જુલે વર્ન (જ. ૮
ફેબ્રુઆરી, ૧૮૨૮ નાન્તે, ફ્રાન્સ; અ. ૨૪ માર્ચ, ૧૯૦૫, એમિયન્સ)
ફ્રેન્ચ
નવલકથાકાર અને વિજ્ઞાનકથાના વિશિષ્ટ લેખક. તેમના પિતાનું નામ પિયરે વર્ન. માતાનું
નામ સૉફી ઑરિયેત શાર્હોત. જુલે વર્નના પિતા વકીલ હતા. તેઓ ઇચ્છતા હતા કે જુલે વર્ન
ઉત્તમ વકીલ બને; પરંતુ બાળપણથી જ જુલેને મુસાફરી અને સાહસો કરવામાં વિશેષ રુચિ
હતી. તેમને વહાણોમાં સફર કરવામાં અને સમુદ્ર પારના દેશો જોવામાં રસ હતો. આ ધૂનમાં
૧૧ વર્ષની વયે એક વહાણમાં કામ કરતા છોકરાને પૈસા આપી તેની જગ્યા લઈ પોતે નાસી છૂટ્યા. તેમના પિતાએ સમુદ્રસફરની કઠણ જિંદગીમાંથી તેમને છોડાવ્યા, ત્યારથી
તેમણે નક્કી કર્યું કે ‘હવેથી હું ફક્ત મારી કલ્પનામાં જ મુસાફરી કરીશ.'
* જુલે
વર્ન
૧૮૫૭માં તેમણે એક વિધવા ઑનોરિન સાથે લગ્ન કર્યાં. તેમની પત્નીએ તેમની મહત્ત્વાકાંક્ષાને ખૂબ પ્રોત્સાહન આપ્યું. થોડાંક વર્ષ જુલે વર્ને મુશ્કેલીઓમાં ગાળ્યાં; પરંતુ ત્યારબાદ તેમણે નવલકથાઓ લખવા માંડી. આ દરમિયાન તેમને ઍલેક્ઝાંડર ડૂમા પિયરે (Pere) અને વિક્ટર હ્યુગોનો પરિચય થયો. તેઓએ જુલે વર્નને લખવા માટેનું માર્ગદર્શન આપ્યું. ડૂમા તો તેમના ખાસ મિત્ર બની ગયા. તેમણે જે નવલકથાઓ લખી તેથી ખૂબ ધન અને કીર્તિ મળ્યાં. એ પૈસામાંથી તેમણે એક નાનું વહાણ ખરીદ્યું. આ વહાણમાં તેમણે ચાળીસ વર્ષ ગાળ્યાં.
તેઓ અવારનવાર કાલ્પનિક ચિત્રો દોરીને તેમના મિત્રોને ગમ્મત કરાવતા. તે
સમયે કોઈને પણ કલ્પના નહોતી કે આ ચિત્રો ભવિષ્યમાં વાસ્તવિક બનવાનાં છે. તે
જમાનામાં ઘોડા જોડેલી રેલગાડી ચાલતી. ઘોડા વિનાની વરાળથી ચાલતી રેલગાડીનું ચિત્ર
જ્યારે તેમણે પોતાના મિત્રોને બતાવ્યું ત્યારે મિત્રોએ તેમને પાગલ ગણ્યા હતા.
વિમાન, સબમરીન અને અવકાશયાનની શોધ પણ નહોતી થઈ ત્યારે તેમણે અવકાશમાં અને પાણીની
અંદર કરાતી મુસાફરી વિશે લખ્યું હતું. ફ્રેન્ચ અકાદમીએ તેમને પચાસ વર્ષની ઉંમરે
‘લીજિયન ઑવ ઑનર’નું બહુમાન આપ્યું હતું. ‘સાગરસમ્રાટ’(Twenty-thousand
Leagues under the Sea)માં તેમણે
સુએઝની છૂપી નહેર વિશે લખ્યું. તેમાંથી ફ્રેન્ચ ઇજનેર ફર્દિનાન્દ-દ-લેસેપ્સને
સુએઝની નહેર ખોદવાની પ્રેરણા મળી.
તેમની કેટલીક
વાર્તાઓના અનુવાદ ગુજરાતીમાં થયા છે. ‘સાગરસમ્રાટ’, ‘ચન્દ્રલોકમાં’,
‘પાતાળપ્રવેશ’, ‘બરફનું રણ', ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘ધ્રુવની સફરે’, ‘ગગનરાજ',
‘અવકાશની સફરે’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘રાણીનો ખજાનો' વગેરે
વાર્તાઓનો સમાવેશ થાય છે. જુલે વર્ન દેશપ્રેમી ફ્રેન્ચ હતા; પરંતુ અમેરિકા
પ્રત્યેનો તેમનો પ્રેમ સાહિત્યમાં ઠેકઠેકાણે નજરે પડે છે.
તેમની
કલ્પનાશક્તિ તીવ્ર હતી. તેઓ ઓગણીસમી સદીની કાલ્પનિક પ્રવાસકથાઓના લેખક અને ભાવિ
યુગના સમર્થ દ્રષ્ટા પણ હતા. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તેમને અનેક આપત્તિઓનો
સામનો કરવો પડ્યો હતો. તેમને ડાયાબિટીસનો રોગ થયો હતો. ૧૮૮૬માં પોતાના પાગલ
ભત્રીજા જોડે રમતાં રમતાં જુલેને પગમાં ગોળી વાગી અને તેઓ અપંગ બન્યા. છેલ્લાં
વર્ષોમાં તેઓ સાંભળી શકતા નહોતા. મોતિયાને લીધે આંખે દેખાતું પણ બંધ થયું. છેવટે
૭૭ વર્ષે તેમનું મૃત્યુ થયું. તે વખતે ફ્રેન્ચ અકાદમીના સભ્યોએ કહેલું : ‘એક વૃદ્ધ
વાર્તાકાર મરણ પામ્યો છે. જાણે કે સાન્તાક્લૉઝ ચાલી ગયો!’
READ જાસૂદ,
0 ટિપ્પણીઓ
Please do not share links in comment