જ્યોતિર્લિંગ
ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ
જ્યોતિર્લિંગો.

JYOTIRLINGA
![]() |
JYOTIRLINGA |
પંચતત્ત્વ અને જ્યોતિ સાથે સંકળાયેલાં
શિવલિંગો શૈવ સંપ્રદાયમાં ભારે આદર ધરાવે છે. શિવપુરાણ આદિ પ્રાચીન ગ્રંથોમાં શિવને
પરબ્રહ્મ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પરબ્રહ્મના તેજથી જ બધી સૃષ્ટિ ઉત્પન્ન
થઈ છે. ભગવાન શિવ જ શ્રેષ્ઠ દેવ અને તેજોમય લિંગાકારે હોવાનું બ્રહ્મા અને
વિષ્ણુના શ્રેષ્ઠત્વના વિવાદમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભારતમાં શૈવ મંદિરોમાં બાર જ્યોતિર્લિંગોનો સૌથી વિશેષ મહિમા છે. બાર જ્યોતિર્લિંગો આ પ્રમાણે બતાવાયાં છે :
(૧) સોમનાથ :
ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં પ્રભાસપાટણ અથવા સોમનાથ પાટણમાં આ
જ્યોતિર્લિંગ આવેલું છે. અહીં ચંદ્રે દક્ષના શાપમાંથી મુક્ત થવા તપશ્ચર્યા કરી હતી એમ
પુરાણકથા કહે છે.
(૨) મલ્લિકાર્જુન
તે આંધ્રપ્રદેશના હૈદરાબાદની દક્ષિણે કુર્નુલ જિલ્લામાં
સિકંદરાબાદથી કુર્નૂલ રેલવેલાઇન ઉપર કુર્નૂલથી આશરે ૧૨૩ કિમી. દૂર આવેલું છે. અહીં પાર્વતીનું નામ મલ્લિકા અને
શિવનું નામ અર્જુન છે. આથી તે મલ્લિકાર્જુન કહેવાય છે. શ્રીશૈલ પર્વત ઉપર આ આવેલું છે. દક્ષિણમાં શૈવો જ્યોતિર્લિંગની યાત્રાને વધુ પ્રાધાન્ય આ આપે છે.
(૩) મહાકાલ :
મધ્યપ્રદેશના ઇન્દોરની નજીક ક્ષિપ્રા નદીના કિનારે મહાકાલ નામે જ્યોતિર્લિંગ આવેલું છે. ભગવાન શિવ કાલના કાલ હોવાથી મહાકાલ કહેવાય છે. અહીં વહેલી પરોઢે થતી સ્મશાનની ભસ્મની આરતીનાં દર્શન અમૂલ્ય મનાય છે. મૃત્યુંજયના જપથી મૃત્યુભય દૂર થાય છે. મહાકાલ મૃત્યુંજય છે. અહીં અર્ધકુંભમેળો ભરાય છે.
(૪) ઓમ્કારેશ્વર, અમલેશ્વર :
આ જ્યોતિર્લિંગ નર્મદાના કિનારે માંધાતા બેટ ઉ૫૨ આવેલું છે. ઇન્દોરથી આ સ્થળ ૬૪ કિલોમીટર દૂર છે. આ પાર્થિવ લિંગ એટલે કે માટીનું
શિવલિંગ છે. આવું એક પાર્થિવ લિંગ જંબૂકેશ્વર નામે શ્રી
રંગપટ્ટની આવ્યું છે. પાર્થિવ લિંગ
ઉપર સામાન્ય રીતે જળથી અભિષેક થતો નથી. માંધાતા દ્વીપની સામે આવેલી વિષ્ણુપુરીનું
પણ જ્યોતિર્લિંગ
ગણાય છે. અહલ્યાબાઈ હોલ્કરે તેની પુનઃસ્થાપના કરી હતી.
(૫) વૈદ્યનાથ :
આ સ્થળ બિહારમાં પરલીમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં ભીંડ જિલ્લામાં આવેલા
પરલીનું આ નામનું શિવલિંગ બીજું છે. આ જ્યોતિર્લિંગ હાવડા—પટણા રેલવે-લાઇન ઉપર આવ્યું છે. રાવણે કૈલાસમાંથી શિવલિંગ લઈ આવતાં નૈસર્ગિક ક્રિયા માટે રોકાતાં એ
શિવલિંગ ત્યાં જ સ્થિર થઈ ગયું હતું એમ મનાય છે. તેનું આરાધન બૈજુ નામના ભીલે કર્યું
હતું.
(૬) ભીમાશંકર :
મહારાષ્ટ્રમાં પુણેથી પૂર્વમાં ભીમા નદીના કાંઠે ખીણમાં તેનું ભવ્ય
મંદિર છે. દક્ષિણ-પૂર્વનું આ જ્યોતિર્લિંગ મુંબઈથી ૨૦૦ કિલોમીટર દૂર આવ્યું છે. આ સિવાય ગૌહાટીમાં પણ આ નામે શિવલિંગ છે, પણ તે જ્યોતિર્લિંગ ગણાતું નથી.
(૭) રામેશ્વર :
દક્ષિણ ભારતમાં રામેશ્વર નામના બેટ ઉપર આ જ્યોતિર્લિંગ આવ્યું છે. રામે આ શિવલિંગની સ્થાપના કરી લંકા તરફ
રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું.
(૮) નાગેશ્વર :
નાગનાથ કે નાગેશ્વર ગુજરાતમાં દ્વારકાની નજીક આવેલું છે. આ દારુકાવન તરીકે ઓળખાતી ભૂમિ છે. પુરાણકથા પ્રમાણે સમુદ્ર દારુકાવનને ડુબાડ્યું હતું. મધ્ય મહારાષ્ટ્રમાં પરભણી જિલ્લામાં નાગનાથ ઔઢા તરીકે ઓળખાતું સ્થળ ભિન્ન છે. દ્વારકા સમુદ્રમાં ડૂબી હોવાની કથા દારુકાવનને પણ લાગુ પરંતુ મહારાષ્ટ્રના નાગનાથને લાગુ પડતી નથી.
(૯) વિશ્વેશ –વિશ્વેશ્વર :
કાશી કે વારાણસીમાં આવેલું આ જયોતિર્લિંગ પ્રસિદ્ધ છે. કાશીમાં મરણ પામનારને વિશ્વનાથ ‘રામ’ એવો તારકમંત્ર અંતિમ ક્ષણે ઉપદેશે છે. પાર્વતીના આગ્રહથી શિવે મહાસ્મશાન બનેલી આ ભૂમિમાં નિવાસ કર્યો
હોવાનું પુરાણકથા જણાવે છે.
(૧૦) ત્ર્યમ્બકેશ્વર :
મહારાષ્ટ્રમાં નાસિક પાસે સહ્યાદ્રિની તળેટીમાં ગોમતી નદીના કાંઠે આ
જ્યોતિર્લિંગ આવેલું છે. આ પ્રદેશ કુશાવર્ત છે. આ જ્યોતિર્લિંગમાં ત્રણ નાનાં શિવલિંગ છે.
(૧૧) કેદારનાથ :
હિમાલયમાં આવેલું કેદારનાથ પંચ કેદારમાંનું એક છે. હિમાલયના ચાર ધામમાંના એક આ કેદારેશ્વરનું લિંગ જ્યોતિર્લિંગ છે. આ સિવાય કાશીમાં કેદારેશ્વર નામનાં આઠ શિવતીર્થો છે. કાશ્મીર અને કપિલમાં પણ આ નામનાં તીર્થ છે; પરંતુ તે સર્વમાં જ્યોતિર્લિંગ નથી.
(૧૨) ઘૃષ્ણેશ્વર (ખેશ્વર) :
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં વેળુર કે ઇલોરા ગામમાં આ પ્રાચીન
જ્યોતિર્લિંગ આવેલું છે. તે ઔરંગાબાદથી આશરે દસેક કિલોમીટર દૂર આવ્યું છે.
શૈવો આ બાર જ્યોતિર્લિંગની યાત્રાથી
પોતે ધન્ય થતા હોવાનું માને છે.
READ જોહાન ગૂટનબર્ગ,Johann Gutenberg
0 ટિપ્પણીઓ
Please do not share links in comment