દયારામ
(જ. ૧૬ ઑગસ્ટ ૧૭૭૭, ચાણોદ; અ. ૨૮
ફેબ્રુઆરી ૧૮૫૩, ડભોઈ) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા સમર્થ ભક્તકવિ.
ભક્તકવિ દયારામ
પિતાનું નામ પ્રભુરામ ભટ્ટ અને માતાનું નામ રાજકો૨. જ્ઞાતિએ સાઠોદરા નાગર. બાળપણમાં જ માતાપિતા ગુમાવ્યાં; આથી વતન ચાણોદમાં કાકાની દીકરીને ઘેર અને પછી મોસાળ ડભોઈમાં માસીને ઘેર ઊછર્યા. જ્ઞાતિપરંપરા પ્રમાણે ઇષ્ટદેવતા હાટકેશ્વ૨; પણ પિતાના સમયથી વૈષ્ણવધર્મ – પુષ્ટિમાર્ગ એ કુળધર્મ બન્યો. તેમના વિવાહ બાળપણમાં થયેલા પણ તે કન્યા લગ્ન પહેલાં જ મૃત્યુ પામી. એ પછી તેમણે લગ્ન ન - કર્યાં અને પોતાનું સમગ્ર શ્રીકૃષ્ણની જીવન સેવામાં મરજાદી વૈષ્ણવ તરીકે વિતાવ્યું.
બાળપણમાં તેમને પુષ્ટિમાર્ગીય વિદ્વાન
ઇચ્છારામ ભટ્ટનો સંપર્ક થયેલો. ઇચ્છારામ તેમનાં જોડકણાં સાંભળી ખુશ થયેલા અને
તેમની પ્રેરણાથી જ દયારામે યાત્રાઓ કરેલી. ઈ. સ. ૧૮૦૩-૦૪માં નાથદ્વારાના શ્રી
વલ્લભજી મહારાજ પાસે તેમણે બ્રહ્મસંબંધ લીધેલા. તેમણે ત્રણ વાર ભારતની અને સાત વાર
શ્રીનાથજીની યાત્રાઓ કરેલી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કને કારણે તેમની પુષ્ટિભક્તિ દૃઢ
બનેલી. તેમની ભક્તિના સંબંધમાં કેટલીક ચમત્કારકથાઓ પણ સંપ્રદાયમાં પ્રચલિત છે.
નાનપણમાં તેઓ તોફાની, રસિક અને શોખીન
હતા. કહેવાય છે કે એમની ચામડી એટલી ગોરી, પાતળી અને સુંવાળી હતી કે એ પાનનો રસ
ગળામાંથી ઉતારે ત્યારે એ દેખાતો ! તેઓ ખૂબ સ્વમાની હતા. કૃષ્ણ સિવાય કોઈનું પણ
કીર્તન ન કરવું એવી તેમની પ્રતિજ્ઞા હતી. તેમના જીવનના પાછલા સમયમાં માંદગીમાં એક
દુઃખી વિધવા રતનબાઈએ તેમની ભાવથી સેવા કરેલી. તેઓ એક સારા ગાયક-કીર્તનકાર પણ હતા.
સ્વભાવે ઉદાર. સ્ત્રીઓમાં લોકપ્રિય. આથી તેમની છાપ એક રસિક ફક્કડ વ્યક્તિ તરીકેની
પણ હતી. તેમની કૃષ્ણ પ્રત્યેની ભક્તિ અનન્ય હતી. શિષ્યો પ્રત્યે ખૂબ વાત્સલ્ય
હતું. રણછોડ અને ગિરિજાશંકર ટોળકિયા જેવા તેમના શિષ્યો જાણીતા હતા.
દયારામને તેમની કૃષ્ણભક્તિએ કવિ
બનાવ્યા. તેમનું સાહિત્યસર્જન વિપુલ છે. ૭૫થી વધુ કૃતિઓ અને સેંકડો પદોમાં તેમણે
ભક્તિનો મહિમા ગાયો છે. તેમણે પુષ્ટિસંપ્રદાયને લગતી કૃતિઓ પણ આપી છે. તેમાં
શુદ્ધાદ્વૈતના ભક્તિસિદ્ધાંતનું નિરૂપણ અને પુષ્ટિભક્તિનો મહિમા ગાતા ‘રસિકવલ્લભ’
(૧૮૨૮) ગ્રંથનું નોંધપાત્ર પ્રદાન છે. ગુરુ-શિષ્યના સંવાદ રૂપે ૧૦૯ કડવાંમાં આ
કૃતિ રચાઈ છે. ‘ભક્તિપોષણ’માં તેમણે પ્રેમલક્ષણા ભક્તિનું નિરૂપણ કર્યું છે.
‘પુષ્ટિપથરહસ્ય’માં દયારામે વલ્લભાચાર્ય અને તેમના કુળની સેવાપૂજાનો મહિમા ગાયો
છે. ‘પ્રબોધબાવની'માં ભક્તિ અને વૈરાગ્યના બોધની સાથે રસપ્રદ લોકોક્તિઓ પણ ટાંકી
છે.
તેમણે અનેક વાર પ્રવાસો કરેલા હોવાથી
તેમની કૃતિઓ વિવિધ ભાષાઓમાં મળે છે. સંસ્કૃત, વ્રજ, મરાઠી, પંજાબી, ઉર્દૂ,
મારવાડી, બિહારી અને સિંધીમાં પણ તેમની રચનાઓ છે.
વ્રજભાષામાં અને ભાગવતના ‘રસિકરંજન’
‘ભક્તિવિધાન’ જેવી કૃતિઓ અને ૧૩૧ પદમાં સ્કંધવાર ભાગવતનો સાર આપતું
‘ભાગવતાનુક્રમણિકા’ જેવું કાવ્ય રચ્યું છે. તેમણે આધારે ‘રુક્મિણીવિવાહ’,
‘સત્યભામાવિવાહ’, ‘અજામિલ આખ્યાન’ જેવી કૃતિઓ આપી છે. સંપ્રદાયના ભક્તોનું
ગુણકીર્તન કરતી કૃતિઓ તેમણે ગુજરાતી અને વ્રજભાષામાં આપી છે. ‘શ્રીકૃષ્ણજન્મખંડ',
‘શ્રીકૃષ્ણજન્મખંડ’, ‘સારાવલિ', ‘બાળલીલા’, ‘પત્રલીલા’, ‘કમળલીલા’, ‘રાસલીલા’,
‘રૂપલીલા’, ‘મુરલીલીલા’, ‘દાણચાતુરી’ વગેરે તેમની કૃષ્ણવિષયક રચનાઓ છે. તેમાં
દયારામની રસિકતા અને કલ્પના બંને જોવા મળે છે. ‘રાધાજીનો વિવાહખેલ’, ‘રાધિકાનાં
વખાણ’ અને ‘રાધિકાનું સ્વપ્ન' વગેરે રાધા વિશેનાં કાવ્યો છે. ‘પ્રેમરસગીતા’ અને
‘પ્રેમપરીક્ષા' એ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતી રચનાઓ છે. ‘હનુમાન-ગુડસંવાદ’માં
રામ અને કૃષ્ણની સ્તુતિ કરી બંનેની એકતા દર્શાવી છે.
દયારામનું કવિત્વ ઉત્તમ રીતે વ્યક્ત થયું છે ગરબીઓમાં. જેમ નરસિંહનાં પ્રભાતિયાં, અખાના છપ્પા, તેમ દયારામની ગરબીઓ જાણીતી છે. કૃષ્ણની લીલાઓ વર્ણવતી દયારામની ગરબીઓમાં ભક્તિ અને શૃંગાર – બંને રસ મળે છે. ગરબીઓમાં તેમના ભાષાપ્રભુત્વનો અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે. તેમની ગરબીઓ ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં કૃષ્ણઘેલી ગોપીઓના હૃદયના ભાવો બહુ ઉત્કટતાથી વ્યક્ત થયા છે. ‘શ્યામ રંગ સમીપે ન ન જાવું’, ‘ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ’, ‘આવોની મારે ઘેર માણવા હો જી રાજ’, ‘વાંકું મા જોશો વરણાગિયા, જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે’, ‘ઓ વાંસલડી, વેરણ થઈ લાગી રે વ્રજની નારને’, ‘પ્રેમની પીડા તે કોને કહીએ’, ‘ઝઘડો લોચન-મનનો’ જેવી ભક્તિશૃંગારની અનેક રચનાઓ ગુજરાતી પ્રજાના કંઠમાં સચવાયેલી છે. એક ભક્ત તરીકે દયારામ દીનતાના ભાવથી ‘જેવો તેવો હું દાસ તમા૨ો, કરુણા સિંધુ ગ્રહો કર મારો’, ‘કૃપાસિંધુ કહાવો રે, કૃપા મને ક્યમ ના કરો ?' જેવી વિનંતી ને આરત પણ પ્રગટ કરે છે. વળી તે : ‘ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.' – એમ પણ કહે છે.
એક જ્ઞાની કવિ તરીકે ‘મનજી મુસાફર રે
ચાલો નિજ દેશ ભણી’ કહી મનને ટપારે છે તો ‘વૈષ્ણવ નથી થયો તું રે, રિજન નથી થયો તું
રે, શીદને ગુમાનમાં ઘૂમે ?’ કે ‘ફૂલ્યો શું ફરે છે રે ? ભૂલ્યો ભવકૂપમાં પડ્યો'
વગેરે બોધક પદો દ્વારા મનુષ્ય-જીવોને ભક્તિ કરવા પ્રેરે છે. તેમનું ‘નિશ્ચેના
મહેલમાં વસે મારો વ્હાલમો, વસે વ્રજલાડીલો રે !' – એ પદ પણ ખૂબ જાણીતું છે. તેમની
આ રચનાઓથી ગુજરાતી સાહિત્ય પદસ્વરૂપમાં સમૃદ્ધ બન્યું છે. આ રચનાઓમાં દયારામનું
કવિત્વ, ભક્તિ, રસિકતા, ચિત્રનિર્માણશક્તિ અને ભાષાપ્રભુત્વ – સુપેરે વ્યક્ત થયાં
છે. શબ્દ અને સૂરનો મધુર સુમેળ એમની કવિતામાં માણવા મળે છે.
વળી તિથિઓનાં બે પદોમાં અને બારમાસીની
ત્રણેક કૃતિઓમાં રાધા અને ગોપીઓની કૃષ્ણ માટેની પ્રેમભક્તિ રજૂ થઈ છે. જશોદાના
વાત્સલ્યભાવવાળું ‘પારણું’ તેમની ગણનાપાત્ર કૃતિ છે. ‘મન-મતિસંવાદ’, ‘મનપ્રબોધ’,
‘ચિંતાચૂર્ણિકા’ જેવી દીર્ઘ ઉપદેશપ્રધાન પદ્યકૃતિઓ પણ તેમણે આપી છે.
દયારામે વ્રજભાષામાં આપેલી ‘સતસૈયા',
‘વસ્તુવૃંદદીપિકા’, ‘પિંગલસાર’, ‘કૌતુકરત્નાવલિ' જેવી કૃતિઓ પણ ઉલ્લેખનીય છે.
કવિનું વ્રજભાષા પરનું પ્રભુત્વ અને તેમના સંગીતજ્ઞાનનો પરિચય અહીં પણ થાય છે.
તેમની પાસેથી ‘રિહરતારતમ્ય’, ‘ભાગવતસાર’, ‘પ્રશ્નોત્તરમાળા’, ‘ક્લેશકુઠાર’ જેવી
ગદ્યકૃતિઓ મળી છે. દયારામે મરાઠીમાં ‘નરસિંહ મહેતાની હૂંડી' અને સંસ્કૃતમાં
સ્તોત્રાદિ પ્રકારની કૃતિઓ આપી છે.
રસિકવલ્લભ’ જેવી કૃતિઓના કારણે આમ
પુષ્ટિસંપ્રદાયમાં તો પદો-ગરબીઓના કારણે મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં અગ્રણી
ઊર્મિકવિ તરીકે તેમને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું છે. મધ્યકાળમાં ભક્ત-કવિઓની જે
પરંપરા ચાલી છે તેમાં પહેલા જો નરસિંહ તો છેલ્લા યશસ્વી કવિ દયારામ – એમ સૌ
સ્વીકારે છે.
આ દયારામ અવસાન પામ્યા ડભોઈમાં; પરંતુ
તેમની ઇચ્છાનુસાર તેમના અવસાન પછીની વિધિ ચાંદોદમાં કરવામાં આવી હતી, ત્યાં
નર્મદાકાંઠે એક મકાનના પ્રાંગણમાં તેમની સુંદર પ્રતિમા છે.
ડભોઈમાં તેમનું મકાન કાળજીપૂર્વક
સાચવવામાં આવ્યું છે. તેમાં દયારામનો તંબૂર, તેમનાં ચશ્માં, તેમ જ તેમની હસ્તપ્રતો
અને થોડાં વાસણ પણ સાચવીને રાખ્યાં છે.
read દરિયાઈ ઘોડો – - સમુદ્રઘોડો (Sea-horse)
0 ટિપ્પણીઓ
Please do not share links in comment