જ્યોતીન્દ્ર દવે
(જ. ૨૧ ઑક્ટોબર, ૧૯૦૧, સૂરત; અ. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦, મુંબઈ)
ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ હાસ્યલેખક
અને ગુજરાતીના વિદ્વાન પ્રાધ્યાપક.
તેમના પિતાનું નામ હરિહરશંકર. પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજ-શિક્ષણ તેમણે સૂરતમાં લીધેલું. ઈ. સ. ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ. થયા. ૧૯૨૬થી ૧૯૩૩ દરમિયાન મુંબઈમાં ક. મા. મુનશી સાથે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના
કાર્યમાં જોડાયા. ત્યાં ‘ગુજરાત’ માસિકના ઉપતંત્રી તરીકે પણ કાર્ય કર્યું. ૧૯૩૩થી '૩૭ દરમિયાન સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયા. એ પછી મુનશીના આગ્રહથી ૧૯૩૭માં પાછા
મુંબઈ ગયા. ત્યાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર તરીકે કાર્ય કર્યું. ૧૯૫૬માં ત્યાંથી નિવૃત્ત થયા. એ પછી તેમણે મુંબઈની કેટલીક સંસ્થાઓમાં
અધ્યાપનકાર્ય કર્યું. છેલ્લે માંડવી(કચ્છ)ની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય તરીકે પણ રહ્યા. તેમણે પોતાનાં પાછલાં વર્ષો મુંબઈમાં જ
ગાળ્યાં. ૧૯૬૬માં સૂરતમાં મળેલી ગુજરાતી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ
હતા.
ગુજરાતના ઉચ્ચ કક્ષાના સાહિત્યરસિકોને
પ્રસન્ન કરે તેવું સાહિત્ય તેમણે આપ્યું છે. મર્માળા હાસ્યનિબંધો દ્વારા તેઓ ખૂબ
લોકપ્રિય થયા હતા. આજે પણ ગુજરાતી હાસ્યસાહિત્યમાં તેમનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. તેમના હાસ્યમાં સૂક્ષ્મતા, બૌદ્ધિકતા અને તત્ત્વલક્ષિતા હોય છે. તેઓ અગ્રણી નિબંધકાર તો હતા જ, સાથે હાસ્યરસિક વ્યાખ્યાનો આપનાર સફળ
વક્તા પણ હતા. આમ તેમની જીભ અને કલમ બન્નેએ ઉત્તમ હાસ્યરસની લહાણ કરી છે.
તેમની પાસેથી વિપુલ પ્રમાણમાં
હાસ્યસાહિત્ય મળ્યું છે. ‘રંગતરંગ’ (૧૯૩૨થી ૧૯૪૬ દરમિયાન, ભાગ ૧-૬), ‘મારી નોંધપોથી’, ‘હાસ્યતરંગ', ‘પાનનાં બીડાં’, ‘અલ્પાત્માનું આત્મપુરાણ' ‘રેતીની રોટલી’, ‘નજર : લાંબી અને ટૂંકી’, ‘ત્રીજું સુખ’, ‘રોગ, યોગ અને પ્રયોગ’, ‘જ્યાં જ્યાં પડે નજર મારી’ વગેરે તેમના હાસ્યનિબંધોના ગ્રંથો છે. તેમણે પોતાના જ હાસ્યલેખોને ‘જ્યોતીન્દ્ર તરંગ’(૧૯૭૬)માં સંપાદિત કરીને આપ્યા છે. સમાજજીવન અને માનવજીવનને લક્ષમાં રાખી
તેમણે ઊંચા પ્રકારના શુદ્ધ હાસ્યનું નિરૂપણ આ નિબંધોમાં કર્યું છે. ‘અશોક પારસી હતો', ‘મહાભારત : એક દૃષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના', ‘સાહિત્યપરિષદ’, ‘ઊંઘ’, ‘ચોરોના બચાવમાં' ‘કરકસર’ વગેરે તેમના ખૂબ જાણીતા નિબંધો છે. આ ઉપરાંત ‘ચૂંટણી’, ‘જીભ’, ‘કાન’, ‘પેટ’, ‘છીંક’ જેવા વિષયોમાં તેમણે મુક્તપણે કલમ
ચલાવી છે. વળી હાસ્ય નિષ્પન્ન કરવા તેઓ ટુચકાઓનો પણ સરસ રીતે ઉપયોગ કરતા. તેઓ પોતાને અનુલક્ષીને સૌને હસાવનાર લેખક હતા. પોતાને માથે અકાળે પડેલી ટાલ, ખરબચડી દાઢી, નબળું શરીર, શરદી વગેરે રોગો આ બધાંના નિમિત્તે પણ તેમણે હાસ્યરસ પીરસ્યો છે. શીઘ્રલેખન અને શીઘ્રવક્તૃત્વ – બંનેયમાં તેમની ગતિ આકર્ષક હતી.
આ ઉપરાંત ‘લગ્નના ઉમેદવાર’ જેવી નાટ્યરચના તથા ‘આત્મપરિચય’, ‘એ કોણ હતી ?’ જેવી કાવ્યકૃતિઓમાં પણ તેમની હાસ્યકાર તરીકેની – પ્રતિકાવ્યના સર્જક તરીકેની શક્તિનો
પરચો થાય છે. ‘અમે બધાં’ (૧૯૩૬) – એ ધનસુખલાલ મહેતા સાથે લખેલી હાસ્યપ્રધાન નવલકથા છે. બે લેખકો મળી એક કૃતિ રચે તે પણ એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના ગણાય.
જ્યોતીન્દ્ર ‘વાડ્મયવિહાર’, ‘વામચિંતન’ એ લેખસંગ્રહો; ‘વિષપાન’ એ ઐતિહાસિક ત્રિઅંકી નાટક; ‘વડ અને ટૅટા’ નાટક, ‘સરી જતું સૂરત’ નાટક; ‘ભિક્ષુ અખંડાનંદ' – એ અન્ય સાથે રચેલ ચરિત્રકૃતિ આપેલ છે. તેમણે ‘બીરબલ અને બીજા’માં બીરબલની હાસ્યકથાઓનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત પણ અન્ય સંપાદનો તથા
અનુવાદનું કાર્ય પણ તેમણે કર્યું છે. - -
સ્વભાવે સરળ અને નિરભિમાની એવા
જ્યોતીન્દ્ર દવેને તેમના હાયરસના સર્જન માટે ૧૯૪૧નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયેલો. તેમને નર્મદ ચંદ્રક (૧૯૪૦-૪૪ના ગાળાનો) પણ મળ્યો હતો.
તેઓ લખતા હળવું પણ અંદરથી તે ગંભીર
પ્રકૃતિના હતા. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ-છંદ વગેરે વિશે એમનો અભ્યાસ ઊંડો હતો. ઈ.સ. ૧૯૫૭માં તેમણે ઠક્કર વસનજી માધવજી
વ્યાખ્યાનમાળામાં ‘રસશાસ્ત્ર’ વિશે પાંચ વ્યાખ્યાનો આપેલાં તેમાં તેમની વિદ્વાન તરીકેની પ્રતિભાનો
પરિચય થાય છે.
ગુજરાતી સાહિત્યમાં તેઓ નિર્દેશ હાસ્ય
માટે જાણીતા છે. તેઓ ‘હસતા ફિલસૂફ’ તરીકે પણ ઓળખાયા છે. ‘હાસ્યસમ્રાટ'નું બિરુદ પણ તેમને અપાયેલું છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment