ઝવેરચંદ મેઘાણી
(જ. ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬, ચોટીલા, સૌરાષ્ટ્ર; અ. ૯ માર્ચ, ૧૯૪૭, બોટાદ, સૌરાષ્ટ્ર)
ગાંધીયુગના અગ્રણી ગુજરાતી કવિ, લોકસાહિત્યના સમર્થ સંશોધક અને સંપાદક, બાળસાહિત્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને અનુવાદક.
તેમણે ‘વિલાપી’, ‘તંત્રી’, ‘વિરાટ’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’, ‘દ.સ.ણી.’ વગેરે ઉપનામો રાખેલાં. પિતાનું નામ કાળીદાસ. માતાનું નામ ધોળીમા. તેમને પિતાનાં સાહસ-ટેક અને માતાનું મધુર ગળું વારસામાં મળ્યાં હતાં. તેમનું વતન બગસરા. પિતાને નોકરીમાં વારંવાર બદલી થતી તેથી સૌરાષ્ટ્રની ધિંગી ધરાનો તેમને વ્યાપક રીતે પરિચય થયો. સોરઠનાં પહાડો-નદીઓ વચ્ચે તેમનું બાળપણ વીત્યું હતું. આથી તેઓ પોતાને ‘પહાડના બાળક' તરીકે ઓળખાવતા હતા. પિતાની બદલીઓને કારણે તેમણે શિક્ષણ પણ અનેક સ્થળોએ લીધું. ઈ. સ. ૧૯૧૨માં તેઓ મૅટ્રિક અને ૧૯૧૭માં બી.એ. થયા. એ પછી ભાવનગરની હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કર્યું. વધુ ભણવાની ઇચ્છા છતાં કેટલાંક કારણોસર અભ્યાસ-નોકરી છોડી, ૧૯૧૮માં કૉલકાતા ગયા અને ત્યાં ઍલ્યુમિનિયમના કારખાનામાં એના માલિકના અંગત મંત્રી તરીકે જોડાયા.
તેઓ બંગાળી શીખ્યા. રવીન્દ્રનાથની કવિતાનો તેમના પર ઠીક ઠીક પ્રભાવ પડેલો. યુવાનવયે કારખાનાની સારા પગારની નોકરી છોડી મેઘાણી ઈ. સ. ૧૯૨૧માં વતનનો સાદ સાંભળી બગસરા પાછા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ને
તેમના પત્રકારત્વનો પ્રારંભ થયો. ગાંધીજીપ્રેરિત સ્વાતંત્ર્યની લડતમાં ‘સૌરાષ્ટ્ર’ પત્રની આગેવાની લીધી. મેઘાણીની કવિતા રણહાક બની. તેમનો શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ (૧૯૩૦) બહાર પડ્યો. ઈ. સ. ૧૯૩૦ની સત્યાગ્રહની ચળવળમાં તેઓ જોડાયા. ખોટા આરોપસર બે વર્ષ માટે જેલ થઈ. તેમણે ‘સૌરાષ્ટ્ર’ ઉપરાંત ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’ વગેરેમાં પણ કાર્ય કર્યું હતું. આ પત્રો દ્વારા તેમણે સોરઠના
લોકસાહિત્યને પ્રજા સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કામ કર્યું છે. લોકસાહિત્ય તેમનો રસનો વિષય હતો. ગાંધીજી તથા ટાગોરનો પ્રભાવ, હડાળાના ઠાકોર વાજસૂરવાળાની મિત્રતા વગેરેએ તેમનાં રસ-રુચિ-સર્જનને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેઓ ભણતા હતા ત્યારથી જ કાવ્યલેખન કરતા
હતા; પણ ઈ. સ. ૧૯૨૨થી તેમનું લેખનકાર્ય વ્યવસ્થિત બન્યું. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી
સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના તેઓ પ્રમુખ હતા.
‘યુગવંદના’ (૧૯૩૫) એ તેમનો જ નહીં, ગાંધીયુગનો પણ એક પ્રતિનિધિ કાવ્યસંગ્રહ છે. ગાંધીજી અને ગાંધીયુગની સંવેદનાને મુખર રૂપે કાવ્યોમાં રજૂ કરતો આ સંગ્રહ ખૂબ લોકપ્રિય થયો. ‘છેલ્લો કટોરો’ જેવી અનેક રચનાઓ દ્વારા પોતાની કૃતિઓમાં રાષ્ટ્ર માટેની સંવેદના એવી સચોટ અને ધારદાર રીતે વ્યક્ત કરી કે ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે નવાજ્યા. ‘કસુંબીનો રંગ’, ‘શિવાજીનું હાલરડું’, ‘સાંતાલની નારી’, ‘છેલ્લો કટોરો', ‘કોઈનો લાડકવાયો' જેવી તેમની રચનાઓ આજે પણ લોકકંઠે ટકી છે. ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૩) અને ‘કિલ્લોલ’ (૧૯૩૦) બાળકો વિશેની અને બાળકો માટેની રચનાઓનો સંગ્રહ છે.
‘બાપુનાં પારણાં'માં ગાંધીવિષયક કાવ્યો છે. ‘રવીન્દ્રવીણા’માં રવીન્દ્રનાથનાં કાવ્યો પરથી
રૂપાંતર કે અનુસર્જન રૂપે રચાયેલાં કાવ્યો છે. ‘એકતારો' એ મેઘાણી પરમતત્ત્વ તરફ ઢળતા થયા તેની
પ્રતીતિ - કરાવતો ભજનોનો સંગ્રહ ‘સોનાનાવડી’(૧૯૯૭)માં તેમનાં બધાં જ કાવ્યોનું સંપાદન જયંત મેઘાણીએ કર્યું છે. તેમણે વાર્તા અને નવલકથાના ક્ષેત્રે પણ વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું
છે. ‘કુરબાનીની કથાઓ’ – એ ટાગોરની ‘કથા ઓ કાહિની' પરથી રૂપાંતર પામેલી વાર્તાઓ છે. ‘મેઘાણીની નવલિકાઓ' (ભાગ ૧-૨) અને ‘વિલોપન’માં તેમની મૌલિક વાર્તાઓ છે. તેમાં સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવાં મૂલ્યો તરફનો અહોભાવ વ્યક્ત થાય છે. ‘જેલ ઑફિસની બારી'માં ગુનેગારો અને તેમનાં કુટુંબીજનોની વાતો છે, ‘માણસાઈના દીવા'(૧૯૪૫)માં મૂકસેવક રવિશંકર મહારાજે
પાટણવાડિયા લોકોમાં જે માણસાઈ પ્રગટાવી હતી તેની વાર્તાઓ છે. આ ઉપરાંત તેમણે ‘દરિયાપારના બહારવટિયા’, ‘પ્રતિમાઓ’, ‘પલકારા’ વગેરેમાં રૂપાંતરિત કથાઓ આપી છે.
તેમની પાસેથી લગભગ તેક જેટલી નવલકથાઓ
મળી છે. તેમાંની ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ‘વૈવિશાળ’ અને ‘તુલસીક્યારો’ – એ ખૂબ લોકપ્રિય નવલકથાઓ છે. ‘સમરાંગણ’, ‘‘રા’ ગંગાજળિયો’’, ‘ગુજરાતનો જય’ (ભાગ ૧-૨) વગેરે લોકસાહિત્યના પાસવાળી ઐતિહાસિક
નવલકથાઓ છે. તેમની સામાજિક નવલકથાઓમાં સોરઠી સમાજનું આબેહૂબ પ્રતિબિંબ ઝિલાયું છે. ‘કાળચક્ર’ એ સામાજિક સમસ્યાઓને આલેખતી અધૂરી નવલકથા છે.
તેઓ એક સારા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર તો હતા જ, પણ તેમનું બહુમૂલ્ય પ્રદાન છે લોકસાહિત્યના ક્ષેત્રે. તેમણે લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને સમાલોચનાનું કામ ઉત્તમ રીતે કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન એટલું તો વિપુલ અને એવી તો ગુણવત્તાવાળું છે કે મેઘાણી જાણે લોકસાહિત્યના પર્યાય જેવા થઈ ગયા છે ! સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી, અનેક સ્થળોએ અને અનેક માણસો પાસેથી સાંભળી સાંભળી તેમણે લોકસાહિત્ય ભેગું કર્યું અને તેને શિષ્ટભોગ્ય રૂપમાં રજૂ કરવાનું મહાન કાર્ય કર્યું.
