જીવન પરિચય સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
પુણ્યશાળી પૂર્વજો
વેદાંત કેસરી સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તાના સિમુલિયા નામના પરામાં રહેતા સુપ્રસિદ્ધ દત્ત કુટુંબમાં થયો હતો. દાનવીર સ્વભાવ, સ્વતંત્ર મિજાજ, આધ્યાત્મિકતા અને વિદ્યાવ્યાસંગ માટે આ કુટુંબ પ્રખ્યાત હતું. ઉપરાંત કેટલીયે પેઢીઓથી એકઠી થયેલી પ્રતિષ્ઠા તો ખરી જ. - સ્વામીજીના પ્રપિતામહ એવા શ્રી રામમોહન દત્ત અંગ્રેજી સોલિસિટરના મેનેજિંગ કલાર્ક અને ભાગીદાર હતા.
શ્રી રામમોહન દત્તને બે પુત્રો હતા – દુર્ગાચરણ અને કાલીપ્રસાદ.
સર્વગુણસંપન્ન એવા દુર્ગાચરણ તે સ્વામીજીના પિતામહ. દુર્ગાચરણ ફારસી તેમજ
સંસ્કૃતમાં પારંગત હતા. સાથે સાથે કાયદાનું જ્ઞાન પણ એટલું જ તલસ્પર્શી હતું. નાની
ઉંમરે જ તેઓને પેઢીના ભાગીદાર બનાવવામાં આવ્યા. પરંતુ વિધિની ગતિ કંઈક અકળ જ હતી.
તેમની વૈરાગ્યવૃત્તિ એટલી પ્રબળ બની કે પુત્રજન્મ બાદ તરત જ તેમણે સંન્યાસ લીધો,
માત્ર પચીસ વર્ષની વયે !
દુર્ગાચરણના સંન્યાસી બન્યા પછી પુત્ર
વિશ્વનાથની સઘળી જવાબદારી માતા પર આવી પડી. નીડર અને ભક્તિ પરાયણ માતાએ તે બખૂબી
નિભાવી. કાશીના વીરેશ્વર મહાદેવમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. દુર્ગાચરણની
સંન્યસ્તવૃત્તિ પણ એવી જ દૃઢ. એક-બે વાર તેમના મિત્રો દ્વારા તેમને સંસારમાં
ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેઓ અડગ રહ્યા.
સમય જતાં વિશ્વનાથ મોટા થયા અને તેમણે
દત્તકુટુંબની વિદ્વતાની પ્રણાલિકાને જાળવી રાખી. અંગ્રેજી અને ફારસી ભાષા પર તેમની
હથોટી હતી. વકીલાત તેમનો વ્યવસાય. દુઃખી અને દલિત મનુષ્ય તરફ દયા, હૃદયની ઉદારતા
વગેરે ગુણોએ તેમના વ્યક્તિત્વને ઓર નિખાર્યુ. સંગીતમાં તેમને વિશેષ રુચિ હતી અને એમનો
કંઠ પણ સુમધુર હતો. સંગીતને તેઓ નિર્દોષ આનંદનું એક સાધન ગણતા. એમના જ ખાસ આગ્રહને
કારણે નરેન્દ્રને સંગીતનો અભ્યાસ કરાવવામાં આવ્યો. બાળકો સાથે કામ લેવાની
વિશ્વનાથની રીત ન્યારી હતી.
સોનામાં સુગંધ ભળે તેમ વિશ્વનાથને પણ
કુશાગ્ર બુદ્ધિવાળાં, અડગ શ્રદ્ધા, સામર્થ્ય અને શાંત પ્રકૃતિવાળાં ભુવનેશ્વરી
દેવી અર્ધાંગિનીના રૂપમાં મળ્યા. એ જાજરમાન, આર્યમહિલામાં વંશપરંપરાનો અમીરી
પ્રતાપ સહજપણે દેખાઈ આવતો. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોના નિત્યવાંચનને પરિણામે
પડેલા સંસ્કારો જ તેમનો મહામૂલો વારસો હતો. નરેન્દ્ર પણ આ જ વારસાનું પાન કરીને
નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા હતા.
આમ, ઈશ્વરની શોધમાં સંસારનો ત્યાગ
કરવાની વૃત્તિ તો વિવેકાનંદના લોહીમાં જ હતી. આ જ વૃત્તિને કારણે વિવેકાનંદે
જીવનસાગરનાં અનેક ટાપુઓ સર કર્યા હતા. કેવો ભવ્ય વારસો !!! સલામ છે એ પુણ્યશાળી
પૂર્વજોને.
read કપિલદેવ રામલાલ નિખંજ
downlod pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment