header

દલપતરામ, Dalpatram

 

દલપતરામ

(જ. ૨૧ જાન્યુઆરી ૧૮૨૦, વઢવાણ; અ. ૨૫ માર્ચ ૧૮૯૮, અમદાવાદ)

 અર્વાચીન ગુજરાતી સાહિત્યના સુધારાયુગના પ્રથમ મહત્ત્વના કવિ, નિબંધકાર અને નાટ્યકાર. -

 

 


                    પિતા ડાહ્યાભાઈ ત્રવાડી. માતાનું નામ અમૃતબા. પિતાનો વ્યવસાય કર્મકાંડનો. તેથી ‘ડાહ્યા વેદિયા' તરીકે જાણીતા. આઠ વર્ષના દલપતરામને પિતાએ છાણ-માટી લીંપેલા પાટલા પર દેવનાગરી મૂળાક્ષરો શીખવેલા. નવ વર્ષની વયે તેમને માવજી પંડ્યાની ધૂળી નિશાળે મૂક્યા. ત્યાં બે-અઢી વર્ષના ગાળામાં કક્કો, આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા. પિતા તેમને વેદપાઠી પંડિત બનાવવા માગ । હતા. પરિસ્થિતિવશાત્ માતા અમૃતબા પોતાનાં સંતાનોને લઈ પિતાને ત્યાં ગયેલાં. એથી દલપતરામનો ઉછેર મોસાળમાં થયેલો. 


                    આઠ વર્ષની વયે તેઓ મામા પ્રેમાનંદની સાથે ગઢડા ગયા. ત્યાં તેમને સ્વામી સહજાનંદનાં દર્શન થયાં. તેની તેમના મન ઉપર ગાઢી અસર પડી. ૧૮૩૪માં તેઓ મૂળી ગામે ભરાયેલ સમૈયામાં ગયા અને ત્યાં સ્વામીનારાયણના પંચવર્તમાનની દીક્ષા લીધી. આ ઘટના પછી પિતાએ સંન્યાસ લઈ લીધો.


                    દલપતરામને બાળપણથી કવિતા કરવાનો રસ હતો. વૃદ્ધ સ્ત્રીઓ શેરીનાં બાળકોને વાર્તાઓ કહે, છોકરાંઓ વાર્તા સાંભળે ને પછી એકબીજાને ઉખાણાં પૂછે. દલપતરામ આવાં ઉખાણાંના જવાબ આપે; એટલું જ નહીં, નવાં ઉખાણાં બનાવી પણ દે. આ પ્રકારનાં જોડકણાં ‘હડૂલા’ કહેવાતાં. રચનાઓમાં અંત્યાનુપ્રાસ સરસ રીતે સચવાય; દા.ત., ‘તોપમાં તો ગોળો જોઈએ; બંદૂકમાં હોય ગોળી; ભોજો ભગત તો એમ ભણે જે ફાગણ મહિને હોળી.' આ

 

                    સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગને પ્રતાપે તેમનામાં નમ્રતા, નિખાલસતા અને ચારિત્ર્યશુદ્ધિ આવેલી. તેથી ‘સૌનો સાળો સૌનો સસરો, છે દ્વિજ દલપતરામ' એમ તેમણે પોતાની ઓળખ આપેલી !

 

                    આ સત્સંગે તેમને ધર્મદીક્ષા સાથે કાવ્યદીક્ષા પણ આપી. ૧૮૩૪થી ૧૮૪૧ દરમિયાન કકડે કકડે તેઓ મૂળીમાં રહ્યા. ત્યાં સ્વામી દેવાનંદ પાસે છંદઃશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ભાષાનો અભ્યાસ કર્યો. તે પરથી તેમણે ‘જ્ઞાનચાતુરી’ અને ‘વ્રજચાતુરી’  નામના ગ્રંથો વ્રજભાષામાં લખ્યા. ૧૮૪૫માં જન્માષ્ટમીના સમૈયામાં તેમણે ‘કવિ કુસુમ’ તરીકે જાણીતા ફૂલજી ગઢવીને શીઘ્ર કાવ્ય-રચનાની સ્પર્ધામાં હરાવ્યા. ૧૯૪૭માં અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પૂરો કરીને તેઓ વઢવાણ ગયા.


                    એ જ વર્ષમાં ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે નિમાયા. તેમને ગુજરાતી ભાષાસાહિત્ય શીખવનારની જરૂર હતી. ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામે ‘ફાર્બસસાહેબ’ના શિક્ષક અને સાથી તરીકેની નિયુક્તિ સ્વીકારી. પછી ફાર્બસની પ્રેરણાથી જ દલપતરામે વ્રજ છોડીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું.

 

                    ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરીને દલપતરામે ફાર્બસને ‘રાસમાળા’ તૈયાર કરવામાં મદદ કરી. ૧૮૪૮ના ડિસેમ્બરમાં ફાર્બસે દલપતરામની સહાયથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'(હાલની ‘ગુજરાત વિદ્યાસભા')ની સ્થાપના કરી. ૧૮૫૮માં ‘હોપ વાચનમાળા'ની પુસ્તિકાઓ તૈયા૨ ક૨વામાં સરકારને મદદ કરી. ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થિતિ બગડતાં દલપતરામે સાદરાની સરકારી નોકરી તજીને સોસાયટીનું મંત્રીપદ લીધું. 


                    વિદ્યાસભાના કાર્યને વિકસાવવા તેમણે પ્રયત્નો કર્યા. તેમણે ‘રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' કહી વડોદરાના રાજા ખંડેરાવ ગાયકવાડને મળ્યા. પરિણામે વડોદરા રાજ્યમાં મરાઠીના સ્થાને ગુજરાતી રાજભાષા તરીકે સ્વીકારાઈ અને નિશાળો તથા પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર થયો. દલપતરામના પ્રયત્નથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થિતિ સધ્ધર થવા સાથે ગુજરાત-સૌરાષ્ટ્રમાં શિક્ષણકાર્યની પ્રવૃત્તિને વેગ મળ્યો. 


                    તેમની આ સંસ્કારસેવા બદલ રાણી વિક્ટોરિયા તરફથી સી.આઇ.ઈ.(કમ્પેનિયન ઑવ્ ઇન્ડિયન એમ્પાયર)નો ઇલકાબ મળ્યો. ફાર્બસે તેમને ‘કવીશ્વર’નું બિરુદ આપ્યું. આમ દલપતરામે સૌનાં દિલ જીતી લીધાં. તેમને પ્રજાનો પ્રેમ પણ ખૂબ મળ્યો. ઈ. સ. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી તેમણે  નિવૃત્તિ લીધેલી, ત્યારે બાર હજારની થેલી તેમને અર્પણ કરવામાં આવેલી.

 

                    તેમની કવિતામાં શામળની વાર્તાઓના સંસ્કારને કારણે શબ્દ અને અર્થની ચાતુરી સવિશેષ છે. વળી સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે નીતિબોધકતા પણ તેમની કવિતાનું મહત્ત્વનું લક્ષણ બની રહેલ છે. ફાર્બસસાહેબની પ્રેરણાથી ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું, પણ તેમની શૈલી તો વ્રજભાષાની જ રહી. ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં. દલપતરામે પાણીદાર મોતી જેવાં સંખ્યાબંધ મુક્તકો આપ્યાં છે. તેમાં સત્યનું દર્શન બહુ માર્મિકતાથી કરાવ્યું છે.


                    તેમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દૃષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, સભારંજની અને લોકપ્રિય છે. શબ્દોની ચતુરાઈભરી રમત તેમની કવિતાનું વિશિષ્ટ લક્ષણ છે. તેમણે કવિતામાં ચિત્રપ્રબંધોવાળી અનેક રચનાઓ આપી છે. તેમના વિપુલ કાવ્યસર્જનમાં ગરબી-પદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓ મળે છે. ‘વેનચરિત્ર’ ‘સુધારાનું પુરાણ' કહેવાય છે. 


                    જાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દૃષ્ટાંતો આપી વક્તવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. ‘હિંદુસ્તાન ઉપર હુન્નરખાનની ચઢાઈ’માં યંત્ર-ઉદ્યોગને રાષ્ટ્રવિકાસ માટે આવકાર્યો છે. તેથી ‘હુન્નરખાનની ચઢાઈ’ એ અર્વાચીન ગુજરાતીનું પહેલું દેશભક્તિનું કાવ્ય છે. ‘જાદવાસ્થળી’માં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની વાત છે. ‘સંપલક્ષ્મીસંવાદ’માં ધનની નહીં પણ એકતાની મહત્તા રજૂ થઈ છે. તેમની પાસેથી બીજી પણ અનેક કૃતિઓ મળી છે.


                    ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ' અને ‘વિજયવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. ‘વિજયવિનોદ’માં તેમણે વિપુલ પ્રમાણમાં શ્લેષનો ઉપયોગ કર્યો છે. ઉદા.ત., એક રાજાનો કારભારી ખૂબ અંધેર ચલાવતો હતો. તે અંગે કોઈ રાજાને ફરિયાદ કરતું નહીં. ત્યારે રાજકવિએ કહ્યું : ‘જોતાં કોઈ જણાય નહીં શાહુકાર કે ચોર, દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર.’ – રાજાએ કવિને પૂછ્યું તો કવિએ અર્થ ફે૨વીને કહ્યું : ‘પરદેશી ગૃહસ્થો અહીં આવ્યા હતા, તેમને રાજદરબાર બતાવવા રાત્રે હું આવ્યો હતો, પણ દરબારમાં દીવા નહોતા એટલે ચોર કે શાહુકાર કોઈને જોઈ શકાતું નહોતું.’ ‘હિરલીલામૃત’(ભાગ ૧-૨)માં સહજાનંદ સ્વામીના જીવનકાર્યની મહત્તા રજૂ થઈ છે. 


