પુનઃ ભારતમાં પ્રયાણ...
સ્વામી વિવેકાનંદ,જીવન પરિચય,
સ્વામીજીનું ભારતમાં પુનઃ પ્રયાણ થયું ત્યારે ઈ.સ. ૧૯૦૦ નું વર્ષ લગભગ પૂરું થવા આવ્યું હતું. પહેલી વખતના પ્રવાસને અંતે સ્વામીજી ઉપર પશ્ચિમની જે છાપ પડી હતી તેનો રંગ આ બીજા પ્રવાસને અંતે ઊંડી ગયો હતો. એ વખતે એમણે ત્યાં શક્તિ, વ્યવસ્થા અને લોકશાહીનાં દર્શન કર્યા હતાં. પરંતુ આ વખતે તેમણે લોભ, સ્વાર્થવૃત્તિ તથા સત્તા અને હકોની પ્રાપ્તિ માટે ચાલતી સાઠમારી જોયાં.
આમ, યુરોપે એમને ધૃણા અને કંટાળો આપ્યાં. ત્યાં એમને યુદ્ધની
ગંધ આવી હતી. આ રીતે અત્યંત વિષાદ સાથે એમણે પશ્ચિમનો બીજો પ્રવાસ પૂરો કર્યો. શ્રીયુત
રોમાં રોલાંએ કહ્યું છે તેમ : ‘તેઓ પોતાને જાણે કે મહાપ્રસ્થાન માટે જ ભારતમાં પાછા
લાવ્યા હતા.’
ભારતમાં આવીને સ્વામીજીએ સૌ પ્રથમ મિસિસ સેવિયરને આશ્વાસન આપવા માટે માયાવતી અદ્વૈતાશ્રમમાં જવાનું નક્કી કર્યુ. મિસ્ટર સેવિયરના અવસાનના સમાચાર તેમને ભારત આવ્યા પછી જ મળ્યા હતા. મિસ્ટર સેવિયર તેમના પ્રિય શિષ્ય હતા. ઈ.સ. ૧૯૦૧ ની ત્રીજી જાન્યુઆરીએ સ્વામીજી શિવાનંદ અને સદાનંદની સાથે માયાવતી આવી પહોંચ્યા. ૧૮મી જાન્યુઆરી સુધી તેઓ માયાવતીમાં રહ્યા.
દુર્ભાગ્યે હિમવર્ષા
એટલી બધી હતી કે સ્વામીજીને અનિચ્છાએ આશ્રમમાં લગભગ ગોંધાઈ રહેવું પડ્યું અને આસપાસના
વિસ્તારોમાં ખૂબ ફરવાનો એમનો શોખ અટકી પડ્યો. દમના હળવા હુમલાઓ પણ હવે આવી રહ્યા હતા.
માયાવતીમાં સ્વામીજીએ ‘પ્રબુદ્ધ ભારત' માટે નિબંધો લખવાની પ્રવૃત્તિ પણ કરી. હવે પહાડો
છોડીને મેદાનોમાં પાછા જવા સ્વામીજી અધીરા બન્યા. અંતે ઈ.સ. ૧૯૦૧ ના જાન્યુઆરીની ૨૪મી
તારીખે સ્વામીજી બેલુર મઠમાં આવી પહોંચ્યા.
સ્વામીજીના પશ્ચિમમાંથી આગમનને હજુ બે માસ પણ પૂરા નહોતા થયા, ત્યાં જ ઢાકા અને પૂર્વ બંગાળમાંથી તેમને આગ્રહભર્યા આમંત્રણો આવવા લાગ્યા. એમને પાછાં ઠેલી શકાય એમ પણ ન હતું. આથી માર્ચની ૧૮મી તારીખે પોતાના સંન્યાસી શિષ્યોના મોટા સમુદાય સાથે સ્વામીજીએ કલકત્તા છોડ્યું અને બીજે દિવસે ઢાકા આવી પહોંચ્યા. ઢાકામાં એમણે બે સુંદર પ્રવચનો કર્યા.
ઢાકાથી તેઓ ચંદ્રનાથ અને કામાખ્યા નામનાં પ્રખ્યાત ધામોની યાત્રાએ ગયા. ત્યાંથી તેમણે શિલોંગની સૂકી હવા લેવા માટે ત્યાં જવાનું નક્કી કર્યુ. શિલોંગમાં સ્વામીજીએ ત્યાંના અંગ્રેજ અમલદારો અને ભારતીય નાગરિકો સમક્ષ એક સુંદર વ્યાખ્યાન આપ્યું. આ દરમિયાન સ્વામીજીને મધુપ્રમેહનો રોગ પીડી રહ્યો હતો. ઉપરાંત ઢાકામાં એમના ઉપર દમના રોગનો બીજીવાર સતત હુમલો થયો હતો.
દમના હુમલા
વખતે સ્વામીજીના સ્વગત અર્ધસ્વપ્નાવસ્થામાં બોલ્યા હતા કે ‘શો વાંધો છે ? મેં પંદરસો
વર્ષ સુધી ચાલે એટલી સામગ્રી આપી છે !' મે માસના બીજા અઠવાડિયામાં સ્વામીજી બેલુર મઠમાં
પાછા ફર્યા. પૂર્વ બંગાળ અને આસામનો પ્રવાસ સ્વામીજીનો છેલ્લો પ્રવાસ હતો. ત્યારપછી
એમની તબિયત વધુ બગડવા લાગી. પૂર્વ બંગાળથી પાછા ફર્યા બાદ તેમણે જાહેર પ્રવૃત્તિઓ છોડી
દીધી હતી. એમણે અનેક નાનાં પ્રાણીઓ પાળવા માંડ્યા હતા. એમને સામાન્ય જળોદર વિશેષ પીડા
આપી રહ્યો હતો. પગે સોજો ચડ્યો હતો, એટલે હલનચલન કરવાનું મુશ્કેલ બન્યું હતું. આમ છતાં
પણ તેઓ અંતઃકરણની પ્રસન્નતા જાળવી રાખતા. ઈ.સ. ૧૯૦૧ ના જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન સ્વામીજીએ
બની શકે એટલો આરામ લીધો. પરિણામે સપ્ટેમ્બરમાં એમની તબિયત કંઈક સુધરી.
એ દરમિયાન જ સ્વામીજીએ
દુર્ગાપૂજાનો ઉત્સવ ઊજવવાનું નક્કી કર્યું . સમગ્ર પૂજામાં અગત્યનું સ્થાન ધરાવતી
‘સંધિપૂજા’ વખતે માંડ માંડ ચાલીને પણ તેઓ આવી પહોંચ્યા
અને પુષ્પોના ત્રણ અર્ધ્ય આપ્યા. ઉપરાંત, રાત્રે કેટલાંક ભજનો પણ ગાયાં. આ જ સાલમાં
સ્વામીજીએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લક્ષ્મીપૂજા અને કાલીપૂજા કરાવી હતી.
downlod pdf click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment