જોસેફ
મેકવાન
(જ. ૯
ઑક્ટોબર, ૧૯૩૬, ત્રણોલી, જિ. આણંદ; અ. ૨૮ માર્ચ, ૨૦૧૦, આણંદ)
ગુજરાતના જાણીતા નવલકથાકાર,
તેમના
પિતાનું નામ ઇગ્નાસ, માતાનું નામ હીરી, વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી
કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તુરત જ નોકરીએ લાગ્યા.
સ્કૂલ કે કૉલેજમાં ગયા વિના બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ. સુધીનો અભ્યાસ
કર્યો. એમ.એ. થયા બાદ ડાકોરની કૉલેજમાં થોડા વખત માટે હિન્દી વિષયના અધ્યાપક તરીકે
કામ કર્યું હતું; પણ માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ એવી પાકી સમજણના કારણે
કૉલેજની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં
રહી શિક્ષણકાર્યની સાથે સાથે સમાજસુધારાની અનેક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા.
જૉસેફ મંકવાન
૧૯૫૬થી
તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે નવલકથા, ચરિત્રસાહિત્ય અને વાર્તાના ક્ષેત્રે
નોંધપાત્ર પ્રદાન કર્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો
સંગૃહીત થયાં છે. આ તેમની ખૂબ વખણાયેલી કૃતિ છે. ‘આંગળિયાત’ (૧૯૮૬) તેમની ખૂબ
જાણીતી અને ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત નવલકથા છે.
વર્ગસંઘર્ષને કેન્દ્રમાં રાખતી આ નવલકથામાં બોલીનું ભાષાકર્મ ધ્યાનપાત્ર છે. આ
નવલકથાનાં ટીહો, દાનો, વાલજી, કંકુ, મેઠી વગેરે પાત્રોનું આલેખન જીવંત રીતે થયું
છે. આ એક મહત્ત્વની જાનપદી નવલકથા છે. તેમની અન્ય નવલકથાઓમાં ‘મારી પરણેતર’,
‘મનખાની મિરાત’ અને ‘બીજ-ત્રીજનાં તેજ' વગેરેનો સમાવેશ થાય છે. ‘લક્ષ્મણની
અગ્નિપરીક્ષા' આત્મકથાત્મક શૈલીમાં લખાઈ છે. તેમણે જીવંત રેખાચિત્રો આપ્યાં છે.
‘વ્યથાનાં વીતક' ઉપરાંત ‘મારી ભિલ્લુ’, ‘જનમજલાં’, ‘માણસ હોવાની યંત્રણા’ વગેરે
તેમની સત્ત્વશીલ ચરિત્રાત્મક કૃતિઓ છે.
‘સાધનાની
આરાધના', ‘આગળો’, ‘પન્નાભાભી’ એ તેમના વાર્તાસંગ્રહો છે તો ‘પગલાં પ્રભુનાં’ અને
‘વ્યતીતની વાટે' તેમના નિબંધસંગ્રહો છે.
આંગળિયાત
‘વહેલી
પરોઢનું વલોણું’ અને ‘અનામતની આંધી' તથા ‘અમર સંવેદનકથાઓ' તેમનાં સંપાદનો છે.
તેમને
ગુજરાત સાહિત્ય અકાદમી તેમ જ ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરેના પુરસ્કારો મળ્યા છે.
૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા તરફથી મળ્યો હતો. આ
ઉપરાંત તેમને સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક તેમ જ દર્શક ઍવૉર્ડથી પણ
સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતી
દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર તરીકે પણ તેઓ પ્રતિષ્ઠિત છે.
શ્રદ્ધા
ત્રિવેદી
READ જોર્ડન,Jordan
0 ટિપ્પણીઓ
Please do not share links in comment