જુગતરામ દવે
(જ. ૧ સપ્ટેમ્બર, ૧૮૯૨, લખતર, જિ. સુરેન્દ્રનગર; અ. ૧૪ માર્ચ, ૧૯૮૫, વેડછી, જિ. સૂરત)
બાળસાહિત્યકાર, કવિ, લોકનાટ્યકાર અને ગાંધીજીપ્રેરિત રચનાત્મક પ્રવૃત્તિના ખાસ કરીને આદિવાસીઓની સેવા અને બુનિયાદી તાલીમના નિષ્ઠાવાન સંચાલક,
તેમના પિતાનું નામ ચીમનલાલ. માતાનું નામ ડાહીબહેન. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવેલી. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં લીધેલું. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૧૭માં તેઓ મુંબઈ હતા. ત્યાં ‘વીસમી સદી’માં કાર્ય કર્યું હતું. એ પછી એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવાનું કાર્ય કરેલું. તેમનો સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર સાથે મેળાપ થયો. તેમની સોબતથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી ઘર-કુટુંબ છોડી ગાંધી આશ્રમમાં આવ્યા ને બાળશિક્ષણનું કાર્ય સંભાળી લીધું. ગાંધીજીના અનન્ય ભક્ત બન્યા.
૧૯૧૯થી ૧૯૨૩ દરમિયાન અમદાવાદમાં ‘નવજીવન' સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી. વળી આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક
તરીકે પણ જોડાયા. ૧૯૨૩-૨૭ દરમિયાન બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮માં સૂરત જિલ્લાના વેડછી આશ્રમમાં
આવ્યા ને બાકીનું જીવન ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં પસાર કર્યું. વેડછીના આશ્રમમાં રહી રાનીપરજ કોમના સર્વાંગીણ વિકાસ માટે તેમણે ભારે
શ્રમ ઉઠાવ્યો. આ આશ્રમે ગ્રામશાળાથી માંડીને ગ્રામસેવક વિદ્યાલય સુધીની શૈક્ષણિક
સુવિધાઓ પૂરી પાડી. અહીંના પછાત કે આદિવાસી બાળકોના ઉત્કર્ષનું કાર્ય તેમણે કર્યું. ગુજરાતમાં આંગણવાડી અને બાળવાડીની પ્રવૃત્તિના વિકાસમાં તેમનો ઘણો
ફાળો રહેલો છે. તેઓ અનેક સત્યાગ્રહોમાં સક્રિય રહેલા અને તે નિમિત્તે બધું મળી નવ
વર્ષ જેટલો જેલવાસ ભોગવેલો. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’નામના માસિકના તેઓ સંપાદક રહેલા.
‘બાળકોને રમકડાં નહીં, કામકડાં આપો. એમના કદને ફાવે તેવાં કામ કરવાનાં સાધનો આપો તો એ પોતાની જાતને વધુ
સારી રીતે વ્યક્ત કરી શકશે’ એમ કહેનાર જુગતરામે બાળઘડતરમાં પાયાનું કાર્ય કર્યું છે. ગુજરાતની કેળવણીના ઇતિહાસમાં તેમનું સ્થાન મોખરાનું છે. એવું જ મોખરાનું સ્થાન બાળસાહિત્યના ક્ષેત્રે પણ છે. બાળમાનસને લક્ષમાં રાખી, વિચારીને લખનારાંઓમાં એમનું સ્થાન
ઉલ્લેખનીય છે. બાળકોની વયકક્ષા ધ્યાનમાં રાખી તેમણે બાળસાહિત્ય આપ્યું છે. ગિજુભાઈએ ‘દક્ષિણામૂર્તિ’ દ્વારા જે અનેક માળાઓ પ્રકાશિત કરેલી તે દરેકમાં તેમણે કંઈક ને કંઈક
આપ્યું છે.
