દર્શક
મનુભાઈ રાજારામ પંચોળી.
(જ. ૨ નવેમ્બર ૧૯૧૪, પંચાશિયા, જિ. સુરેન્દ્રનગર; અ. ૨૯ ઑગસ્ટ ૨૦૦૧, અમદાવાદ)
અગ્રગણ્ય કેળવણીકાર, ચિંતક, ગુજરાતી સાહિત્યના સમર્થ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને વિવેચક.
પૂરું નામ મનુભાઈ રાજારામ પંચોળી. મૂળ વતન વઢવાણ. પિતા પ્રાથમિક શાળાના શિક્ષક. દર્શકે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે તીથવા, લૂણસર અને વાંકાનેરમાં લીધેલું. ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા સારુ શાળાનો અભ્યાસ ધોરણ નવ પછી છોડ્યો. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય થતાં સાબરમતી, વિસાપુર અને નાસિકમાં જેલવાસ ભોગવ્યો. સૈનિક છાવણીમાં તાલીમ દરમિયાન નાનાભાઈ ભટ્ટ સાથે પરિચય થયો. ૧૯૩૨ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ બન્યા૧૯૩૮માં નાનાભાઈએ આંબલા ગામે સ્થાપેલી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગૃહપતિ અને શિક્ષક બન્યા.
૧૯૫૩માં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરાની સ્થાપના કરી અને
તેનું સંચાલન સંભાળ્યું. આ સમય દરમિયાન ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર
પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન, ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગૂજરાત વિધાનસભાના સભ્ય અને ૧૯૭૦માં
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી થયેલા. તેમને ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો
હતો. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. ૧૯૯૨થી કેટલોક સમય ગુજરાત
સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે રહેલા. તેમણે ડેન્માર્ક, ઇઝરાયલઇંગ્લૅન્ડ, યુરોપ તથા
અમેરિકાનો પ્રવાસ કરેલો.
દર્શક બહુમુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હતા. તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ગાંધીજી, સ્વામી આનંદ, નાનાભાઈ, રવિશંકર મહારાજ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા વગેરે મહાનુભાવોનો મહત્ત્વનો ફાળો રહેલો. ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના પ્રિય વિષયો અને અભ્યાસનાં ક્ષેત્રો હતાં. આ ઉપરાંત ધર્મ-તત્ત્વજ્ઞાન, રાજકારણ, સમાજ વગેરે પણ તેમના રસનાં ક્ષેત્રો હતાં.
દર્શક એક સર્જક હોવા ઉપરાંત ચિંતક, જાગૃત સમાજપ્રહરી, કલ્પનાશીલ કેળવણીકાર,
નિઃસ્પૃહી રાજકારણી અને પીઢ લોકનેતા પણ હતા. દર્શકના વ્યક્તિત્વમાં ચિંતન અને
સર્જન – એ બંને તત્ત્વોનો સુંદર સુમેળ હતો. શિક્ષણ અને સમાજસેવાના કાર્યમાંથી
બચેલા સમયનો ઉપયોગ તેઓ સાહિત્યસર્જનમાં કરતા હતા.
દર્શક એક મોટા ગજાના નવલકથાકાર ગણાય છે. તેમની પાસેથી અનેક નવલકથાઓ મળી છે ‘બંદીઘર’ (૧૯૩૬) તેમની પ્રથમ નવલકથા. તેમાં તેમના જેલજીવનના અનુભવોનું આલેખન છે. ‘પ્રેમ અને પૂજા’, ‘બંધન અને મુક્તિ’, ‘દીપનિર્વાણ' તેમની અન્ય નોંધપાત્ર નવલકથાઓ છે. તેમાં ‘દીપનિર્વાણ’નું વસ્તુ પ્રાચીન ભારતના ઇતિહાસમાંથી લીધું છે. આ નવલકથામાં શૂરવીર આનંદ, શિલ્પી સુદત્ત અને સુંદર સુચરિતા વચ્ચે રચાતા પ્રણયત્રિકોણની કથા છે. આ કૃતિમાં મહાકાશ્યપનું પાત્ર સર્વશ્રેષ્ઠ છે. દર્શકને ખ્યાતિ મળી ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' (ભાગ : ૧-૩) અને ‘સૉક્રેટિસ’થી. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'નો કથાપટ આંતરરાષ્ટ્રીય ફલક સુધી વિસ્તરેલો છે. એમાં ગોપાળબાપા, સત્યકામ અને રોહિણીના નિમિત્તે બૌદ્ધ ધર્મે ચીંધેલી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની વાત પણ લેખકે રજૂ કરી છે. આ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠનો ‘મૂર્તિદેવી પુરસ્કાર’ ૧૯૮૭માં મળ્યો હતો. ‘સૉક્રેટિસ’માં તેમણે પ્રાચીન ગ્રીસ અને સૉક્રેટિસને લગતા ઇતિહાસનો અભ્યાસ કરીને તેના પાત્રને જીવંત રૂપે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
દર્શકે સૉક્રેટિસના
નિમિત્તે ગાંધીજીની વાત પણ મૂકી છે. આ તેમની એક મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથા
છે. આ નવલકથાને સાહિત્ય અકાદમીનું ૧૯૭૫નું રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયેલું.
૧૯૯૧માં મળેલ ‘કુરુક્ષેત્ર’માં કૃષ્ણના માનવીય રૂપનું દર્શન કરાવ્યું છે. આ
નવલકથાને ૧૯૯૭નું ‘સરસ્વતી સન્માન’ પ્રાપ્ત થયું હતું.
દર્શકે લેખનનો પ્રારંભ નાટકથી કરેલો. ૧૯૩૪માં તેમની પાસેથી ‘જલિયાંવાલા’ નાટક મળેલું. તેમાં
રાષ્ટ્રભક્તિને સંકોરતી સામૂહિક શહાદતનું વર્ણન છે. અઢારસો સત્તાવન’(૧૯૩૫)માં
બળવાની વાત આલેખાઈ છે. ‘પરિત્રાણ’ (૧૯૬૭) – એ મહાભારત પર આધારિત ત્રિઅંકી
નાટ્યરચના છે. તેમાં દુર્યોધન અને યુધિષ્ઠિરના નિમિત્તે બે જીવનશૈલીની વાત રજૂ થઈ
છે. તેમની પાસેથી હિટલરના આત્મહત્યા પૂર્વેના દિવસોનું નિરૂપણ કરતું ‘અંતિમ
અધ્યાય', માતૃવાત્સલ્ય સામે હારી જતી વેરભાવનાને આલેખતું ‘હેલન’ અને રાજકીય
પ્રપંચોની પાસે માનવતાનો મહિમા કરતું ‘સોદો’ – એ ત્રણ એકાંકીઓ મળ્યાં છે. ૧૯૯૫માં
મળતા ‘ગૃહારણ્ય’ એકાંકીસંગ્રહમાં ટૉલ્સ્ટૉય, સૉક્રેટિસ અને દ્રૌપદી જેવી પ્રસિદ્ધ
વ્યક્તિઓના જીવનની વિશિષ્ટ ક્ષણોને આલેખવામાં આવી છે.
વાગીશ્વરીનાં કર્ણફૂલો’ અને
‘મંદારમાલા’ તેમના વિવેચનસંગ્રહો છે. આ ઉપરાંત ‘ભેદની ભીંત્યુંને આજ
મારે ભાંગવી’, ‘મારી વાચનકથા’ જેવી રચનાઓ પણ તેમણે આપી છે. ઇતિહાસ તેમનો પ્રિય
વિષય હોઈ તેનું લેખન કેવી રીતે કરવું તે અંગેનું નિદર્શન તેમણે ‘ગ્રીસ’ (ભાગ ૧-૨),
‘રોમ’ જેવી ઇતિહાસકથાઓ દ્વારા પૂરું પાડ્યું છે. ‘મંગલકથાઓ', ‘માનવકુળકથાઓ’, ‘આપણો
વારસો અને વૈભવ એ ઇતિહાસ તથા સંસ્કૃતિના આધારે લખાયેલી કૃતિઓ છે. ‘આપણો વારસો અને
વૈભવ'માં વેદકાળથી ઈસવી સનના સાતમા સૈકા સુધીના જીવનદર્શનનું નિરૂપણ છે. ‘ઇતિહાસ
અને કેળવણી’ તેમનો ઇતિહાસશિક્ષણને લગતો ગ્રંથ છે. આ ઉપરાંત પણ અન્ય અનેક પુસ્તકો
તેમની પાસેથી મળ્યાં છે, જેમાં તેમણે લોકશાહી શાસનપદ્ધતિ વગેરેની ચર્ચાઓ કરી છે.
દર્શક ગાંધીચીંધ્યા રચનાત્મક
કાર્યક્રમો દ્વારા જીવન અને કેળવણીને સાથે રાખી, ગ્રામાભિમુખ કેળવણીનું મજબૂત
કાર્ય કર્યું. આ સંદર્ભમાં ‘નઈ તાલીમ અને નવવિધાન’, ‘પાયાની કેળવણી’ તથા ‘સર્વોદય
અને શિક્ષણ’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે.
‘સૉક્રેટિસ’, ‘ત્રિવેણીતીર્થ’, ‘ભગવાન
બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ’, ‘નાનાભાઈ’, ‘ટૉલ્સ્ટૉય' અને ‘સદ્ધિઃ સંગઃ’ – એ તેમના
ચરિત્રાત્મક ગ્રંથો છે. તેમની પાસેથી ધર્મમીમાંસાને લગતાં ‘ધર્મચક્રપ્રવર્તન’,
‘અમૃતવલ્લરી’, ‘મહાભારતનો મર્મ’, ‘રામાયણનો મર્મ' જેવાં પુસ્તકો પણ મળ્યાં છે.
દર્શકે અનેક પ્રવાસો કરેલા. આ વિવિધ
સ્થળોની અને ત્યાં મળેલ અનેક વ્યક્તિઓ વિશેની વાતો તેમણે પત્ર રૂપે પોતાનાં
સ્વજનોને લખેલી. આ સંદર્ભમાં ‘ચેતોવિસ્તારની યાત્રા' (૧૯૮૭) અને ‘પત્રતીર્થ’
(૧૯૯૦) પુસ્તકો ઉલ્લેખનીય છે. ‘ચેતોવિસ્તારની યાત્રા'માં દર્શકની એમનાં શિષ્યા
મૃદુલા મહેતા સાથેની વિચારગોષ્ઠિ પત્ર રૂપે રજૂ થઈ છે. ‘દેશવિદેશ’માં એમની
પ્રવાસયાત્રા પત્ર, નિબંધ ને ડાયરી રૂપે વર્ણવાઈ છે.
હજારો ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને
ઉદાત્ત કરે તેવું સાહિત્ય સર્જાવું જોઈએ એવું દર્શકનું માનવું છે. તેથી એમની
નવલકથાઓ તથા અન્ય લખાણોમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો રણકો બળવાન રીતે
સંભળાય છે. તેમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. ગાંધી તેમજ
અનુગાંધીયુગના એક સમર્થ કથાસર્જક તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.
read દયાનંદ સરસ્વતી,Dayanand Saraswati
0 ટિપ્પણીઓ
Please do not share links in comment