(ડૉ.) ધીરુભાઈ ઠાકર
(જ. ૨૭ જૂન ૧૯૧૮, કોડીનાર, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર)
ગુજરાતી સાહિત્યના અગ્રણી વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, નાટ્યવિદ અને ‘ગુજરાતી વિશ્વકોશ'ના મુખ્ય સંપાદક.
ધીરુભાઈ ઠાકર તેમનું વતન વિરમગામ. તેમના પિતા પ્રેમશંકરભાઈ તલાટી હતા. તેઓ વાચનના શોખીન હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં હતાં. ઘરના સંસ્કારી વાતાવરણનો, પ્રાકૃતિક સૌંદર્યનો, સહાધ્યાયીઓ તથા શિક્ષકોનો અને તત્કાલીન સ્વાતંત્ર્યચળવળનો તેમના પર
ઊંડો પ્રભાવ. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ચાણસ્મા અને સિદ્ધપુરમાં. ૧૯૩૪માં મૅટ્રિક. તેમણે ઉચ્ચશિક્ષણ અનેક સ્થળોએ લીધું. ૧૯૩૯માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી.એ., ૧૯૪૧માં એમ.એ.. બી.એ. થયા બાદ ૧૯૪૦થી અધ્યાપનક્ષેત્રે કામગીરીનો પ્રારંભ કર્યો અને ૧૯૭૮માં
તેઓ નિવૃત્ત થયા. તેમનું અધ્યાપનનું કાર્યક્ષેત્ર મુંબઈ, અમદાવાદ અને પછીથી મોડાસા રહ્યું. પ્રાધ્યાપક આચાર્ય તરીકે નિવૃત્ત થયા બાદ ૧૯૮૫માં ગુજરાત વિશ્વકોશ
ટ્રસ્ટની સ્થાપના કરી અને અનેક સાહિત્યિકસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આદરી. આ ટ્રસ્ટના આશ્રયેઈ. સ. ૧૯૮૫થી ૨૦૧૦ દરમિયાન ‘ગુજરાતી વિશ્વકોશ'ના મુખ્ય સંપાદક તરીકે કાર્ય કર્યું અને વિદ્વાનોની મદદથી લગભગ ૧૦૦૦
પાનાંનો એક, એવા ૨૫ ભાગ તૈયાર કરાવ્યા ને પ્રકાશિત કર્યા. આ ‘ગુજરાતી વિશ્વકોશ' એ ગુજરાત અને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે ગૌરવભરી ઐતિહાસિક ઘટના છે. વળી આ ટ્રસ્ટના નેજા નીચે અને તેમના
પરામર્શન-માર્ગદર્શન બાળવિશ્વકોશ, ચરિત્રકોશ, પરિભાષાકોશ વગેરેનાં કાર્યો ચાલે છે. ૯૫ વર્ષની વયે આજે પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા છે. તેમનું સાહિત્યિક નેતૃત્વ ને કર્તૃત્વ અનેકના માટે પ્રેરણાદાયક
નીવડ્યું છે.
જ્યારે તેઓ અધ્યાપનકાર્ય કરતા હતા
ત્યારથી જ અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ રહ્યા હતા. મ. સ. યુનિવર્સિટીની સંગીત-નૃત્ય-નાટ્યસમિતિ લલિતકલા વિદ્યાશાખાના સભ્ય રહેલા. ૧૯૫૬થી ૧૯૭૧ દરમિયાન તેમણે અધ્યાપકો
અને વિદ્યાર્થીઓ માટે અનેક નાટ્યતાલીમ શિબિરો કરેલી. ગુજરાત લેખક મિલનના મંત્રી પણ રહેલા. ઈ.સ. ૧૯૬૦થી ૧૯૬૬ દરમિયાન ‘ગુજરાત સમાચાર’માં ‘સવ્યસાચી’ના નામે તેઓ ‘સાહિત્ય અને સંસ્કાર' નામે કટારલેખન કરતા હતા. તેમના વિપુલ અને સત્ત્વશીલ સંશોધન-સંપાદન અને વિવેચનના કાર્ય સંદર્ભે ગુજરાત સાહિત્ય સભા તરફથી તેમને
૧૯૯૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે.
૧૯૪૨માં ‘ગણધરવાદ’ નામના અને ૧૯૪૭માં ‘નિનવવાદ' નામના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના અંગ્રેજી અનુવાદ આપી તેમણે લેખનની શરૂઆત કરી. જયન્તિ દલાલના ‘રેખા’માં ‘દૃષ્ટિક્ષેપ’ શીર્ષકથી તેઓ પુસ્તકોનાં અવલોકન કરતા.
મણિલાલ નભુભાઈ સાહિત્યસાધના મણિલાલ ન. દ્વિવેદીનું જીવન-સર્જન તેમના અભ્યાસનો મુખ્ય વિષય રહ્યું છે. ‘મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના' એ વિષય પર તેમણે ઉત્તમ મહાનિબંધ આપ્યો
છે. તેમણે મણિલાલ દ્વિવેદીની અનેક કૃતિઓનાં સંપાદનો કર્યાં છે : ‘મણિલાલની વિચારધારા’, ‘મણિલાલના ત્રણ લેખો', ‘કાન્તા’, ‘નૃસિંહાવતાર’, ‘આત્મનિમજ્જન’, ‘પ્રાણવિનિમય’ અને ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અન્વયે
મણિલાલ નભુભાઈ દ્વિવેદીની જન્મશતાબ્દી નીમિત્તે તેમનું સમગ્ર સાહિત્ય આઠ ગ્રંથોમાં
સંપાદિત કરીને આપ્યું છે. તેમણે મણિલાલના જીવન વિશે ‘ઊંચો પર્વત, ઊંડી ખીણ’ નાટક પણ લખ્યું છે.
તેમનું વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી એવું
કાર્ય છે ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’નું. ૨૦૧૧માં તેની નવી સંવર્ધિત આવૃત્તિ
પાંચ ભાગમાં પ્રકાશિત થઈ છે. તેમની પાસેથી ‘રસ અને રુચિ’, ‘સાંપ્રત સાહિત્ય', ‘પ્રતિભાવ’, ‘વિભાવિતમ્’, ‘નાટ્યકળા’, ‘શબ્દ અને સંસ્કૃતિ’, ‘શબ્દનું સખ્ય’, ‘કેટલાક સાહિત્યિક વિવાદો’ (૨૦૧૧) જેવા ચૌદક વિવેચનગ્રંથો મળ્યા છે. તેમની પાસેથી નાટકના સ્વરૂપ અંગેની ચર્ચા કરતા અને દેશવિદેશની
રંગભૂમિ અને નાટકો વિશે અધિકૃત માહિતી આપતા છએક ગ્રંથો મળ્યા છે. ‘શબ્દમાધુરી’, ‘સંસ્કારમાધુરી’, ‘સ્મરણમાધુરી’, ‘સત્સંગમાધુરી’, ‘પત્રમાધુરી’, ‘સફરમાધુરી’, ‘વિશ્વમાધુરી’ વગેરે તેમના નિબંધસંગ્રહો છે. આમાં ‘સ્મરણમાધુરી’માં તેમનાં આત્મલક્ષી લખાણ છે. તો ‘સફરમાધુરી’માં પ્રવાસલક્ષી લખાણ છે. તેમના સ્વાધ્યાયતપની પ્રતીતિ તેમણે
આપેલ ‘સુદર્શન અને પ્રિયંવદા સ્વાધ્યાય અને સૂચિ’, ‘જ્ઞાનસુધા : સ્વાધ્યાય અને સૂચિ' જેવા સૂચિત્રંથોથી પણ થાય છે. તેમણે મ. ન. દ્વિવેદીના અનેક ગ્રંથો ઉપરાંત ધૂમકેતુ
તેમ જ જયભિખ્ખુની વાર્તાઓનાં સંપાદનો કર્યાં છે. વળી માધ્યમિક શિક્ષણમાં ઉપયોગી એવી
વાચનમાળાઓનાં અન્યના સહકારથી સંપાદનો કરેલાં. તેમની પાસેથી ‘બે બાળનાટકો’ (૧૯૯૮) પણ મળ્યાં છે. ‘પ્રવાસી પિરામિડનો’ તથા ‘સત્યની મુખોમુખ' તેમના નોંધપાત્ર અનુવાદો છે. તેમના બહુપરિમાણીય અભ્યાસને કારણે આજે
ગુજરાતના અગ્રગણ્ય પ્રશિષ્ટ વિદ્વાન તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.
શ્રદ્ધા ત્રિવેદી
read (કેપ્ટન) લક્ષ્મી સહગલ, (Captain) Lakshmi Sehgal
0 ટિપ્પણીઓ
Please do not share links in comment