જેમ્સ વોટ
(જ. ૧૯ જાન્યુઆરી, ૧૭૩૬, ગ્રીનોક, સ્કૉટલૅન્ડ; અ. ૨૫ ઑગસ્ટ, ૧૮૧૯, હીથફિલ્ડ હૉલ, ઇંગ્લેંડ)
વરાળ-એન્જિનને સુધારી તેને લગતાં ઉપકરણો
બનાવનાર અને એ રીતે ઔદ્યોગિક ક્રાંતિમાં ફાળો આપનાર સ્કૉટિશ સંશોધક.
વૉટના પિતા ગ્રીનોકના ખજાનચી અને
મૅજિસ્ટ્રેટ હતા તથા વહાણો અને મકાન બાંધવાનો ધંધો કરતા હતા. વૉટની નાજુક તબિયતને કારણે તેમનાં
માતાએ તેમને થોડા સમય માટે ઘેર જ શિક્ષણ આપ્યું. તે પછીથી ગ્રામર સ્કૂલમાં તેમણે લૅટિન, ગ્રીક અને ગણિતનો અભ્યાસ કર્યો. જોકે તેમને ખરું શિક્ષણ તો પિતાની કાર્યશાળા(વર્કશૉપ)માં જ મળ્યું.
૧૭ વર્ષની ઉંમરે ગણિતને લગતાં ઉપકરણો
બનાવવાનું નક્કી કરી તેઓ પ્રથમ ગ્લાસગો અને તે પછી ૧૭૫૫માં લંડન ગયા. ત્યાં તેમણે તાલીમ આપનાર એક શિક્ષક શોધી કાઢ્યા. એક વર્ષમાં તબિયત લથડી જતાં તેઓ
ગ્લાસગો પાછા આવ્યા અને ૧૭૫૭માં યુનિવર્સિટીમાં એક દુકાન શરૂ કરી. ત્યાં તેઓ
ક્વૉડ્રન્ટ, કંપાસ, માપપટ્ટી જેવાં ઉપકરણો બનાવતા. અહીં તેમને ઘણા વૈજ્ઞાનિકો સાથે મુલાકાત થઈ અને જાણીતા વૈજ્ઞાનિક
જૉસેફ બ્લૅક તો તેમના મિત્ર બની ગયા.
૧૭૬૪માં ન્યૂકોમૅન પ્રકારના એક
વરાળઍન્જિનના મૉડલનું સમારકામ કરતાં વૉટે જોયું કે તેના નળાકારમાં વરાળ ઠરી જઈને
પાણીમાં ફેરવાતી હોવાથી ઊર્જાનો ઘણો બગાડ થતો હતો. આમાં સુધારો કરવાના પ્રયત્નો કરતાં મે, ૧૭૬૫માં તેમણે એક મહત્ત્વની શોધ રૂપે અલગ સંઘનક(condenser)નો ઉમેરો કરી આનો ઉકેલ શોધી કાઢ્યો. આ ખ્યાલને વધુ વિકસાવવા તેમણે
બર્મિંગહામમાં બોલ્ટન (Boulton) સાથે ભાગીદારી શરૂ કરી અને વરાળ-એન્જિનમાં સુધારા-વધારા કરતા રહ્યા. અંતે ૧૭૯૦માં તેમણે વૉટ-એન્જિન તૈયા૨ કર્યું. જે ઔદ્યોગિક ક્રાંતિની સફળતામાં નિર્ણાયક બની રહ્યું.
થોડા જ સમયમાં આ એન્જિન ખાણોમાંથી પાણી
ખેંચી કાઢવામાં તેમ જ આટાની, કાગળની અને કપાસની તથા લોખંડનું ઉત્પાદન કરતી મિલોમાં ખૂબ ઉપયોગી
નીવડ્યું. આને કારણે તેઓ ૧૮૦૦માં એક ધનાઢ્ય વ્યક્તિ તરીકે નિવૃત્ત થયા હતા. ૧૭૮૫માં તેઓ લંડનની રૉયલ સોસાયટીના ફેલો ચૂંટાયા હતા.
તેમના નામ પરથી શક્તિ(પાવર)ના એકમનું નામ ‘વૉટ’ આપવામાં આવ્યું છે.
READ જે. કૃષ્ણમૂર્તિ,J. Krishnamurti
0 ટિપ્પણીઓ
Please do not share links in comment