જે. કૃષ્ણમૂર્તિ
(જ. ૧૧ મે, ૧૮૯૫, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬, ઓ'હેર, કૅલિફૉર્નિયા, યુ.એસ.)
ભારતના મહાન તત્ત્વચિંતક.
તેમનો જન્મ તેલુગુ બ્રાહ્મણ કુટુંબમાં
થયો હતો. પિતા નારાયણપ્પા રેવન્યૂ ખાતામાં અને પછી અડ્યાર થિયૉસૉફિકલ સોસાયટીના
કર્મચારી હતા. માતા સંજીવમ્મા કૃષ્ણભક્ત અને ધાર્મિક વૃત્તિનાં હતાં. તેમનું લાડકું નામ હતું જિદુ. તેમની માતૃભાષા તેલુગુ હતી. તેમના માતાપિતાનું તેઓ આઠમું સંતાન હતા.
જે. કૃષ્ણમૂર્તિ
બાળપણમાં તેઓ ખૂબ બીમાર રહેતા, તેથી શાળામાં પણ નિયમિત જઈ શકતા નહિ. આમ બાળપણમાં તેઓ ભણવામાં
મંદ હતા, પણ કોઈ જ્યોતિષીએ આગાહી કરેલી કે તેઓ ખૂબ મહાન થશે. તેઓ હૃદયથી ખૂબ દયાળુ અને પ્રેમાળ હતા. તેઓ કુદરતના ચાહક હતા, કલ્પનાશીલ હતા. થિયૉસૉફિકલ સોસાયટીના સ્થાપક ઍની બેસન્ટના સહાયક લેડબિટરનો એક વાર
જિદુ અને તેમના ભાઈ નિત્યાનંદ સાથે ભેટો થયો. લેડબિટરને જિદુમાં ઈસુ અને બુદ્ધની
કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું. પરિણામે ૬ માર્ચ, ૧૯૧૦ના રોજ ઍની બેસન્ટે બન્ને ભાઈઓને
દત્તક લીધા. જગતને નવો પ્રકાશ મળે તે હેતુથી ઍની બેસન્ટે ‘ઑર્ડર ઑવ્ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ' (‘પૂર્વનો તા૨ક સંધ’) નામની સંસ્થાની ૧૯૧૧માં સ્થાપના કરી અને તેનું અધ્યક્ષપદ જે. કૃષ્ણમૂર્તિને સોંપ્યું.
અહીં આધ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે ‘શ્રીગુરુચરણે’ પુસ્તિકા લખી. ૧૯૨૫માં નિત્યાનંદનું અવસાન થયું. ત્યારબાદ જિદુના જીવનમાં આમૂલ પરિવર્તન
આવ્યું. ૧૯૦૯માં ઍની બેસન્ટ કૃષ્ણમૂર્તિને પ્રથમ વાર મળ્યાં અને તેમણે કહ્યું
કે તેઓ મૈત્રેયના અવતાર છે. આ વાત કૃષ્ણમૂર્તિએ નકારી કાઢી અને તેની પ્રતિક્રિયા રૂપે તેમણે ઍની
બેસન્ટે સ્થાપેલા અને લખલૂટ મિલકત અને હજારો અનુયાયી ધરાવતા ‘પૂર્વના તા૨ક સંઘ’નું ૧૯૨૯માં પોતે જ વિસર્જન કર્યું અને
જાહેર કર્યું કે સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાયમાં હું માનતો નથી, કારણ કે તે સત્યના દુશ્મન હોય છે.
તેમણે કોઈ મઠ કે સંપ્રદાયની સ્થાપના
નથી કરી, નથી સંપત્તિ ભેગી કરી, નથી કોઈને ગુરુ કર્યા કે નથી કોઈને શિષ્ય બનાવ્યા. તેઓ માનતા કે અક્ષરજ્ઞાન વગરનો માણસ એટલે અજ્ઞાની એવું નથી. જે પોતાની જાતને ઓળખતો નથી તે ખરો અજ્ઞાની છે. તેમના મતે શિક્ષણ એટલે સ્વની સમજ.
ઔપચારિક શિક્ષણથી કાર્યકુશળતા આવે, પણ માનવજીવનની ગહનતા સમજવાની દૃષ્ટિ તેનાથી ન આવે તેવું તેઓ માનતા. તેમણે સમજાવ્યું કે માનવસમસ્યાઓના મૂળમાં માનવનો અહંકાર છે અને તેનું
વિસર્જન એ જ તેનો ઉપાય છે. તેમણે જીવનગત પ્રશ્નોને શાસ્ત્રો કે તંત્રો સાથે નથી સાંકળ્યા. તેમણે સમજાવ્યું કે માણસ ‘હું અને મારા'માંથી મુક્ત થાય તો જ પોતાની પ્રેમમય
અનંતતાને સમજી શકે. તેઓ કહેતા કે, ‘માત્ર પુસ્તકો મારફત મળતું શિક્ષણ ભરોસાપાત્ર નથી, ભરોસો તો અંદરથી – અંતરમાંથી આવવો જોઈએ. માનવીમાત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે.’
તેમની આવી વિચારસરણીને જીવંત રાખતી અને
તેનો પ્રસાર કરતી કેટલીક શાળાઓ પણ છે; જેવી કે, ઋષિવેલી (આંધ્ર), રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવૂડ પાર્ક
જેવાં સ્થળોએ ચાલતી શાળાઓ. તેઓ સ્વિટ્ઝર્લેન્ડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. તેમનાં પ્રવચનોની ભાષા ખૂબ સાદી-સરળ અંગ્રેજી રહેતી. એ પ્રવચનોની કૅસેટો પરથી તેમની વિચારસરણી રજૂ કરતા ગ્રંથો પ્રકાશિત
થયા છે; દા.ત., ‘ઍટ ધ ફીટ ઑવ્ ધ માસ્ટર’, ‘કિંગ્ડમ હૅપિનેસ’, ‘હૂ બ્રિગ્ઝ ટૂથ ?’, ‘લાઇફ ઇન ફ્રીડમ', ‘પુલ ઑવ્ વિઝડમ’ વગેરે. તેમના વિશેનું તથા તેમનું કેટલુંક સાહિત્ય ગુજરાતીમાં પણ સુલભ છે. તેઓ વિશાળ અર્થમાં શિક્ષણશાસ્ત્રી હતા. તેમણે રજૂ કરેલું જીવનદર્શન પૂર્વગ્રહો
અને રાજકીય પક્ષોની વિચારસરણીઓથી મુક્ત છે, તેથી વિશ્વમાં તેનો બહોળો પ્રચાર અને
તેનો સ્વીકાર પણ થયો છે. જે. કૃષ્ણમૂર્તિનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનભર્યું સ્થાન છે. ગુજરાતીમાં બબાભાઈ પટેલે તેમના વિશે સુંદર જીવનચરિત્ર પણ લખ્યું છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment