ઘડિયાળ
સમયનું માપ દર્શાવતું યંત્ર.
ઘડિયાળ
સમય માપવાનું કાર્ય કરે છે. તેનાથી સેકંડના દશ લાખમા ભાગ જેટલા સમયનું માપ જાણી
શકાય છે. પ્રિનિચ વેધશાળામાં માસ્ટર ક્લૉક' રાખેલું છે. તે આ પ્રમાણેનો સમય માપી
શકે છે. રેડિયો પર પ્રસારિત કરવામાં આવતા સમયના સંકેતો આ ઘડિયાળ નક્કી કરે છે.
પહેલાંનો માનવ સમય નક્કી કરવા માટે સૂર્ય, તારા, જળ, રેતી વગેરેનો ઉપયોગ કરતો. તે સૂર્ય અને તારાઓની ગતિ તથા તેમનાં સ્થાન નક્કી કરી સમય નક્કી કરતો. તે જમાનામાં બૅબિલોન અને ઇજિપ્તના લોકો રાતના સમયના ૧૨ સરખા ભાગ કરતા. તેને કલાક કહેવામાં આવે છે. કોઈક ચોક્કસ તારા અથવા તારાના સમૂહનું સ્થાન નક્કી કરીને સમય ગણવામાં આવતો. દિવસ દરમિયાન લોકો છાયા-ઘડિયાળ(સૂર્ય-ઘડિયાળ)નો ઉપયોગ કરી સૂર્યની ગતિ નક્કી કરીને સમય દર્શાવતા. છાયાઘડિયાળની રચનામાં એક ગોળ લાકડાના ટુકડામાં કેન્દ્રમાં સીધી લાકડી ઊભી લંબ દિશામાં લગાડવામાં આવતી. લાકડાના ગોળ કકડા પર સૂર્યપ્રકાશને કારણે ઊભી લાકડીનો પડછાયો પડતો. જેમ સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ જાય તેમ પડછાયાની લંબાઈમાં પ્રમાણસર ફે૨ થતો જાય છે. તે લાકડાના કકડા પર સમયનું માપ નક્કી કરીને લખવામાં આવતું.
જળઘડિયાળમાં એક ખાલી થાળી અથવા વાસણમાંથી પાણી ભરવાનો અથવા પાણી
ભરેલા વાસણમાંથી પાણી ખાલી કરવાનો સમય માપવામાં આવતો. જૂના સમયમાં મીણબત્તીથી પણ
સમય નક્કી કરવામાં આવતો. એક મીણબત્તીને પૂર્ણ સળગી જવા માટે જે સમય લાગતો તે પરથી
ઘરના લોકો સમય નક્કી કરતા. રેત-ઘડિયાળમાં બે કાચના ગોળા વચ્ચેથી સાંકડા ભાગથી
જોડાયેલા હોય છે. તેમાં વચ્ચે એક છિદ્ર હોય છે. ઉપરના ગોળામાં શુદ્ધ રેતી ભરવામાં
આવે છે. વચ્ચેના છિદ્રમાંથી રેતી એકસરખી ગતિએ ધીમે ધીમે નીચેના ગોળામાં જમા થાય
છે. નીચેનો ગોળો પૂરો ભરાતાં ૧ કલાક થાય. સાધનને પછી ઊંધું કરવામાં આવે છે. અડધો
કલાક અને તેથી ઓછો સમય માપવાનાં પણ આ પ્રકારનાં સાધનો વપરાતાં હતાં.
યંત્રની
શોધ થયા બાદ યાંત્રિક ઘડિયાળો અસ્તિત્વમાં આવ્યાં. આમાં અનેક પ્રકારો પાડી શકાય;
જેમ કે, ચાવી આપવાથી ચાલતાં ઘડિયાળો, વીજળીથી ચાલતાં ઘડિયાળો, સેલ(બૅટરી)થી ચાલતાં
ઘડિયાળો, સ્વયંસંચાલિત ઘડિયાળો કે પરમાણુશક્તિથી ચાલતાં ઘડિયાળો. જે ઘડિયાળો ભીંત
પર રાખવામાં આવે છે તેમને ભીંત-ઘડિયાળો અને જે ઘડિયાળો કાંડા ઉપર પહેરવામાં આવે છે
તેમને કાંડા-ઘડિયાળો કહેવામાં આવે છે.
મોટા
ભાગનાં ભીંત-ઘડિયાળોમાં લોલકના આંદોલનની આવૃત્તિના માપથી સમય જાળવવામાં આવતો હોય
છે. હવે બૅટરીથી ચાલતાં ભીંતઘડિયાળો પણ મળે છે. તેમાં ક્વાર્ટ્ઝ-સ્ફટિકનોઉપયોગ થાય
છે. આ ઘડિયાળો વધુ ચોક્કસ સમય બતાવે છે.
યાંત્રિક
ઘડિયાળમાં દિવસમાં એક વખત અથવા અઠવાડિયે કે વર્ષે એક વખત ચાવી આપીને ચલાવવામાં આવે
છે. આમાં યાંત્રિક પ્રયુક્તિનો ઉપયોગ કરીને ઊર્જા મેળવાય છે.
વિદ્યુત-ઘડિયાળો
ચલાવવા માટે ઊર્જા તરીકે વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે છે, જે બૅટરી દ્વારા અને
નીચા AC વિદ્યુતપ્રવાહથી મેળવવામાં આવે છે.
કેટલાંક વિદ્યુત-ઘડિયાળો ચલાવવા ખમીસના બટન જેટલા કદની બૅટરીનો ઉપયોગ થાય છે. તેને
બટન સેલ કહેવામાં આવે છે.
હાલમાં
વપરાતાં ખિસ્સા કે કાંડા-ઘડિયાળો સ્વયંસંચાલિત, જળરોધક, પ્રતિચુંબકીય અને આઘાતરોધક
હોય છે. સ્વયંસંચાલિત (automatic) ઘડિયાળોમાં લીવર પર નાનું સરખું વજન લગાડેલું હોય
છે. ઘડિયાળ પહેરનારનો હાથ હલે તેની સાથે તે વજન પણ આગળપાછળ આંદોલિત થાય છે અને
તેની સાથે મુખ્ય કમાનમાં ચાવી ભરાતી જાય છે. આ ઘડિયાળમાં ચાવી ભરવી પડતી નથી.
કાંડાઘડિયાળોમાં પણ હવે ક્વાર્ટ્ઝ-સ્ફટિકનો ઉપયોગ થાય છે. કાંડા-ઘડિયાળમાં ડિજિટલ
ઘડિયાળ પણ પ્રચલિત છે. ડિજિટલ એટલે કે અંકીય ઘડિયાળમાં અન્ય ઘડિયાળની જેમ સમય
દર્શાવવા અંકો પરથી પસાર થતા કાંટા નથી હોતા; પરંતુ સીધેસીધો સમય અંકો દ્વારા જ
બતાવાય છે. મોટા ભાગનાં ડિજિટલ ઘડિયાળો સાત ખંડીય ‘એલઈડી’ અથવા ‘એલસીડી’નો અંકોમાં
સમય બતાવવા ઉપયોગ કરે છે. ‘એલઈડી’ ઇલેક્ટ્રૉનિક પુરજો છે. તે પ્રકાશનું ઉત્સર્જન
કરતો ડાયૉડ છે. ‘એલસીડી’ પ્રવાહી સ્ફટિકરચના છે. મોટા ભાગની ડિજિટલ ઘડિયાળો દિવસના
કલાકોને ૦-૨૩ના ક્રમમાં બતાવે છે; પરંતુ કેટલીક ઘડિયાળો AM અને PM પણ બતાવે છે.
૫૨માણુ-ઘડિયાળમાં
૫૨માણુ અથવા અણુઓ દ્વારા ઉત્સર્જિત થતા કે શોષણ પામતા વિદ્યુત-ચુંબકીય તરંગોની
આવૃત્તિ (frequency) માપીને સમયનો ગાળો મપાય છે. પરમાણુ-ઘડિયાળ એટલું તો
ચોક્કસ હોય છે કે બે લાખ વર્ષે એક સેકન્ડ આગળ કે પાછળ જાય છે. પરમાણુ-ઘડિયાળમાં
સિઝિયમ, રેડિયમ અને બીજાં
તત્ત્વોના પરમાણુઓનો ઉપયોગ થાય છે.
ઘડિયાળને
અંગ્રેજીમાં ‘ક્લૉક’ કહેવામાં આવે છે. ‘ક્લૉક’નો મૂળ અર્થ ઘંટ થાય છે. ગામમાં કે
શહેરમાં એવા ટાવર હોય છે જેના ઉ૫૨ મોટી ડિયાળ લગાવવામાં આવે છે જેથી જાહેર જનતા
સમય જોઈ શકે. એમાં કલાકના, અર્ધા કલાકના ડંકા પણ વાગતા હોય છે.
ઉપયોગિતાના
આધારે પણ ઘડિયાળના પ્રકારો પાડી શકાય છે; જેમ કે, સ્ટૉપ-વૉચ, એલાર્મ-ક્લૉક વગેરે.
સ્ટૉપવૉચ
: તેમાં સમયનો તફાવત ચોક્કસ રીતે સેકંડ અને મિનિટમાં દર્શાવવાની સગવડ હોય છે. આમાં
સેકંડનો નાનામાં નાનો અંશ પણ માપી શકાય છે. આ ઘડિયાળ ફક્ત સમયનો ચોક્કસ ગાળો માપવા
માટે જ વપરાય છે; દા.ત., દોડવાની શરૂઆત અને દોડવાના અંત સુધીનો સમય. આ ઘડિયાળ સતત
સમય બતાવતી નથી.
એલાર્મ-ક્લૉક
: આ ઘડિયાળમાં ચોક્કસ સમયે એલાર્મ વાગે તે પ્રમાણે તેના કાંટાને ગોઠવવામાં આવે છે.
આ પ્રકારનાં ઘડિયાળો ઘણા સમયથી પ્રચલિત છે.
આધુનિક
સમયમાં વિવિધ સુશોભન, ડિઝાઇન અને આકારોવાળાં તથા રંગબેરંગી ડાયલવાળાંકાંડા-ઘડિયાળો
મળે છે. તેમાં સુંદર રીતે અંક કોતરેલા હોય છે. ઘડિયાળના પટ્ટાઓમાં પણ વિવિધતા જોવા
મળે છે. ઘડિયાળ ૧૦૦ રૂપિયાથી માંડીને લાખો રૂપિયા સુધીની કિંમતનાં મળે છે. કીમતી
ઘડિયાળોમાં હીરા પણ જડેલા હોય છે. સોનાની બનેલી ઘડિયાળો પણ મળે છે. આ ઉપરાંત હવે
તો બ્રેસલેટ, વીંટી, પેન તથા લૉકેટ વગેરેમાં સમાઈ જાય તેવાં કલાત્મક ઘડિયાળો પણ
જોવા મળે છે. ઘણાં ઘડિયાળો વિગતપ્રચુર હોય છે. તેમાં તારીખ અને વાર જોઈ શકાય છે.
કેટલાંક ઘડિયાળોમાં જુદા જુદા દેશોનો સમય જોઈ શકાય છે.
જર્મનીના
બ્લૅક ફૉરેસ્ટમાં બનતાં કકુ-ઘડિયાળો સુવિખ્યાત છે. દુનિયામાં સારામાં સારાં ડિયાળ
સ્વિટ્ઝર્લેન્ડમાં બને છે. ૧૮૭૫ પછી દુનિયાનાં સૌથી વધુ ઘડિયાળો અમેરિકામાં બનતાં
થયાં. જાપાનમાં હાલ ઇલેક્ટ્રૉનિક ઘડિયાળો અને અન્ય ઘડિયાળોનું સારું એવું ઉત્પાદન
થાય છે.
રાડો,
સીકો, સિટીઝન, ફોસીલ, એસપ્રી, મોવાડો, સ્વૉચ, ટેગહાઉર વગેરે ઘડિયાળો બનાવતી જાણીતી
અને વિખ્યાત કંપનીઓ છે.
હાલમાં ભારતમાં ઘણીબધી કંપનીઓ ઘડિયાળો બનાવે છે. તેમાં એચ.એમ.ટી. (H.M.T.), ટાઇટન (Titan), ટાઇમેક્સ (Timex) વગેરે મુખ્ય છે. ગુજરાતમાં મોરબી શહેર ડિયાળ બનાવવામાં આગળ પડતું છે.
read ઇન્દુલાલફૂલચંદ ગાંધી,IndulalPhoolChand Gandhi
0 ટિપ્પણીઓ
Please do not share links in comment