header

કૃષ્ણકુમારસિંહ ગોહિલ,Krishna Kumar Singh Gohil

 

કૃષ્ણકુમારસિંહ ગોહિલ



 

(જ. ૧૯ મે ૧૯૧૨, ભાવનગર; અ. ૨ એપ્રિલ, ૧૯૬૫)

 

ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી.

 

        તેઓ હંમેશાં પ્રજાપક્ષે રહી રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરતા. સારા વહીવટથી તેમણે પ્રજાનો પ્રેમ મેળવ્યો અને લોકપ્રિય બન્યા હતા. ભાવનગરના મહારાજા શ્રી ભાવસિંહ બીજાનું અવસાન થતાં કૃષ્ણકુમારસિંહ ગાદીએ આવ્યા. એક આદર્શ અને સદ્ગુણી રાજવી તરીકેની સંપૂર્ણ તાલીમ મળી રહે તે માટે રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ તેમની કેળવણી અંગે યોગ્ય વ્યવસ્થા કરી હતી.

 

        કૃષ્ણકુમારસિંહે ગાદી પર બેસતાંની સાથે જ અઘતન સભાગૃહ (ટાઉનહૉલ) પ્રજાને ભેટ આપ્યું. ખેડૂતો માટે ગ્રામસુધારણા ફંડ શરૂ કર્યું. ઋણરાહત યોજના પ્રમાણે ખેડૂતોનું લાખો રૂપિયાનું દેવું માફ કરાયું. દક્ષિણામૂર્તિને મળતું અનુદાન વધારીને રૂ. ૫,૦૦૦ કરાયું.

 

        ભાવનગર બંદરનો ઝડપી વિકાસ કરવા રૂવા નજીક નવાબંદર પર જેટી બંધાવી. અહીંથી જૂના બંદરે આવેલાં ગોદામો સુધી નવી રેલવેલાઇન તેમ જ ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામ શરૂ કરાવી. સર તખ્તસિંહજી હૉસ્પિટલના આગળના ભાગનો જીર્ણોદ્ધાર કરાવ્યો. હૉસ્પિટલ માટે અદ્યતન સાધનો વસાવ્યાં અને એ રીતે અનેક સુવિધાઓ ઊભી કરી.

        તેમણે હાલનું કૃષ્ણનગર આયોજનબદ્ધ રીતે વસાવ્યું. વીજળીકરણનો પ્રારંભ કરાવ્યો અને ડામરના રસ્તા કરાવ્યા. ૧૯૪૦માં હિંદના નિષ્ણાત ઇજનેર સ૨ વિશ્વેશ્વરૈયાની સલાહ લઈને ગૌરીશંકર સરોવરનો વિસ્તાર વધાર્યો. શિહોર પાસે ખોડિયાર તળાવનું બાંધકામ કરાવ્યું. શહેરમાં ભૂગર્ભ ગટરયોજના શરૂ કરી.

        કૃષ્ણકુમારસિંહ હિંદમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને બરાબર ઓળખી શક્યા હતા. તેમણે રાજ્યમાં બંધારણીય સુધારા આપવાની અને ધારાસભા સ્થાપવાની જાહેરાત કરી. અખિલ ભારતને એક રાષ્ટ્ર તરીકે જોવાના સ્વપ્નને સાકાર કરવાના સરદાર પટેલના મહાયજ્ઞમાં કૃષ્ણકુમારસિંહે ૧૫ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ જવાબદાર તંત્ર આપ્યું અને પોતાની સઘળી સંપત્તિ સાથે રાજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજીના ચરણોમાં ધરી દીધું. દેશી રાજ્યોના વિલીનીકરણમાં તેમણે પ્રથમ પુનિત આહુતિ આપી. યોગ્ય સમયના રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યપાલનથી ભાવનગરના આ મહારાજાનું નામ નૂતન ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે.

        આઝાદી બાદ તેઓ મદ્રાસ રાજ્ય(તમિળનાડુ)ના રાજ્યપાલ તરીકે નિમાયા અને માસિક એક રૂપિયાનું પ્રતીક માનદ વેતન સ્વીકાર્યું. પ્રજાસેવા, ત્યાગ, ન્યાયપ્રિયતા, દીર્ઘદર્શિતા તથા પ્રજાવત્સલતા માટે જેટલો પ્રજા-આદર તેમણે મેળવ્યો તેટલો દેશી રાજ્યોના સેંકડો વર્ષોના ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ રાજવીએ મેળવ્યો હશે.

 શુભ્રા દેસાઈ

બાળ વિશ્વકોષ 


download pdf click here


read  અત્યારે આરામ કેમ કરતા નથી ?



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