દાદાભાઈ નવરોજી
(જ. ૪ સપ્ટેમ્બર
૧૮૨૫, મુંબઈ; અ. ૩૦
જૂન ૧૯૧૭, મુંબઈ) ભારતના રાષ્ટ્રવાદી નેતા અને સમાજસુધારક.
એક ગરીબ પારસી ધર્મગુરુના
કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન
૧૧ વર્ષની વયે
ગુલબાઈ સાથે થયાં હતાં.
મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા કૉલેજના અભ્યાસ
દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી
તરીકે ખ્યાતિ મેળવી હતી.
કૉલેજશિક્ષણ પૂરું કરી તેમણે
એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી શરૂ કરી.
ઈ. સ. ૧૮૪૫માં
તેઓ ગણિત અને ભૌતિકશાસ્ત્રના
મુખ્ય પ્રાધ્યાપક બન્યા. આ પદ
મેળવનાર તેઓ પ્રથમ હિંદી
હતા. આ નોકરીની
સાથે તેમણે સામાજિક સેવાની
પ્રવૃત્તિઓ પણ શરૂ કરી.
સ્ત્રીકેળવણીની ઝુંબેશમાં તેમણે સેવા આપી.
દાદાભાઈએ
નવેમ્બર, ૧૮૫૧માં ‘રાસ્ત ગોફતાર'
(સત્યવક્તા) નામે સામયિક કાઢ્યું.
તેમણે હવે રાજકારણમાં રસ લેવા માંડ્યો.
કંપની સરકારે કાળા ગોરા વચ્ચે ભેદભાવ ન રાખવાનો કાયદો કર્યો પણ તેનું પાલન થતું નહોતું.
આથી તેના વિરોધમાં દાદાભાઈએ સક્રિય રસ લીધો. તેમના પ્રયાસોથી મુંબઈમાં ૧૮૫૨માં બૉમ્બે
ઍસોસિયેશન' નામે પ્રથમ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ, જે દ્વારા દાદાભાઈએ ભારતમાં રાજકીય
સુધારણા દાખલ કરવા બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો.
અધ્યાપનકાર્ય
છોડી તેઓ ૧૮૫૫માં ઇંગ્લૅન્ડ
ગયા. ત્યાં ચૌદ વર્ષના
પ્રથમ વસવાટ દરમિયાન ધંધાકીય
વિકાસની સાથે તેમણે ભારતની
વિવિધ પ્રકારે સેવા કરી.
ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે લંડન જતા
ત્યારે દાદાભાઈ પિતા-સમાન
ફરજ બજાવતા. સિવિલ સર્વિસમાં
તેમણે હિંદીઓને સ્થાન અપાવ્યું.
એ પરીક્ષા ભારતમાં
લેવાય એવો નિર્ણય લેવડાવ્યો.
ધંધાકીય કમાણીમાંથી તેમણે પારસી કન્યાઓનાં
શિક્ષણ તથા પારસી સેવા-સંસ્થાઓના વિકાસ માટે ઉદારતાથી
દાન આપ્યાં. તેમણે સ્થાપેલ
ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશને દેશની
ઘણી મહત્ત્વની સેવા કરેલી.
ઈ. સ. ૧૮૭૪માં વડોદરા
રાજ્યનું દીવાનપદ સ્વીકારી તેમણે
રાજ્યનો વહીવટ સુધાર્યો. ૧૮૭૫માં
તેમણે મુંબઈની નગરપાલિકાને થોડા
સમય માટે પોતાની સેવા
આપી. ૧૮૮૬માં તેઓ હિન્દી
રાષ્ટ્રીય મહાસભા(હાલની કૉંગ્રેસ
સંસ્થા)ના પ્રમુખ તરીકે
ચૂંટાયા. દાદાભાઈ ઇંગ્લૅન્ડના ઉદારમતવાદીઓના
ટેકાથી બ્રિટિશ પાર્લમેન્ટના પ્રથમ
હિંદી સભ્ય તરીકે ચૂંટાયા
(૧૮૯૨) હતા. ત્યાં તેમણે
બ્રિટિશ પાર્લમેન્ટમાં હિન્દના પ્રશ્નોની સચોટ
રજૂઆત કરી. ૧૯૦૬માં તેઓ
ફરી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા.
દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદની નીતિ
સામે ગાંધીજીની ન્યાયી લડતને દાદાભાઈએ
ટેકો આપ્યો હતો. હિંદની
લડતનું અંતિમ ધ્યેય ‘સ્વરાજ્ય'
હોવાની ઘોષણા કરીને તેમણે
લોકોમાં નવો પ્રાણ પૂર્યો
હતો.
૧૯૦૧માં
‘પૉવર્ટી ઍન્ડ બ્રિટિશરૂલ ઇન
ઇન્ડિયા’ નામે લખેલ
ગ્રંથમાં તેમણે સાબિત કર્યું
કે ભારતની ગરીબી માટે ભારતમાંનું બ્રિટિશ
શાસન જવાબદાર હતું. ૧૯૦૬માં તેમણે ઇંગ્લૅન્ડ છોડીને પોતાના દેશમાં વસવાટ કર્યો અને
જીવનના અંત (૧૯૧૭) સુધી રાષ્ટ્રસેવાનું કાર્ય ચાલુ રાખ્યું. ગાંધીજીએ દાદાભાઈને વાસ્તવિક
અર્થમાં ‘ભારતના દાદા’ તરીકે વર્ણવ્યા હતા.
તેમની સાધના અને સેવાને તેમણે બિરદાવ્યાં હતાં.
અમલા પરીખ
read દલપતરામ, Dalpatram
0 ટિપ્પણીઓ
Please do not share links in comment