                        તો ‘તખ્તવિલાસ’માં (ભાગ ૧-૨) ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રશસ્તિ છે; પરંતુ દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાવહ કૃતિ ‘ફાર્બસવિરહ’ છે. આમાં દલપતરામે મિત્ર ફાર્બસના મૃત્યુથી થયેલ આઘાતની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાતી સાહિત્યનું આ પ્રથમ કરુણપ્રશસ્તિકાવ્ય છે. દલપતરામ પાસેથી અનેક વિષયો પર પદ-ગરબી કે છંદોબદ્ધ કાવ્યો મળ્યાં છે. તેમણે સ્થાનવર્ણનનાં અને ઋતુવર્ણનનાં સુંદર કાવ્યો આપ્યાં છે, તેમાં પ્રકૃતિવર્ણનની સાથે જનજીવનને પણ વણી લીધું છે. ગુજરાતી કવિતાને સમાજાભિમુખ કરવાનો અને તેમાં અક્ષરમેળ છંદોને રૂડી રીતે પ્રથમ વખત પ્રયોજવાનો યશ દલપતરામને ફાળે જાય છે.


                    દલપતરામનું ગદ્યસર્જન પણ ઉલ્લેખનીય છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફેનિસના ‘પ્લૂટસ' પરથી તેમણે ‘લક્ષ્મી’ નામનું રૂપાંતરિત નાટક આપ્યું છે. જોકે એમનું ચિરંજીવ નાટક છે ‘મિથ્યાભિમાન' Asus (૧૮૭૦). આ નાટકના મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટ નિમિત્તે મિથ્યાભિમાનીની કેવી દુર્દશા થાય છે તે દર્શાવ્યું છે. આ એક લાંબું કરુણાંત પણ હાસ્યપ્રધાન નાટક છે. ૧૯૫૩માં ગુજરાત વિદ્યાસભાના નટમંડળે રંગભૂમિ પર આ નાટકનો સફળ પ્રયોગ કરી બતાવ્યો હતો. આ ઉપરાંત ‘સ્ત્રીસંભાષણ’, ‘તાર્કિકબોધ’, ‘દૈવજ્ઞદર્પણ’ વગેરે તેમની અન્ય ગદ્ય-કૃતિઓ છે.

 

                    તેમની પાસેથી ‘ભૂતનિબંધ’, ‘જ્ઞાતિનિબંધ’, ‘શહેરસુધરાઈનો નિબંધ’ જેવા કેટલાક નિબંધો મળ્યા છે. આમાં ‘ભૂતનિબંધ' એ દલપતરામનો પહેલો વર્ગના ખેડૂત હતા. તેમનું કુટુંબ ગરીબીમાં જીવતું હતું.  ગદ્યલેખ. ૧૮૫૦માં તે પુસ્તિકા રૂપે પ્રગટ થયો હતો.

 

                     ‘ગુજરાતી પિંગળ/દલપત પિંગળ' અને ‘અલંકારાદર્શ’ એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. ‘વિઘાબોધ’, ‘કાવ્યદોહન’ (ભાગ ૧,, કહેવતોનો સંગ્રહ ‘કથનસપ્તશતી’, ‘શામળ ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’, ‘રત્નમાળ' વગેરે એમનાં સંપાદનો છે. ‘પ્રવીણસાગર’ એમણે કરેલું ભાષાંતર છે. ‘શ્રવણાખ્યાન’, ‘જ્ઞાનચાતુરી’ વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે.

 

                    દલપતરામની કવિતા બોધપ્રધાન છતાં કંટાળો આપતી નથી. તેનું મુખ્ય કારણ તેમાં સતત વહેતો હાસ્યરસ છે. હાસ્યકવિ તરીકે દલપતરામનું સ્થાન અર્વારીન સાહિત્યમાં અજોડ છે. હાસ્યરસની માફક બાળકાવ્યોના સર્જક તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન ઘણું ઊંચું છે. 


                    બાળકોની ઊઘડતી બુદ્ધિ અને સ્મરણશક્તિને ખીલવે અને મનોરંજન સાથે નિર્મળ સંસ્કારબોધ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામનાં જેટલાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. ‘હોપવાચનમાળા' માટે આ પ્રકારનાં કાવ્યો રચીને તેમણે ગુજરાતની અનેક પેઢીઓનું રમતાં રમતાં સંસ્કારઘડતર કર્યું છે. તેમની કવિતામાં જૂના-નવાનો અદ્ભુત મેળ જોવા મળે છે. ‘ભાદરવાનો ભીંડો’, ‘ઊંટ કહે...’, ‘નમેલી ડોશી’ વગેરે તેમની જાણીતી રચનાઓ છે.

 

                    શાંત, સરળ, વિનોદી, સૌમ્ય પ્રકૃતિના સજ્જન દલપતરામને પોતાના કવિપદના ગૌરવનો પૂરો ખ્યાલ હતો. એક બાજુ તેમને ‘ગરબીભટ્ટ’ કહેવામાં આવ્યા તો બીજી બાજુ તેમના જમાનામાં ‘કવીશ્વર’ તરીકે પણ તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું તે ઉલ્લેખવું રહ્યું.




read દર્શક, મનુભાઈ રાજારામ પંચોળી. Spectator, Manubhai Rajaram Pancholi.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