તેઓ એક સારા કવિ પણ હતા. તેમણે મૌલિક રીતે તેમ જ અનુવાદ રૂપે કેટલાંક સુંદર ગીતો આપ્યાં છે. તેમનાં ગીતોમાં સરળતા સાથે માધુર્ય છે. તેમનાં ભક્તિગીતો ભાવસભર છે, તેમણે બાળકોને પ્રસન્ન કરી દે તેવાં સુંદર બાળગીતો આપ્યાં છે. બાળશિક્ષણ અને બાળસાહિત્ય – એ એમની રુચિનાં ક્ષેત્રો હતાં.
તેમણે શિક્ષણ વિશે પણ ઘણું લખ્યું છે, સેવા, શિક્ષણ અને સાહિત્ય એ ત્રણ ક્ષેત્રે તેમણે મન મુકીને કામ કર્યું છે, ધીરજ, ખંત અને સેવાભાવના જેવા ગુણો તેમના સ્વભાવમાં હતા.
તેમની પાસેથી અનેક કૃતિઓ મળી છે. ઇ.સ.૧૯૨૩થી માંડી ૧૯૬૬ સુધીમાં તેમની પાસેથી ૨૩ જેટલાં પુસ્તકો મળ્યાં
હતાં. ૧૯૨૩માં તેમની પાસેથી મળેલ ‘ચાલલગાડી’, ‘ચણીબોર’, ‘રાયણ’ અને ‘પંખીડાં’ એ બાળવાડીનાં બાળકો માટેનાં ઉત્તમ
પાઠ્યપુસ્તકો રહ્યાં છે, ‘ગાલ્લી મારી ઘરરર જાય’(૧૯૫૭) એ સરસ બાળનાટિકા છે. બાળકો માટેના ‘જુગતરામના પાઠો’ની અનેક આવૃત્તિઓ થઈ છે. ‘બાળવાડી’(૧૯૬૨) તેમનો એ વિષયનો અનન્ય ગ્રંથ છે. તેમનું આ બધું બાળસાહિત્ય બાળકોને જ્ઞાન સાથે આનંદ આપે છે. -
આ ઉપરાંત ‘કૌશિકાખ્યાન' એ ખંડકાવ્ય; ‘આંધળાનું ગાડું’, ‘ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ’, ‘રોકડિયો ખેડૂત’ જેવાં હેતુલક્ષી નાટકો; ગ્રામભજનમંડળી' જેવો ભજનસંગ્રહ; ‘ગીતાગીતમંજરી’ જેવો ગીતાતત્ત્વ પર આધારિત મૌલિક ગીતોનો સંગ્રહ; ‘ભારત સેવક ગોખલે’ અને ‘ખાદીભક્ત ચૂનીભાઈ’ જેવાં ચરિત્રપુસ્તકો તેમની પાસેથી
મળ્યાં છે. ‘પ્રહ્લાદ નાટક તથા સહનવીરનાં ગીતો’માં સત્યાગ્રહ અંગે મૌલિક નાટક અને
ગીતો છે. સુંદરપુરની શાળાનો પહેલો ક્લાક' નઈ તાલીમના અવનવા પ્રયોગોનું સુંદર
કલ્પનાચિત્ર રજૂ કરે છે. ‘ગ્રામસેવાના દસ કાર્યક્રમો' રચનાત્મક કાર્ય અંગેનું અજોડ પુસ્તક છે. ‘ઈશોપનિષદ’ – એ ઈશાવાસ્ય ઉપનિષદનો મુક્ત - સરળ અનુવાદ છે. આ ઉપરાંત ‘ગાંધીજી’, ‘લોકપોથી’, ‘અધ્યાપનકલા' જેવી અન્ય કૃતિઓ પણ તેમની પાસેથી મળી
છે.
આમ, એક સાચા સેવક, સારા શિક્ષક અને બાળસાહિત્યકાર તરીકેની
ગુજરાતમાં તેમની વ્યાપક પ્રતિષ્ઠા છે.
READ જીવરામ જોષી,Jivaram Joshi
0 ટિપ્પણીઓ
Please do not share links in comment