જોર્ડન
અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર
આવેલ આરબ દેશ.
ભૌગોલિક સ્થાન :
તે ૩૧⁰ ઉ.અ. અને ૩૬⁰ પૂ.રે.ની આજુબાજુનો ૮૯,૩૪૨ ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે.
મહંમદ પયગંબરના દાદા હાર્શમના વંશના
નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં મધ્ય ભાગમાં આવેલો
આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા ૫૨ વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે
ઇઝરાયલ દેશો આવેલા છે. તેની કુલ વસ્તી ૬૪,૦૭,૦૮૫ (૨૦૧૦) જેટલી છે.
જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા
જૉર્ડનની ખીણનો પ્રદેશ - એ ચાર જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ-વિભાગો ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ
પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશમાં ૧૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલરામ્ય શિખર આવેલું છે. જૉર્ડનની ખીણનો પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી ઑફ આફ્રિકા)નો ભાગ છે. વિશ્વનું સૌથી ખારા પાણીનું સરોવર
ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે. તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વી પરનો પણ સૌથી નીચાણવાળો ભાગ છે. ઉત્તર પૂર્વનો મોટા ભાગનો પ્રદેશ
સીરિયાના રણપ્રદેશથી છવાયેલો છે.
જૉર્ડનના મોટા ભાગના વિસ્તારમાં ભૂમધ્ય
સમુદ્રનું હવામાન પ્રવર્તે છે. શિયાળામાં હળવી ઠંડી રહે છે અને ત્યારે જ વરસાદ પડે છે. દેશનો ૭૫ % પ્રદેશ રણથી છવાયેલો હોવાને લીધે ઉનાળો સૂકો, ગરમ અને લાંબો હોય છે. અમાનનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે ૭.૫° સે. અને ૨૫° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૩૪૦ મિમી. જેટલો પડે છે. અકાબાનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે ૧૬° સે. અને ૩૨૦ સે. જેટલું રહે છે. ત્યાં આશરે ૩૭ મિમી. વરસાદ પડે છે.
રણપ્રદેશમાં સરેરાશ ૫૦થી ૬૦ મિમી. વરસાદ પડે છે. દેશના ઉત્તર અને પશ્ચિમ તરફના પ્રદેશોમાં વરસાદનું વાર્ષિક સરેરાશ
પ્રમાણ ૪૦૦થી ૪૫૦ મિમી. જેટલું હોય છે.
જૉર્ડનનું અર્થતંત્ર મુક્ત અર્થતંત્રના
સિદ્ધાંત પર રચાયેલું છે. ૧૯૬૭ના યુદ્ધ પછી જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો ફળદ્રુપ પ્રદેશ
ઇઝરાયલની હકૂમત હેઠળ જતો રહ્યો. પર્યટન માટેનાં આકર્ષક સ્થળો પણ જૉર્ડને ગુમાવ્યાં. લાખો પૅલેસ્ટેનિયન શરણાર્થીઓએ જૉર્ડનમાં આશ્રય મેળવ્યો. આ બધાંની દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડી.
તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦ % જમીન ખેતીલાયક છે, ૭૫ % રણથી છવાયેલી છે અને ૧ % વિસ્તાર જંગલવાળો છે.
દેશની મુખ્ય કૃષિપેદાશોમાં ઘઉં, જવ, મગફળી, શાકભાજી તથા દ્રાક્ષ જેવાં ફળોનો સમાવેશ થાય છે. જુનવાણી કૃષિપદ્ધતિ, સિંચાઈ તથા જમીનના યોગ્ય ઉપયોગના અભાવને લીધે કૃષિઉત્પાદકતાનું
પ્રમાણ ઘણું નીચું છે.
દેશની પ્રાકૃતિક સંપદા મર્યાદિત છે. જૉર્ડનના પડોશી દેશો ખનિજતેલના ભંડારને કારણે સમૃદ્ધ બન્યા; પરંતુ જૉર્ડન પાસે ખનિજતેલ ન હોવાથી તેનું અર્થતંત્ર અવિકસિત રહ્યું
છે. તેની પાસે ફૉસ્ફેટ અને પોટાશના ભંડારો છે. સિમેન્ટ, રસાયણિક ખાતર અને ખનિજતેલ-શુદ્ધીકરણના એકમોનો થોડા પ્રમાણમાં વિકાસ થયો છે. નાના પાયાના ઉદ્યોગોમાં સિગારેટ, સાબુ, પગરખાં, કાપડ, દવા, બૅટરી અને ચિનાઇ માટીની ચીજવસ્તુઓનું
ઉત્પાદન કરતા એકમો ઠીક ઠીક પ્રમાણમાં વિકસ્યા છે.
જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા અહીંનું એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમનગરમાંથી પસાર થતી હતી, પણ ૧૯૬૭ના આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા પરનો ૫,૮૭૯ કિમી.નો પ્રદેશ ઇઝરાયલ હસ્તક જતો રહ્યો. તેમાં જેરૂસલેમનો પણ સમાવેશ થાય છે. અકાબા, અલ ઝરકા, ઇરબીડ અન્ય મહત્ત્વનાં શહેરો છે.
જૉર્ડનમાં ૪ યુનિવર્સિટીઓ છે. પ્રાથમિક શિક્ષણ નિઃશુલ્ક અને ફરજિયાત છે. ત્યાંની ન્યાયવ્યવસ્થા મુસ્લિમ કાયદાને
અનુસરે છે.
અહીંની રાષ્ટ્રભાષા અરબી છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. રાજ્યનો અધિકૃત ધર્મ ઇસ્લામ છે.
કુલ વસ્તીના ૬૮ % લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨ % લોકો ગ્રામવિસ્તારમાં વસે છે. ગામડાંમાં ઘરો પથ્થર અને ઈંટોનાં
બનેલાં હોય છે, જેમની છત સપાટ હોય છે. ઘરનો એક ઓરડો પાળેલાં પશુઓ તથા ખેતીનાં ઓજારો માટે રખાતો હોય છે. દરેક ગામમાં એક ચોગાન હોય છે, જેને ‘સહાહ' (Sahah) કહેવામાં આવે છે. ત્યાં ખુલ્લું બજાર અને મેળાવડા યોજાતા હોય છે. શહેરમાં લોકો આધુનિક પોશાક
પહેરે છે, જ્યારે ગામડાંમાં લોકો પરંપરાગત આરબ
પોશાક પહેરતા હોય છે.
જૉર્ડનની સ્ત્રીઓ ભરત ભરેલાં જૅકેટો
અને લાંબાં પહેરણો (skirts) પહેરે છે તથા રંગબેરંગી શાલ ઓઢે છે.
જૉર્ડનવાસીઓનો ખોરાક લગભગ આરબ લોકોના
જેવો જ હોય છે. તેઓ ભૂખ ઉઘાડવા વટાણાને છૂંદીને અથવા રીંગણને તલના તેલમાં શેકીને
બનાવેલી વાનગીનો ઉપયોગ કરે છે. આ સિવાય લીંબુનું શરબત અથવા તીખા ખાદ્ય પદાર્થનો પણ ઉપયોગ કરે છે. તેમના ભોજનમાં ઘેટાનું અથવા મરઘીનું માંસ મુખ્ય હોય છે. તેની સાથે કોળું, રીંગણ, ભીંડા, ભાત અને અનાનસ(pine-apple)માંથી બનાવેલી વાનગીઓ પણ પીરસવામાં આવે
છે. નાન પણ તેની સાથે હોય છે. જમ્યા પછી ગળપણ તરીકે મધમાંથી બનાવેલી
પેસ્ટ્રી(કેક)નો પણ ઉપયોગ કરે છે.
ઈતિહાસ :
ઈ. સ. પૂ. ૪થી સદીમાં સેલ્યુસિડોએ જૉર્ડનના
ઉત્તરના પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યું. તેની દક્ષિણમાં નેબેટિયન નામની આર જાતિનું રાજ્ય હતું. ઈ.સ.પૂ. ૧લી સદીમાં રોમનોએ સેલ્યુસિડોને હાંકી કાઢ્યા. ૭મીથી ૧૬મી સદી સુધી આ પ્રદેશમાં આરબ
મુસ્લિમોની સત્તા હતી. ઑટોમન તુર્કોએ આ પ્રદેશ જીતી લઈને પ્રથમ વિશ્વયુદ્ધના અંત (૧૯૧૮) સુધી પોતાનો અંકુશ જાળવી રાખ્યો. તે પછી, લીગ ઑવ્ નૅશન્સે બ્રિટનની પૅલેસ્ટાઇનના
વાલી તરીકે નિમણૂક કરી. ૧૯૨૮માં ટ્રાન્સજૉર્ડનનો પ્રદેશ બંધારણીય રાજાશાહી હેઠળ કરવામાં
આવ્યો. બ્રિટને ૧૯૪૬માં ટ્રાન્સજૉર્ડનને હાશેમાઇટ વંશનું સ્વતંત્ર રાજ્ય
બનાવ્યું. ૧૯૪૯માં દેશનું નામ જૉર્ડન રાખવામાં આવ્યું. જૂન, ૧૯૬૭માં ઇઝરાયલે હુમલો કરી વેસ્ટ
બૅન્કનો પ્રદેશ કબજે કર્યો. તે પછી રાજા હુસેને જૉર્ડનમાં ગેરીલાઓનાં મથકોનો નાશ કર્યો.
૧૯૯૨માં જૉર્ડનને ગંભીર આર્થિક
સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ૧૯૯૫માં રાજાએ શરીઝૈદ બિન શકીરને વડો પ્રધાન નીમ્યો. ૧૯૯૭માં વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ૧૯૯૯માં રાજા હુસેન મરણ પામ્યો. તેનો પુત્ર અબ્દુલ્લા ૨જો રાજા બન્યો. ૨૦૦૩માં તેણે ઇઝરાયલી અને
પૅલેસ્ટેનિયનો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા હતા.
READ જેમ્સ વોટ,James Watt
0 ટિપ્પણીઓ
Please do not share links in comment