દયાનંદ સરસ્વતી
(જ. ૧૮૨૫, ટંકારા, જિ. રાજકોટ; અ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૩, અજમેર)
વેદોના ગાઢ અભ્યાસી, પ્રખર દેશભક્ત, પ્રભાવક વક્તા, સમાજસુધારક અને આર્યસમાજના સંસ્થાપક,
તેમનું મૂળ નામ મૂળશંક૨. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટંકારા ગામમાં એક શૈવપંથી બ્રાહ્મણને ત્યાં થયો હતો. પિતાનું નામ અંબાશંકર. તેર વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ અને શબ્દરૂપાવલીનો અને શુક્લ યજુર્વેદનો અભ્યાસ કર્યો. ૧૪ વર્ષની વયે શિવરાત્રિના તહેવારના દિવસે અન્ય બ્રાહ્મણોની સાથે ઉપવાસ કરી તેઓ મહાદેવના મંદિરમાં જપ-તપ કરતા હતા.
તે દિવસે રાત્રે બધા સૂઈ ગયા, પણ મૂળશંકર જાગતા બેસી રહ્યા. તેમણે જોયું
કે શિવલિંગ પર ઉંદરો દોડાદોડી કરતા હતા. આ જોઈ તેમનું મન વિચારે ચઢી ગયું : ‘આ
મૂર્તિ શું મહાદેવ છે ? ભગવાન પોતાના પરથી દોડતા ઉંદર દૂર કરી શકતા નથી !' આ જોઈને
તેઓ મૂર્તિપૂજાના સખત વિરોધી થઈ ગયા. તે જ રાતે તેઓ ઘેર ગયા અને ઉપવાસ તોડી
ખાઈપીને સૂઈ ગયા.
હવે મૂળશંકરના મનમાં વિચાર આવવા લાગ્યો
કે ઈશ્વર કોઈ મૂર્તિમાં નથી તો ક્યાં હશે ? કેવા હશે ? અને એ જ્ઞાન મેળવવાની તેમને
તાલાવેલી લાગી. તે માટે પિતાની આજ્ઞા માગી અને કાશી ભણવા જવાની ઇચ્છા દર્શાવી.
પિતાએ એમની વાત સાંભળી નહીં અને મૂળશંકરને ઝટ પરણાવી દેવાની પેરવી કરવા લાગ્યા.
પરણવાની વાત તો મૂળશંકરને જરા પણ મંજૂર
ન હતી; તેથી એક રાતે તેઓ ઘર છોડી ચાલ્યા ગયા. તેમણે સાયલા ગામે આજીવન
બ્રહ્મચર્યવ્રત પાલન કરવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદ નર્મદા નદીને કિનારે ચાંદોદ પાસે
વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ ૧૮૪૫માં તેમણે તેમની પાસે સંન્યાસની
દીક્ષા લીધી અને ‘દયાનંદ સરસ્વતી’ નામ ધારણ કર્યું. તેમણે ભારતભરનાં મહત્ત્વનાં
તીર્થોની મુલાકાત લીધી. ૩૬ વર્ષની વયે તેઓ મથુરામાં ૮૦ વર્ષના પ્રજ્ઞાચક્ષુ
પ્રકાંડ પંડિત સ્વામી વિરજાનંદને મળ્યા. તેમની પાસે ત્રણ વર્ષ રહી શાસ્ત્રોનો
અભ્યાસ કર્યો.
ગુરુએ પણ પોતાની બધી વિદ્યા તેમને આપી અને ગુરુદક્ષિણામાં માગ્યું : ‘આપણો દેશ કંગાળ બની ગયો છે, વહેમો અને ખોટા રિવાજોએ દેશની ખરાબી કરી છે, તું સૌને વેદધર્મનો સાચો રાહ બતાવ !’ હવે ગુરુની આજ્ઞા મુજબ દયાનંદ વેદધર્મનો પ્રચાર કરવા લાગ્યા. તેઓ માનતા હતા કે સાચું જ્ઞાન માત્ર વેદમાં જ છે, તેથી વેદ સિવાય બીજા કોઈ ગ્રંથને માનવો નહીં. નાતજાતની, ઊંચનીચની, અડવાઅભડાવાની, વટલાવવાની વાતો તદ્દન ખોટી છે.
વેદમાં
મૂર્તિપૂજા નથી, બાળલગ્ન કે ફરજિયાત વૈધવ્યપાલન પણ નથી. તેમણે ધર્મમાં ચાલતા
કુરિવાજો અને બખડજંતરનો ત્યાગ કરવાનો નિર્ધાર કર્યો. આ અંગે તેમણે વિવિધ સ્થળોએ
વિદ્વાન પંડિતો જોડે ચર્ચાસભાઓ કરી અને તેમાં વિજય મેળવ્યો. પોતાના વિચારોનો અમલ
અને પ્રસાર થાય તે માટે ૧૮૭૫માં તેમણે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. પંજાબ,
ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને તત્કાલીન મુંબઈ ઇલાકામાં તેમણે આર્યસમાજની લગભગ ૧૦૦
જેટલી શાખાઓ અને કેટલીક સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી.
તેમણે ક્રિયાકાંડ, બહુદેવવાદ અને અવતારવાદનો વિરોધ કર્યો. વ્યક્તિની ફરજ તરીકે સમાજસેવાનો મહિમા કર્યો. સ્ત્રીઓ અને શૂદ્ર પણ ધર્મશાસ્ત્રો વાંચી શકે તેમ જણાવ્યું. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાની બધાંને પ્રતીતિ કરાવી. ‘નાયમ્ આત્મા વલહીનેન તથ્યઃ ।' (બળ વગરનો મનુષ્ય આત્માને પામી શકતો નથી). એ તેઓ સૂત્રના ભારે હિમાયતી હતા અને તેથી તેમણે તન તેમ જ મન -બળવાન બને એવી ધર્મસાધનાનો બોધ કર્યો. તેમણે સમાજમાં સ્ત્રીના સમાન દરજ્જાની તથા રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી. કુદરતી આપત્તિની વેળાએ માનવસેવાનાં કાર્યો કર્યાં. દયાનંદ સરસ્વતીએ ‘સત્યાર્થપ્રકાશ’ અને ‘વેદભાષ્ય’ નામના બે ગ્રંથો લખ્યા. તેમાં હિંદુઓને લગતી રાજકીય, ધાર્મિક, સામાજિક બાબતો સમજાવવામાં આવી છે.
તેમણે વેદો પર
ભાષ્યો લખ્યાં. આર્યસમાજ વતી તેમણે ઠેર ઠેર વૈદિક શિક્ષણસંસ્થાઓ શરૂ કરી. ખ્રિસ્તી
થયેલ હિંદુઓને પાછા હિન્દુ ધર્મમાં લેવાની તથા અસ્પૃશ્યોના ઉદ્ધારની પ્રવૃત્તિ હાથ
ધરી. તેમણે પોતાની બધી સંપત્તિ વેદોના પ્રચાર, શિક્ષણ તથા નિર્ધનોની મદદ માટે
સોંપી દીધી. ભારતની પ્રજાની ગરીબાઈ જોઈ તેઓ દ્રવી જતા. સેંકડો વર્ષથી ચાલી આવતા
કુરિવાજો અને ધર્મને નામે ચાલતા ધતિંગ દૂર કરવાના તેમના પ્રયાસને કારણે તેમના ઘણા
વિરોધીઓ પણ થયા. ૧૮૮૩માં તેમના વિરોધીઓએ તેમને જોધપુરના પ્રવાસ દરમિયાન ખોરાકમાં
ઝેર આપ્યું; તેથી અજમેર મુકામે તેમનું અવસાન થયું. તેમના હિંદીમાં લખાયેલા
ગ્રંથોનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.
અંજના ભગવતી
read દયારામ, Dayaram
0 ટિપ્પણીઓ
Please do not share links in comment