક્ષર અને શબ્દ’ (૧૯૪૫), ‘ગુજરાતી રૂપરચના’ (૧૯૫૮), ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર' (૧૯૬૩), ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’ (૧૯૬૯) વગેરે. એમણે દસેક જેટલા કોશ આપ્યા છે. તેમાં ‘ગુજરાતી ભાષાનો લઘુકોશ’ (૧૯૫૦), ‘બૃહદ્ ગુજરાતી કોશ’ (ભાગ ૧-૨, ૧૯૭૧, ૧૯૮૧), વનૌષધિ કોશ' (૧૯૮૧) વગેરેનો સમાવેશ થાય છે. ‘ગુજરાતના સારસ્વતો' (૧૯૭૭) એ ગુજરાતસ્થિત સર્જકો વિશેનો કોશ છે.
તેમણે ‘કવિચરિત' (ભાગ ૧-૨, ૧૯૩૯,
૧૯૪૧), ‘આપણા કવિઓ' (ખંડ ૧, ૧૯૪૨) જેવા ગ્રંથોમાં મધ્યકાલીન ગુજરાતી કવિઓ વિશેની
ચરિત્રલક્ષી સ્વાધ્યાયસામગ્રી આપી છે. ‘શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજી' (૧૯૫૪) તેમનો
એક ઉલ્લેખનીય ચરિત્રગ્રંથ છે. ‘ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી’ (૧૯૩૮) તેમણે
તૈયાર કરેલો મહત્ત્વનો સંદર્ભગ્રંથ છે. ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશે પણ અનેક
લેખો-ગ્રંથો તેમણે આપ્યા છે.
એમનાં સંપાદનોમાં ‘પ્રબોધપ્રકાશ’
(૧૯૩૬), ‘હંસાઉલી’ (૧૯૪૫), ‘દલપતકાવ્ય-નવનીત' (૧૯૪૯), ‘નલાખ્યાન’ (૧૯૫૭),
‘રસિકવલ્લભ’(૧૯૬૧), નરસિંહ મહેતાનાં પદો' (૧૯૬૪) મુખ્ય છે. એમના મહત્ત્વના
અનુવાદોમાં ભારતીય ભાષાસમીક્ષા : ગુજરાતી ભાષા’ (૧૯૪૧), ‘સ્વરવ્યંજનપ્રક્રિયા'
(૧૯૪૪), ‘કાલિદાસનાં નાટકો' (૧૯૪૮), ‘મુદ્રારાક્ષસ' (૧૯૪૯), નાટકચક્ર' (ભાગ ૧,
૧૯૫૬), ‘જૂની પશ્ચિમી રાજસ્થાની’ (૧૯૬૪), ‘અમરકોશ’ (૧૯૭૫) અને ‘જયસંહિતા’ (૧૯૭૯)
ઉલ્લેખનીય છે. ‘ખાનદાન લોહી’(૧૯૮૧)માં એમણે સામાજિક નાટિકાઓ આપી છે.
ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધનક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન માટે ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ તરફથી ૧૯૫૨માં તેમને શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. તેમને અનેક પુરસ્કારો, ચંદ્રકો અને ઍવૉર્ડો મળેલા છે. છેલ્લે ૨૦૦૪માં લંડનની ગુજરાતી સાહિત્ય અકાદમી સંસ્થાએ એમને પ્લેટિનમ ઍવૉર્ડથી સન્માનિત કરેલા.
૧૯૬૬માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને હસ્તે તેમને વિદ્યાવાચસ્પતિ'ની પદવી અપાયેલી.
૧૯૭૬માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે તેમને ‘પદ્મશ્રી’નું
બહુમાન મળેલું. ૧૯૭૭માં પ્રયાગની ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય'ની પદવી
અપાયેલી. આ ઉપરાંત તેમને ‘ભાષાભાસ્કર’, ‘વેદવેદાંતચક્રવર્તી’, ‘ડૉક્ટર ઑવ્
લેટર્સ’, ‘શુદ્ધાદ્વૈતાલંકાર’, ‘ધર્મભાસ્ક૨’, ‘ભારત-ભારતીરત્ન’ આ અને ‘વાચસ્પતિ’
જેવી અનેક પદવીઓ આપવામાં આવેલી છે. આમ શાસ્ત્રીજી ગુજરાતના એક સંનિષ્ઠ
પુષ્ટિમાર્ગીય સારસ્વત હતા.
શ્રદ્ધા ત્રિવેદી
બાળ વિશ્વકોષ
download pdf click here
read કૃષ્ણકુમારસિંહ ગોહિલ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment