જ્યોર્જ સ્ટીવન્સન
(જ. ૯ જૂન, ૧૭૮૧, વિલામ, નૉર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ, અ. ૧૨ ઑગસ્ટ, ૧૮૪૮, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ)
અંગ્રેજ ઇજનેર અને રેલવે-એન્જિનના શોધક.
તેમના પિતા સ્થાનિક ખાણમાં કોલસા ખેંચી
જવા માટે ઉપયોગમાં લેવાતા વરાળ-એન્જિનના ફાયરમૅન હતા. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જ્યૉર્જ નિશાળમાં જઈ શક્યા ન
હતા. ૧૪ વર્ષની કિશોર-વયે તેઓ પિતા સાથે ખાણમાં કામ કરવા લાગ્યા અને ઈ. સ. ૧૭૯૫માં મદદનીશ ફાયરમૅન બન્યા. આ અરસામાં તેઓ વરાળ-એન્જિનનું સમારકામ પણ શીખ્યા. ફુરસદના સમયે તેઓ કાંડા તથા દીવાલની
ઘડિયાળોનું દરમિયાન સમારકામ કરતા. આ રાત્રિશાળામાં અભ્યાસ કરી ૧૮ વર્ષની ઉંમરે તેઓ લખતાં-વાંચતાં શીખ્યા. ૨૦મે વર્ષે તેમણે એક ખેડૂતકન્યા સાથે લગ્ન કર્યાં, જે પુત્ર રૉબર્ટને જન્મ આપી યુવાનવયે ગુજરી ગઈ. રૉબર્ટ પણ સિવિલ ઇજનેર હતા અને તેમણે
ઘણા રેલવે-પુલો બાંધ્યા હતા.
ઈ. સ. ૧૮૧૦માં સ્પેસિંગ કિલિંગવર્થની ખાણમાં
એક પંપ કોઈથી ચાલતો ન હતો. જ્યૉર્જે તે ચાલુ કરી આપતાં તેમને ખાણના મુખ્ય મિકેનિક બનાવવામાં આવ્યા. અહીં એન્જિનોના ભાગ છૂટા કરી, ફરી જોડી, વરાળયંત્રની કાર્યવિધિ સમજવાની તેમને તક મળી. ૧૮૧૩માં તેમણે ખાણમાંથી કોલસો બહાર
કાઢવા માટેના પૈડાવાળા વરાળયંત્રની જાતતપાસ માટે બાજુમાં આવેલી કોલસાની ખાણની
મુલાકાત લીધી. તેમને લાગ્યું કે પોતે વધુ સારું એન્જિન બનાવી શકે તેમ છે. આ અંગે તેમણે ખાણના મુખ્ય માલિક રેવન્સવર્થને સમજાવ્યા. આર્થિક પીઠબળ પ્રાપ્ત થતાં તેમણે બ્લુચર (Blucher) નામનું રેલવે-એન્જિન બનાવ્યું; જેણે ૨૫ જુલાઈ, ૧૮૧૪ના રોજ સફળ અજમાયશી દોડ લગાવી. પ્રથમ પ્રયત્નમાં તે ૩૦ ટન કોલસો ભરેલાં ૮ વૅગનોને ૬ કિમી.ની ઝડપે ખેંચી શક્યું. જ્યૉર્જને આનાથી સંતોષ ન થતાં તેમણે એન્જિનની શક્તિ વધારવાનું
વિચાર્યું અને વરાળના ધક્કાનો ઉપયોગ કર્યો. આ નવી ડિઝાઇન વડે રેલવે-એન્જિન વધુ કાર્યક્ષમ બન્યું. ઈ. સ. ૧૮૧૪ અને ૧૮૨૩ વચ્ચે તેમણે લગભગ ૧૨
જેટલાં એન્જિનો બનાવ્યાં હતાં, જે ફક્ત ખાણમાંથી કોલસો બહાર કાઢવા માટેનાં હતાં.
ઈ. સ. ૧૮૨૩માં જ્યૉર્જે ન્યૂકેસલ ખાતે રેલવે-એન્જિનો માટેની ફૅક્ટરીની સ્થાપના કરી. તે જ વર્ષે તેમને સ્ટૉકટન અને
ડાર્લિંગટન વચ્ચે ઉતારુઓને લઈ જવા માટેના રેલવે-પ્રોજેક્ટની કામગીરી સોંપવામાં આવી. તેમણે કંપની માટે ‘લોકોમોશન’ નામનું એન્જિન બનાવ્યું. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૨૫ના રોજ લોખંડના લીસા પાટા પર દોડતા
આઠ ટન વજનના એન્જિન વડે ડાર્લિંગટનથી સ્ટૉકટન તરફ કલાકના લગભગ ૨૪ કિમી.ની ઝડપે ૪૫૦ પેસેન્જરોને લઈ જતી પ્રથમ ટ્રેન દોડી. આમ રેલવેમાર્ગે પરિવહનની શરૂઆત થઈ.
ઈ. સ. ૧૮૨૫માં લિવરપૂલ અને માન્ચેસ્ટર રેલવેએ
જયૉર્જને આ બે શહેરોને જોડતા ૬૪ કિમી.નો રેલ-રતો તૈયાર કરવાનું કામ સોંપ્યું. આ કામમાં તેમને ખેડૂતો અને જમીનદારોનો ઘણો વિરોધ સહન કરવો પડ્યો. આ બધાને એમ લાગેલું કે રેલવેને કારણે ખેતરો ખૂંદાઈ જશે, ઢોર કપાઈ જશે તથા ઘોડાથી ચાલતા પરિવહનને અવળી અસર પડશે. આ વિરોધના પડઘા છેક પાર્લમેન્ટ સુધી પડેલા; પરંતુ અટલ નિષ્ઠા અને ધીરજથી કામ કરીને
તેમણે બધા વિરોધો શાંત પાડ્યા. લિવરપૂલ-માન્ચેસ્ટર રેલવેલાઇન પૂરી થતાં કંપનીએ રેલવે-એન્જિનની પસંદગી માટે ખુલ્લી હરીફાઈ
યોજી . આમાં જ્યૉર્જનું ‘ધ રૉકેટ’ નામનું નવું એન્જિન ૫૮ કિમી./કલાકની ઝડપ સાથે ૫૦૦ પાઉન્ડનું ઇનામ
જીતી ગયું. આથી જ્યૉર્જ અને તેમના પુત્ર રૉબર્ટને ઘણો યશ પ્રાપ્ત થયો.
ઈ. સ. ૧૮૩૦થી માંડીને ૧૮૪૫માં તેઓ નિવૃત્ત
થયા ત્યાં સુધીમાં જ્યૉર્જે ઘણીબધી કંપનીઓને ઇજનેરી સલાહકાર તરીકે સેવાઓ પૂરી પાડી
હતી. તેમાં રસ્તાઓનું બાંધકામ, પુલોની ડિઝાઇન તથા રેલવે-એન્જિન અને રેલવેના ડબ્બાનું ઉત્પાદન વગેરેની બાબતોનો સમાવેશ થતો હતો. આ બધાં સાહસોમાં જ્યૉર્જ અને તેમના પુત્ર રૉબર્ટનો સંયુક્ત ફાળો હતો.
રેલવે-એન્જિન ઉપરાંત જ્યૉર્જે ખાણિયા માટેનો દીવો, એલાર્મ-ઘડિયાળ જેવી અન્ય ઉપયોગી શોધો પણ કરી હતી.
પુરુષાર્થ અને પરિશ્રમથી શ્રીમંત બનેલા
જ્યૉર્જે પાછલી અવસ્થામાં એક નાની જાગીર ખરીદી. ત્યાં તેમણે પોતાને ગમતા વિષયો – પશુપંખીપાલન અને બાગકામમાં બાકીનું જીવન વિતાવ્યું. પોતે જે સંપત્તિ પ્રાપ્ત કરી હતી તેનો ઉપયોગ તેમણે ખાણમાં કામ કરતા
મજૂરો માટેની રાત્રિશાળાઓ, મજૂરબાળકો માટેની શાળાઓ, પુસ્તકાલયો, તથા મનોરંજન-ખંડો વગેરે માટે કર્યો હતો.
દુનિયાને પ્રગતિમાં હરણફાળ ભરાવનાર
રેલવે-એન્જિનની શોધ માટે જ્યૉર્જ સ્ટીવન્સનનું નામ યંત્રવિજ્ઞાન-વિષયક સંશોધનોના ઇતિહાસમાં સ્મરણીય બન્યું છે.
શુભ્રા દેસાઈ
READ જ્યોતીન્દ્ર દવે,Jyotindra Dave
0 ટિપ્પણીઓ
Please do not share links in comment