આ સંદર્ભમાં તેમની પાસેથી ‘સૌરાષ્ટ્રની રસધાર' (ભાગ ૧-૫), ‘સોરઠી બહારવટિયા' (ભાગ ૧-૩), ‘કંકાવટી’ (ભાગ ૧-૨), ‘સોરઠી સંતો’, ‘પુરાતન જ્યોત’, ‘સોરઠી ગીતકથાઓ’, ‘રઢિયાળી રાત' (ભાગ ૧-૪), ‘ચૂંદડી’ (ભાગ ૧-૨), ‘હાલરડાં’, ‘ઋતુગીતો’ વગેરે ગ્રંથો મળ્યા છે. તેમાં તેમણે લોકસાહિત્યની વાર્તાઓ, ગીતો, હાલરડાં, રાસડા, દુહાઓ, લગ્નગીતો વગેરેનું સંપાદન અને જરૂર
પડ્યે પુનર્લેખન કર્યું છે. ‘લોકસાહિત્યનું સમાલોચન'(૧૯૪૬)માં મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે
આપેલાં પાંચ વ્યાખ્યાનો છે. તેમાં તેમણે લોકસાહિત્ય વિશે સર્વગ્રાહી અને પ્રમાણભૂત ચર્ચા કરી છે. તેમના લોકસાહિત્યના પ્રદાનની કદરરૂપે ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત
રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ ૧૯૨૮માં તેમને એનાયત થયો. સોરઠ, તારાં
વહેતાં પાણી
ઝવેરચંદ મેઘાણી
મેઘાણીએ લોકસાહિત્યમાંથી અનેક સુંદર
કથાઓ બાળકો માટે સંગૃહીત કરી છે. ‘ડોશીમાની વાતો'(૧૯૧૩)માં ૧૫ જેટલી કથાઓ છે. તેમાં અદ્ભુત અને કરુણરસ છે, કલ્પનાનાં ઉડ્ડયનો અને ગાંભીર્ય પણ છે. તેમાં વિશાળ પાત્રસૃષ્ટિ, ઇન્દ્રલોક અને પશુ-પક્ષીઓ પણ છે. પશુ-પંખીનું બોલવું, પલંગનું ઊડવું જેવાં કથાઘટકોથી એક ચમત્કૃતિભરી સૃષ્ટિ તેમાં ખડી થાય
છે. ‘દાદાજીની વાતો’(૧૯૨૭)માં વીરાજી અને માનસાગરા જેવાં પરાક્રમી પાત્રોની થાઓ છે. લોકકથાના વસ્તુનો આધાર લઈ તેમ જ બંગાળી બાળકથાઓ પરથી તેમણે પોતાની
આગવી શૈલીમાં અહીં અનેક બાળકથાઓ આપી છે. રંગ છે બારોટ'(૧૯૪૨)માં પણ બાળભોગ્ય લોકકથાઓ છે.
આ સિવાય પણ તેમનું અન્ય સાહિત્ય છે : ‘પરકમ્મા’ અને ‘છેલ્લું પ્રયાણ'માં તેમણે ડાયરીની રીતે પોતાના અનુભવો નોંધ્યા છે. મેઘાણીની અંતરછબિને ઝીલતી પત્રસામગ્રી ‘લિ. હું આવું છું' અને ‘અંત૨-છબિ’માં સંપાદિત રૂપે મળે છે. તેમની પાસેથી આઠેક લઘુજીવનચરિત્રોની પુસ્તિકાઓ મળી છે, જેમાં ‘બે દેશદીપક’, ‘ઠક્કરબાપા’, ‘મરેલાંનાં રુધિર’, ‘દયાનંદ સરસ્વતી' વગેરેનો સમાવેશ થાય છે. ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’ અને ‘સોરઠને તીરે તીરે’ એ સોરઠ અંગેના તેમના પ્રવાસગ્રંથો છે. ‘વેરાનમાં’ રેખાચિત્રોનો સંગ્રહ છે. ‘જન્મભૂમિ’ દૈનિકની કટાર ‘કલમ અને કિતાબ’ નિમિત્તે સાહિત્ય અને જીવન વિશે લખેલા
લેખો ‘પરિભ્રમણ’(ભાગ ૧-૩)માં સંઘરાયા છે. તેમણે એકાંકી અને નાટ્યક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમણે ‘રાણો પ્રતાપ’ અને ‘શાહજહાં’ – એ દ્વિજેન્દ્રલાલ રૉયનાં બંગાળી
નાટકોના અનુવાદ ઉપરાંત ‘એશિયાનું કલંક’, ‘હંગેરીનો તારણહાર', ‘મિસરનો મુક્તિસંગ્રામ' જેવા ઇતિહાસગ્રંથો પણ આપ્યા છે.
આવા મેઘાણીના વિપુલ સાહિત્યમાં
ગાંધીયુગનો પ્રબળ અવાજ પ્રગટ થયો છે.
READ જ્યોર્જ સ્ટીવન્સન,George Stevenson
0 ટિપ્પણીઓ
Please do not share links in comment